ગયા મહિને અશ્વિન માટે ભાવુક થયેલા ચાહકોએ અચાનક કેમ તેને વખોડ્યો?
ચેન્નઈ: ભારતના સ્પિન-લેજન્ડ રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં ટીમ-મૅનેજમેન્ટના અભિગમ બદલ રિસાઈને ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી ત્યારે સોશિયલ મીડિયામાં અસંખ્ય ચાહકોએ અશ્વિન પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી અને તેની શાનદાર કરીઅરને બિરદાવી હતી, પણ આજે કેટલાક ચાહકોએ એક બાબતમાં તેના પ્રત્યે નારાજગી બતાવીને તેને બહુમૂલ્ય સલાહ આપી છે. વાત એવી છે કે આજે ‘વિશ્વ હિન્દી દિવસ’ મનાવાઈ રહ્યો છે અને એને લઈને હિન્દી ભાષા વિશેના અશ્વિનના તાજેતરના વિચારો મીડિયામાં ચર્ચાસ્પદ થયા છે.
અશ્વિન એન્જિનિયર છે. થોડા દિવસ પહેલાં તેણે ચેન્નઈની એક પ્રાઇવેટ એન્જીનિયરિંગ કૉલેજના સમારોહને સંબોધતા કહ્યું હતું કે ‘હિન્દી કંઈ રાષ્ટ્ર્ર ભાષા નથી. હિન્દી તો માત્ર એક સત્તાવાર ભાષા છે, બસ.’ અશ્વિનના આ વિધાનો ઘણાને નથી ગમ્યા. તેની આ સ્પીચ વાયરલ થતાં સોશિયલ મીડિયામાં તે ખૂબ ટ્રોલ થયો છે. મોટા ભાગના લોકોએ કહ્યું છે કે ‘અશ્વિને આ વિષયથી દૂર જ રહેવું જોઈએ. એ તો ઠીક, પણ આવી ટિપ્પણી કરવાનું ટાળવું જ જોઈએ.’ સરસ્વતી નામના તેના એક ચાહકે ‘એક્સ’ પર લખ્યું છે, ‘હું અશ્વિનનો ફેન છું, પણ તે જે બોલ્યો એ મને નથી ગમ્યું. તેણે આવું શા માટે બોલવું જોઈએ. તે ક્રિકેટર છે અને ક્રિકેટર જ રહેવું જોઈએ. તમે જેટલી વધુ ભાષા જાણો એટલું સારું જ છે. ભાષાનો મુદ્દો તેણે લોકો પર જ છોડી દેવો જોઈએ.’
Also read:અશ્વિન અને કુંબલેની નિવૃત્તિ વચ્ચેના અનોખા યોગ જાણવા જેવા છે…
બીજા એક અશ્વિન-પ્રેમીએ પણ તેના વિધાનો વિશે નારાજગી બતાવતા લખ્યું છે કે ‘ખુદ અશ્વિન જ ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે તામિલનાડુની બહાર જાઓ અને હિન્દી ન જાણતા હોવ તો બહુ તકલીફ થાય. દ્રવિડ યુગના સપોર્ટવાળા રાજકીય પક્ષોએ તામિલનાડુને પાછળ જ રાખ્યું છે અને હિન્દી ભાષા અપનાવનાર રાજ્યો ખૂબ આગળ વધી ગયા છે. ભારતની પહેચાન હિન્દી છે તો શું એ ખાતર આપણે એ શીખી ન શકીએ?’ 38 વર્ષના અશ્વિને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી હતી. તેણે કારકિર્દીમાં કુલ 765 વિકેટ લીધી છે. અનિલ કુંબલે પછીનો તે બીજો સફળ ભારતીય સ્પિનર છે. મૂળ દક્ષિણ ભારતના અને મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલા બૅટિંગ-લેજન્ડ રાહુલ દ્રવિડનું હિન્દી ઘણું સારું છે. વીવીએસ લક્ષ્મણ તો હિન્દીમાં કૉમેન્ટરી આપી ચૂક્યો છે. અશ્વિને ‘વિશ્વ હિન્દી દિન’ વખતે જ હિન્દી ભાષા વિશે વિવાદ ઊભો કરીને પોતે જ પોતાના ફૉલોઅર્સ ઘટાડી દીધા હશે.