ઉત્તરાયણ પહેલા રાજ્યમાં પતંગ પકડવાની લ્હાયમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો
અમદાવાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન એક જ પ્રકારની બે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધાબા પર પતંગ ચગાવતી વખતે બે માસૂમને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યા હતા. જેને લઈ તેમના પરિવાજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુરતમાં સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ક્રિષ્ના નગરમાં રહેતા 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી અડી જતાં ધડાકો થયો હતો. જેમાં બાળક ગંભીર રીતે દાઝી જતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આપણ વાંચો: ઉત્તરાયણ પર કેન્દ્રિય ગૃહમંત્રી આવશે ગુજરાત, પ્રવાસના રાજકીય મહત્વની ચર્ચા
બીજી ઘટના રાજકોટના શાપરમાં બની હતી. શાપરમાં રહેતો 11 વર્ષનો બાળક ધાબા પરથી પતંગ લેવા ચઢ્યો હતો. આ દરમિયાન ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તે સ્થળ પર જ ભડથું થયો હતો.
ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવતી વખતે રાખો કેટલીક સાવધાની
ઉત્તરાયણની મોજ માણતાં પૂર્વે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.
ધાબાની પાળીની ઉંચાઇ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરી લો.
ધાબા કે અગાસી કરતાં ખૂલ્લાં મેદાનમાં પતંગ ચગાવવાનું વધુ પસંદ કરવું જોઇએ.
માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહીએ. જયારે બાળકો પતંગ ચગાવતાં હોય ત્યારે એક વાલી તરીકે તેમની દેખરેખ રાખીએ.
પક્ષીઓને ઇજા ન થાય અને તેઓના જીવનું રક્ષણ કરીએ.
ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવો.
પતંગ કપાઇ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા કે પકડવા ન દોડો.
વીજળીના તારમાં ફસાયેલા અને સબ સ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન રાખો.