લાડકી

ચહેરા મોહરા -પ્રકરણ: 8

સર, એ સિંગલ બોડીનો છોકરો જેટલો દેખાય છે તેટલો સીધો નથી લાગતો… શેઠે જોખમવાળું કામ સોંપ્યું અને તરત બદમાશી કરીને તેના સાગરીતોને બાતમી આપી દીધી હોય તેમ લાગે છે….

પ્રફુલ્લ કાનાબાર ‘સાલ્લે માલ નિકાલ.’ બોલીને એ પડછંદ માણસે મનોહરનો કોલર એટલી હદે મચડ્યો કે મનોહરનું શર્ટ તેની છાતી સુધી ઊંચે આવી ગયું. મનોહર પ્રતિકાર કરવા ગયો કે તરત બીજા સાગરીતે સાયલેન્સરવાળી રિવોલ્વર કાઢીને મનોહરના લમણે મૂકી દીધી.સોહમ ગભરાઈ ગયો હતો. તેણે પેલાને ધક્કો મારવાની કોશિશ કરી. પેલાએ સોહમને સામો એવો ધક્કો માર્યો કે એકવડિયા બાંધાનો સોહમ નીચે પટકાઈ ગયો. પેલા પડછંદ માણસે ફરીથી મનોહરના લમણે રિવોલ્વર મૂકીને સોહમ સામે જોઇને તેને ધમકાવતા કહ્યું: ‘કમીને… સામના કરતા હૈ? તુઝે પતા હૈ ? ઇસમેં છે ગોલીયા હૈ ..લાશો કે ઢેર લગા દુંગા’ એ દરમિયાનમાં મનોહર ત્વરિત ગતિએ નીચે વળીને એ પડછંદના પગ પકડીને તેને પછાડવા ગયો પણ એ ઝપાઝપીમાં પેલાએ ટ્રિગર દબાવી દીધું. મનોહરના પગમાં ગોળી વાગી. ઓબાપ રે.. ચીસ પાડતો મનોહર પગ પકડીને નીચે બેસી ગયો. તેના પગમાંથી લોહી વહી રહ્યું હતું. સોહમે તરત પેન્ટના ખિસ્સામાંથી દાગીનાનું પેકેટ કાઢીને પેલા પડછંદને આપી દીધું. પેલા બંને ગુંડા આંખના પલકારામાં અલોપ થઈ ગયા.વેઈટિંગ રૂમમાં ભીડ જમા થઇ ગઈ. સોહમને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે એ લોકો રીતસર ધાડ પાડીને પચાસ લાખનો દાગીનો લૂંટીને પલાયન થઇ ગયા હતા. ગણતરીની મિનિટમાં જ રેલવે પોલીસ દોડતી આવી. મનોહરને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. રેલવે પોલીસના સ્ટાફે અંદર અંદર જરૂરી ચર્ચા કરીને સોહમને નજીકમાં જ આવેલા પોલીસ સ્ટેશને લઇ જવાનું નક્કી કર્યું. ગુનો રેલવેની હદમાં બન્યો હતો તેથી રેલવે પોલીસે જરૂરી વિધિ પહેલાં પૂરી કરી.

સોહમ રેલવે પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો. થોડી વાર બાદ શેઠજી પણ હાંફળા ફાફળા પોલીસ સ્ટેશને દોડી આવ્યા. પોલીસે સોહમનું નિવેદન લીધું. સિવિલ હોસ્પિટલમાં મનોહરના પગમાંથી ગોળી કાઢીને તેની સારવાર શરુ કરી. મોડી રાત્રે સિવિલ હોસ્પિટલે જઈને પોલીસે મનોહરનું પણ નિવેદન લીધું. આવા કિસ્સામાં પોલીસ ગુનાના મૂળ
સુધી પહોંચવાની કોશિશ કરતી જ હોય છે, જેમાં પહેલો સવાલ એ જ આવતો હોય છે કે ગુનેગારોને બાતમી આપી કોણે? સામાન્ય રીતે શંકાની સોય હંમેશાં ફરિયાદી તરફ જ તકાયેલી રહેતી હોય છે. મનોહર પર શેઠજીને કોઈ શક નહોતો, કારણકે એ વર્ષો જૂનો વફાદાર નોકર હતો. અગાઉ પણ મનોહરે નડિયાદ પ્લેટફોર્મ પર જીવના જોખમે માલ બચાવ્યો હતો. વફાદાર તો સોહમ પણ હતો, પરંતુ તેણે આ જોખમી કામનો ચાર્જ સંભાળ્યો કે તરત જ આ ઘટના બની હતી. જ્વેલરી શો રૂમના શેઠે પણ નિવેદન આપ્યું કે સોહમ અને મનોહર શો રૂમ પર દાગીનો લેવા આવ્યા

ત્યારે મનોહર તો દાગીનો હાથમાં લેવા પણ તૈયાર નહોતો. મનોહરે જ કહ્યું હતું કે આજથી જવાબદાર માણસ સોહમ જ છે.. વળી એ વાત શો રૂમના સી સી ટીવી કેમેરામાં પણ કેદ થયેલી હતી, જે પોલીસે તરત જ ક્ધફર્મ પણ કર્યું હતું. પોલીસે તપાસ દરમ્યાન રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમના સીસી ટીવી કેમેરામાં કેદ થયેલાં તમામ દૃશ્યો પણ ચેક કર્યા. પેલા બંને ગુનેગારોએ આખો ચહેરો ઢંકાય તેવી હેલ્મેટ પહેરી હતી તેથી તેમનો સ્કેચ બનાવવો કે ઓળખવાનું કામ અત્યંત કપરું હતું.

બીજા દિવસના અખબારમાં સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ છપાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા એ જ સમાચાર ધ્યાનપૂર્વક વાંચી રહ્યા હતા ત્યાં જ સબ ઇન્સ્પેકટર ગઢવી આવી પહોંચ્યા. ‘શું લાગે છે, સર?’ ગઢવી ગઈકાલની લૂંટના સંદર્ભમાં જ પૂછી રહ્યા છે એ વાત જાડેજા સાહેબ સમજી ગયા. તેમણે અખબાર બાજુ પર મૂકીને ઝીણી આંખ કરીને પ્રતિપ્રશ્ન કર્યો. ‘ગઢવી, તને શું લાગે છે?’ ‘સર, એ સિંગલ બોડીનો વીસ વર્ષનો છોકરો જેટલો દેખાય છે તેટલો સીધો નથી લાગતો. પહેલી જ વાર શેઠે જોખમવાળું કામ સોંપ્યું અને તરત બદમાશી કરીને તેના સાગરીતોને બાતમી આપી દીધી હોય તેમ લાગે છે.’ ગઢવીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. જાડેજા સાહેબે સિગારેટ સળગાવી. એક ઊંડો કશ લઈને તેમણે બંને આંખ બંધ કરી દીધી. સિગારેટના ધૂમ્રસેરના વલયો છત તરફ જઈ રહ્યા હતા. જાડેજા સાહેબના વિચારોની વણથંભી વણઝાર સમગ્ર ઘટનાને મૂલવવાની કોશિશ કરી રહી હતી. થોડીવાર બાદ આંખો ખોલીને જાડેજા સાહેબે પૂછ્યું :

‘એ છોકરા વિશે એના શેઠનું નિવેદન શું કહે છે?’ ‘સર, શેઠને તો બેમાંથી એક પણ નોકર પર શક નથી. બત્રીસ વર્ષનો મનોહર તો શેઠનો બાર વર્ષ જૂનો વફાદાર માણસ છે. આગાઉ પણ નડિયાદ સ્ટેશને તેણે જીવના જોખમે દસ લાખ બચાવ્યા હતા એવું સ્ટેટમેન્ટ ખુદ શેઠે કર્યું છે. વળી ગઈકાલે પણ એ જ ઘાયલ થયો છે.’ ‘એટલા માટે જ ગઢવી એટલા માટે જ..’ જાડેજા સાહેબે બંધ આંખો ખોલીને અચાનક ટેબલ પર હાથ પછાડ્યો..

‘મને એ મનોહર પર જ શક છે. તેં એ વિચાર્યું કે એને પગમાં જ ગોળી કેમ વાગી ? બીજું કે આ કામમાં નવો સવો છોકરો આટલી જલ્દી કોઈને બાતમી આપવાની ભૂલ ના કરે. આવા કિસ્સામાં હંમેશાં અતિશય જૂના તથા માલિકનો વિશ્વાસ જીતી ચૂકેલા કહેવાતા વફાદાર માણસો જ બેઈમાની કરતા હોય છે. આજે જ કોર્ટમાં એ મનોહર સામે ચાર્જ મૂકીને રિમાન્ડ માગી લો.’ પણ પણ સર..એના શેઠને શક નથી તેનું શું ? ગઢવીથી બોલાઈ ગયું. શેઠને શક ન હોય તેથી શું થઇ ગયું? પોલીસને શક ન હોઈ શકે ?


સોહમે રાત્રે બે વાગે ઘરે આવીને બહાર ઓટલા પર જ ખાટલો પાથરીને તેના પર લંબાવ્યુ ંહતું. તેની આંખમાં થાક હતો પણ ઊંઘનું નામનિશાન નહોતું. તે મનમાં જ વિચારી રહ્યો..એ ગુંડાઓને કોણે માહિતી આપી હશે કે આ બે યુવાનો પાસે આટલું મોટું જોખમ છે..આજે તો શેઠજીએ બંને માણસો મારા અત્યંત વિશ્વાસુ છે તેવું નિવેદન આપીને તેને પોલીસના ત્રાસથી બચાવી લીધો હતો, પણ કાલે શું થશે? એ ગુનેગારો નહીં પકડાય તો શું? પોલીસ સ્ટેશનનો આજે નજરે જોયેલો માહોલ યાદ આવતાં જ સોહમના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું. તેના આખા શરીરે પરસેવો વળી ગયો. પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી તો આજે ફરિયાદ લખતી વખતે પણ તેને શકની નજરે જ જોતા હતા ને? રેલવે પોલીસના સ્ટાફની સાથે સોહમ જયારે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો ત્યારે તે ગભરાયેલો હતો પણ પોતે નિર્દોષ હોવાથી તેની ચાલમાં આત્મવિશ્વાસ પણ હતો. પોલીસ વર્દીમાં સામે બેઠેલા ગઢવી સાહેબ લેન્ડલાઈન ફોનમાં કોઈની સાથે વાત કરવામાં મશગૂલ હતા. થોડી વાર પહેલાં બનેલી ઘટના બાબતે જ રેલ્વેપોલીસના કોઈ અધિકારી સાથે ગઢવીને વાત થઇ રહી હતી તેનો ખ્યાલ સોહમને તરત આવી ગયો હતો.સોહમે ત્રાંસી આંખે ટેબલ પર રાખવામાં આવેલી સબ ઇન્સ્પેકટર ગઢવીના નામ વાળી નેઈમ પ્લેટ પર નજર કરી હતી. વાત પૂરી થયા બાદ રિસીવર ક્રેડલ પર મૂકીને ગઢવીએ સોહમ સામે જોયું હતું. તેની ધારદાર નજર એક્સ – રે ની જેમ સોહમના પગથી માથા સુધી ફરી વળી હતી. ગઢવીએ તરત રાયટરને બાજુમાં બોલાવી લીધો અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સોહમની સામે જોઇને તેમણે મોટા અવાજે પૂછયું હતું. : ‘નામ?’ ‘જી.. સોહમ.’ ‘બાપનું નામ?’ સોહમ અટક્યો હતો.તેને આજે બપોરે જ તો ખબર પડી હતી કે જેને તે આજ સુધી બાપ માનતો હતો એ બાપુ તેનો અસલી બાપ નથી. ‘શું વિચારે છે ? બાપનું નામ કેમ યાદ કરવું પડે છે?’ ગઢવીએ કરડાકીથી પૂછયું હતું.
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button