આપણું ગુજરાત

માઉન્ટ આબુ કરતા પણ ઠંડા સ્થળે જાવું હોય તો આવો કચ્છઃ બરફની છારી જામે તેવી ઠંડી

ભુજઃ દેશભરમાં ઠંડીનું મોજું છવાયેલું રહે છે અને ઘણા લોકો આવા મોસમમાં ફરવાનું પસંદ કરે છે. આબુ જેવા સ્થળોએ તો પ્રવાસીઓની લાઈનો લાગી છે, પરંતુ જો તમારે આબુ કરતા પણ વધારે ઠંડીનો અનુભવ કરવો હોય તો કચ્છના નલિયાની મુલાકાત લઈ શકો છે.

પોષ મહિનાની ઠંડીએ સરહદી જિલ્લા કચ્છમાં આજે પણ આતંક ચાલુ રાખ્યો છે અને કચ્છના નલિયાનું તાપમાન ૩.૪ ડિગ્રી સે.નોંધાતા આજે પણ તે માઉન્ટ આબુથી પણ વધુ ઠંડુ બન્યું છે અને આ ઉપરાંત કાતિલ ઠંડી માટે જાણીતા રાજસ્થાનના પ્રણાલીગત ઠંડા શહેર ફતેહપુર, સિરોહી,ચિતોડગઢ, જોધપુર, જેસલમેર અને કોટા કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે. એટલું જ નહિ,પણ ઇરાકની રાજધાની બગદાદ, ઇઝરાયેલની રાજધાની જેરુસલેમ કરતાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. આજે સતત બીજા દિવસે પણ અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં આછા બરફની ચાદર છવાઈ છે અને જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.

અબડાસા તાલુકાના નલિયા, મોથાળા, ભાનાડા સહિતના વિસ્તારોમાં જાણે સવારે પણ કર્ફ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે અને છેક બપોરના બાર વાગ્યા સુધી બજારોમાં કોઈ ચહલ-પહલ જોવા મળતી નથી અને લોકોને HMPV વાઇરસના ભયના ઓથાર નીચે પોત પોતાના ઘરમાં રહેવા મજબુર બનવું પડી રહ્યું છે.

ભુજમાં કોલ્ડ કર્ફ્યુ બીજી તરફ, ભુજમાં પણ આજે લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી સે.જેટલું નીચું જતાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક પખવાડિયાથી પડી રહેલી ગાત્રો થીજાવતી ઠંડીને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે અને ખાસ કરીને સવારની પાળીમાં શાળામાં જતાં બાળકો અને નોકરી અર્થે અપડાઉન કરતા કર્મચારીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. શહેરોમાં દૂરના સોસાયટી વિસ્તારોમાં શાક-બકાલાની ફેરી કરતા ફેરિયાઓ અલોપ થઇ જતાં ગૃહિણીઓને શાકભાજી ખરીદવાની મુશ્કેલી પડતી હોવાનું ભુજના મુંદરા રોડ રિલોકેશન સાઈટ પર રહેતાં પ્રિયા ગોસ્વામીએ જણાવ્યું હતું.

કચ્છમાં આવતી ટ્રેનો તો જાણે કોલ્ડ સ્ટોરેજ કચ્છની મારકણી ઠંડીએ મુંબઈથી કચ્છ આવતા પ્રવાસીઓને પણ પરેશાન કર્યા છે અને કચ્છ તરફ આવતી ટ્રેનો જયારે માળિયા-મિયાણા અને સુરાજબારીનો પટ્ટો પસાર કરે છે ત્યારે આખે આખી ટ્રેન ‘કોલ્ડ સ્ટોરેજ’માં પરિવર્તિત થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે,હવામાન ખાતાની આગાહી પ્રમાણે અત્યારે પડી રહેલી ઠંડી હજુ તો ‘પાસેરામાં પહેલી પૂણી’ સમાન છે. ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં હજુ પણ થઇ રહેલી એકધારી બરફવર્ષાને લઈને ઉત્પ્ન્ન થઇ રહેલા બર્ફીલા પવનો આગામી ૧૨ કલાકમાં ગુજરાતમાં પ્રવેશ કરશે જેથી કચ્છ-સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાન હજુ નીચું જવાની આગાહી કરવામાં આવી છે.

Also read:Tourism: માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, સહેલાણીઓને મોજ પડી ગઈ

દરમ્યાન, ભારે ઠંડીના મોજાંને લઈને રાજ્ય પરિવહનની એસ.ટી બસોમાં ઉતારુઓની સંખ્યા ખુબ ઓછી થઈ છે. આ ઉપરાંત ભુજ,રાપર,નલિયા, અંજાર, નખત્રાણા જેવાં શહેરોમાં ભરબપોરે પણ રસ્તાઓ અને શેરીઓ પર જાણે સંચારબંધી લદાઈ હોય તેવો માહોલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button