મહારાષ્ટ્રમાં 1.5 કરોડ નવા સભ્યો નોંધણીનું ભાજપનું અભિયાન
મુંબઈ: ભાજપ 1.5 કરોડ નવા પ્રાથમિક સભ્યોની નોંધણી કરીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનાવવાની યોજનાના ભાગ રૂપે દસમી જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં સભ્યપદ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરશે, એમ એક સિનિયર નેતાએ મંગળવારે જણાવ્યું હતું.
‘ઘર ચલો અભિયાન’ હેઠળ ભાજપ મહારાષ્ટ્રમાં એક લાખ મતદાન મથકો હેઠળ આવતા તમામ ઘરો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે, એમ મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપના સદસ્યતા અભિયાનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ
‘પક્ષ દ્વારા પહેલી જાન્યુઆરીથી શરૂ થયેલા ‘સંગઠન પર્વ’ પહેલનું લક્ષ્ય સભ્યપદમાં નોંધપાત્ર વધારવાનું છે. અમે 1.5 કરોડ નવા સભ્યો સાથે ભાજપને મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ,’ એમ તેમણે કહ્યું હતું.
‘પાંચમી જાન્યુઆરીએ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ બૂથ સ્તરે અભિયાનનો પ્રથમ તબક્કો હાથ ધર્યો હતો. બીજો તબક્કો દસમી જાન્યુઆરીથી ‘ઘર ચલો અભિયાન’ હેઠળ શરૂ થશે,’ એમ રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાને જણાવ્યું હતું.
આ અભિયાનમાં નવા સભ્યોની નોંધણી માટે દરેક ઘરની મુલાકાત લેવાનો સમાવેશ થશે.
તેમણે જણાવ્યું હતું કે વિધાનસભ્યો, સાંસદો, પ્રધાનો અને પંચાયતોથી લઈને સંસદ સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમો આ અભિયાન હાથ ધરવા માટે દરેક બૂથ હેઠળ 40થી 50 ઘરોની મુલાકાત લેશે.
બીડમાં સરપંચની હત્યા બાદ રાજ્યના પ્રધાન ધનંજય મુંડે વિરુદ્ધ ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે કરેલી ટિપ્પણીઓ અંગે પૂછવામાં આવતાં બાવનકુળેએ કહ્યું કે ધસે આ કેસના સંદર્ભમાં મુખ્ય પ્રધાનને ચોક્કસ માહિતી આપવી જોઈએ અને તેમની (બાવનકુળે) સાથે પાર્ટી સંબંધિત બાબતો પર ચર્ચા કરવી જોઈએ.
રાજ્ય ભાજપના વડાએ એમ પણ કહ્યું હતું કે તેમણે (પક્ષ સંબંધિત) મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ધસ સાથે બેઠકનું આયોજન કરી લીધું છે.