અમદાવાદ

ગુજરાતમાં રવિપાકનું વિક્રમી 47.55 લાખ હેક્ટરમાં વાવેતર

અમદાવાદ: ગુજરાતમાં ચાલુ સિઝનમાં રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.

ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર

રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમને જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર થયું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13.42 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષની સરખામણીએ 109 ટકા જેટલું છે. આ ઉપરાંત ધાન્ય પાકમાં મકાઈનું પણ આ વર્ષે કુલ 1.32 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 118.92 ટકા જેટલું છે.

આપણ વાંચો: GOOD NEWS: દેશમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં થયો વધારો પણ તેલીબિયામાં ઘટાડો…

ચણાના વાવેતરમાં 133.38 ટકાનો વધારો

આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે 6.29 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 8.39 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે.

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચણાનું વાવેતર 133.38 ટકા જેટલુ થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા પાકનું 4.74 લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ તેલીબીયા પાકોમાં રાઈનું કુલ 2.57 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

બટેકા અને ડુંગળીના વાવેતરમાં વધારો

આપણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…

ચાલુ રવિ સિઝન દરમિયાન બટેકા અને ડુંગળીનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. ગત વર્ષે ડુંગળીનું આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 69 હજાર હેકટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 92 હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 133.33 ટકા જેટલુ છે.

બટાટાનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે 1.35 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 1.56 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ 115.55 ટકા જેટલું છે.

સૌરાષ્ટ્રમાં 19.88 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 19.88 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં ચણા પાકનું 6.17 લાખ હેક્ટરમાં વાવેતર મહત્તમ નોંધાયું છે.

આ ઉપરાંત કચ્છ ઝોનમાં 1.93 લાખ હેકટર, ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 12.96 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 9.16 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.61 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button