ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકોઃ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને ઝાટકો આપતા રાજ્ય એકમના ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોશી સહિત પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા હતા. એવું કહેવાઇ રહ્યું છે કે જોશી પાર્ટી હાઇકમાન્ડે પિથોરાગઢમાં મેયર પદ માટે તેમની પત્નીને ટિકિટ આપવાનો ઇન્કાર કરતા નારાજ હતા.
ભાજપમાં જોડાનારા અન્ય નેતાઓમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિ(પીસીસી)ના ઉપાધ્યક્ષ બિટ્ટુ કર્ણાટક અને બે વખતના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જગતસિંહ ખાતીનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે શનિવારે અહીં પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે નેતાઓનું ભગવા પક્ષમાં સ્વાગત કર્યું હતું. પાર્ટી બદલનારા નેતાઓને મહેનતુ અને સક્ષમ ગણાવતા ધામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપને તેમની શક્તિ અને અનુભવનો લાભ નગરપાલિકાની ચૂંટણીઓમાં મળશે.
આપણ વાંચો: ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, સમિતિએ સીએમ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો
મુખ્ય પ્રધાને કહ્યું કે કોંગ્રેસમાં યોગ્ય અને સારા લોકોની કોઇ કિંમત નથી. ભટ્ટે કહ્યું કે ભાજપ નવા નેતાના સ્વાભિમાનનું ધ્યાન રાખશે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ માત્ર એક જ કારણ આપ્યું કે કોંગ્રેસ પક્ષના સમર્પિત કાર્યકરોને યોગ્ય સન્માન આપી શકતી નથી.
જોશીએ જણાવ્યું કે તેઓ ભાજપમાં એટલા માટે જોડાયા છે કારણ કે કોંગ્રેસમાં પાર્ટીના પ્રામાણિક કાર્યકર્તાઓનું સન્માન થતું નથી. તેમણે કહ્યું હતું કે મેં કોંગ્રેસમાં પૂરી ઇમાનદારી અને યોગ્યતા સાથે કામ કર્યું, પરંતુ આ બધા માટે કોઇ સન્માન નથી. તેથી જ મેં ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું છે. હું જીવનભર સંપૂર્ણ નિષ્ઠા સાથે પાર્ટીની સેવા કરતો રહીશ. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં ૨૩ જાન્યુઆરીએ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે.