ઉત્સવ

સવા મણ સોનું ને અધ મણ રૂપું

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

મારા લખેલ પુસ્તક ‘પુણ્યશ્ર્લોકા’ના વિમોચન પ્રસંગે કચ્છી વેશભૂષા – અલંકારોથી સજ્જીત બાઈયુનાં ફોટાવાળી ફ્રેમ ભેટમાં મળી હતી એ જોઈને બાઈયુની સુંદરતામાં વધારો કરતા ‘દાગીના’ ઉપર લખવાનો મોકો મળી ગયો. અનેક કોમોએ પોતાની આગવી સંસ્કૃતિને કચ્છમાં ઢાળી છે, એ દરેકની કમનિયતા મોહિત કરી દે છે. અછતમાં પણ કળાનાં રંગો પાથર્યા છે એવી આ બધી કોમ સુશોભિત થવામાં હટી નથી. ચાહે તે બાઈ હોય કે ભાઈ. ઘણી વાર તો લાગે કે બાઇયુંએ આભૂષણો ચડાવ્યા છે કે આભૂષણોમાં બાઇયું!

મહિલાની સુંદરતાની વાત કરવામાં આવે ત્યારે ઘરેણાનો ખ્યાલ પ્રથમ સ્થાને રહે છે. સંસ્કૃતિના આરંભથી જ સ્ત્રીઓનાં ઘરેણાં અસ્તિત્વ ધરાવે છે. પુરાણોમાં આભૂષણોથી અલંકૃત સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ઋગ્વેદકાળમાં માત્ર સ્ત્રી – પુરુષ માટે નહીં પરંતુ ગાયો ઘોડાઓ માટે આભૂષણોનો ઉલ્લેખ મળ્યો છે. અલંકાર, આભરણ જેવા વિવિધ શબ્દોથી ઓળખાતાં આભૂષણો અથર્વવેદ મુજબ હાથીદાંત, શંખ અને છીપમાંથી બનાવતા હતા. આભૂષણોનો ઉલ્લેખ મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષમાંથી પણ મળ્યા છે અને કવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાનશાકુન્તલ’માં પણ આભૂષણોનો ઉલ્લેખ જોવા મળે છે. કચ્છમાં પદાર્પણ કરી ચૂકેલી હિજરતી પ્રજાએ પોતાની સાથે પોતાની સંસ્કૃતિમાં આભૂષણોનો ખ્યાલ વધારે વિસ્તૃત અને રસપ્રદ બનાવ્યો છે. પોતાનો એક અલગ જ વસવાટ બનાવી રહેતી ફકિરાણી જત બાઈયુ કે જેને એના જ કચ્છમાં શું થાય છે એની પરવા નથી, એ નાકવેંઢો પહેરે તે એટલો મોટો અને વજનદાર હોય કે દોરીથી બંધાયેલ વાળમાં ગૂંથીને રાખવો પડે. રબારણું કે આયરાણીયુંની વાત હોય કે પછી મારવાડા બાઈયું. એમને જોઇને ઉદગાર નીકળી જાય, કેડી ફૂટરી લગેતી!!

આ બાઈયુના સૌંદર્યનું વર્ણન વેશભૂષાની સાથે જાણે ઘરેણાં વગર શક્ય ન હોય તેવું લાગે. આ ઘરેણાં કિંમતી ધાતુ નિર્મિત હોઈ થાપણ તરીકે ગણવામાં આવતા તેનાથી આર્થિક ભીંસ પડે ત્યારે આ થાપણ તેમા સહાયરૂપ બને. પરંતુ કચ્છી મહિલાનાં ઘરેણાં આ સિવાય પણ અનેક કારણો રજૂ કરે છે, તેના બીજા ફાયદાઓ પણ છે.

કચ્છ અંતરિયાળ અને સૂકો મુલક હોવાને લીધે મહિલાઓ ગાઉ દૂર જઈને પાણી ભરવા જતી, તે નિર્જન વનવગડામાં પ્રયાણ કરતી હોવાને લીધે સલામતીનો મોટો પ્રશ્ન પણ ઉદ્ભવે અને એટલે જ કચ્છી ઘરેણાંની બનાવટ એ પ્રકારની છે કે તે મહિલાને આવી આફતમાં સ્વરક્ષા માટે હથિયારની જેમ કામ આવે. હાથના (કડા) સ્ત્રીના કાંડા સાથે ઘર્ષણ થઇને હાડકા મજબૂત બનાવે છે અને શક્તિનું સંચાર વધારે છે, જેથી મહિલાને જલદી થાક પણ લાગતો નથી. કચ્છી (કડલા) હૃદયના રોગની શક્યતાને પણ ઘટાડે છે અને માનસિક સંતુલન મજબૂત બનાવે છે એટલે જ આપણે કચ્છી મહિલાને ‘સુરાતનવાળી’ કહીએ છીએ. તેની બનાવટ એવી ધારદાર હોય છે કે એનાથી પ્રહાર કરવામાં આવે તો માણસને ઘાયલ કરી દે. એવી જ રીતે નાકની (નથ) એવી વજનવાળી અને અણીદાર હોય છે કે જો તેનાથી વાર કર્યો હોય તો તે ખૂંચી જાય છે અને લોહીલુહાણ કરી નાખે છે.

પગના (ઝાંઝર) વજનદાર અને કસેલા હોય છે, તેને સોની દ્વારા જ પહેરાવી કે ઉતારી શકાય છે. એવું કહેવાયું છે કે તેને પગમાં પહેરવાથી મહિલાની પેટની નીચેની ચરબી વધવાની ગતિને રોકે છે, તે પગ સાથે ઘર્ષણ કરીને હાડકાને મજબૂત બનાવે છે અને તેના લીધે ઈચ્છાશક્તિ મજબૂત થાય છે. તે ચાંદીના હોવાથી શીતળતાનો ગુણ પણ મળે છે. નસીબની વાત એ છે કે આભૂષિત પ્રથા હજુ કચ્છમાં લુપ્ત નથી થઈ એટલે સવા મણ સોનું ને અધ મણ રૂપુએ સજાવેલી બાઈયુને તાકનારા પરદેશીઓનાં ઢગલાં અહીં ઠલવાય છે.

ભાવાનુવાદ: મુંજી હિકડ઼ી લિખલ ચોપડ઼ી ‘પુણ્યશ્ર્લોકા’ જે વિમોચન ટાંણે કચ્છી પેરવેશ નેં આભરણેસે સજેલી બાઈયેંજે ફોટેવારી ફ્રેમ મુંકે ભેટમેં જુડઇ હુઇ. અજ઼ ઇજ ફ્રેમેંકે ન્યારી બાઈયેંજે સણગારજો તરીકો ઍડ઼ે ધાગીનેતે લિખેજો મોકો મિલી વ્યો.કિઇક કોમુપિંઢજી આઉગી સંસ્કૃતિકે કચ્છમેં ઢારઇ આય, હિન મિડ઼ીજી ખૂબીયું પાંકે ચકિત કરી ડેત્યું. અછતમેં પણ કલાજા રઙ પથરયા ઐં હિન ધરા તે. ભલે હુ બાઈ સણગારે ક પોય ભાઈમાડૂ.ગણે વાર ત લગે ક બાઇયું ધાગીને કે ચડાય આય ક ધાગીના બાઇયેંકે! સંસ્કૃતિજી સરુઆતનું જ નારી આભરણજે ખ્યાલ સથે રજુ થિઇ આય. પુરાણેમેં પ આભરણેસે સજેલી નારીજી સુંદરતાજો વર્ણન કરેમેં આયો આય. ઋગ્વેદકાલમેં ખાલી સ્ત્રી પુરુષલા જ નં પ ગોયું ક ઘોડ઼ેજે ધાગીનેજે સણ્ગારજો ઉલ્ લેખ મિલ્યો આય. અલંકાર, આભરણ જેડ઼ે નિડારે નિડારે નવાજેસસેં ઓરંખાઇંધા ધાગીના અથર્વવેદ મુજબ હાથીડંધ, શંખ ને છીપ મિંજાનું ભનાયમેં અચીંધા હોઆ, ઇનજો બ્યો ઉલ્લેખ મોહેં-જો-દડો ને હરપ્પા સંસ્કૃતિજે અવશેષમિંજાનુ પ મિલ્યા ઐં નેં કવિ કાલિદાસરચિત ‘અભિજ્ઞાનશાકુન્તલ’મેં પ ધાગીનેંજો ઉલ્લેખ ન્યારી સગ઼ોંતા.

પિંઢજો આઉગો જ વસવાટ ભનાય રોંધલ ફકિરાણી જત બાઈયુમ ક જેંકે ઇનીજે જ઼ કચ્છમેં કુરો થિએતો તેંજી પરવા નાય, ઇ નાકવેંઢો પેરેત્યું ઉ ઇતરો વડો ને વજનવારો હોયતો ક ઇનકે દોરીસેં બંધેને વારમેં ગુંથિને રખણોપેતો. રબારણું ક આયરાણીયુંજી ગ઼ાલ હોય કપોય મારવાડા બાઈયું; ઇનીકે ન્યારીને ઉદગાર નિકરી વિઞેં ક કેડ઼ી ફુટરી લગેત્યું!!

હી ધાગીના કિંમતી ધાતુસે ભનલ હોયતા ઇતરે થાપણ તરીકેં પ રખેજો મિહત્વ બોરો આય નેં જડે જરૂર પે તેર હી જ થાપણ ઉગારે સગ઼ે.પ કચ્છી બાઇયેંજા ધગીના સલમતીજે હેતુસેં પ અનુઠા ઐં. કચ્છ અંતરિયાડ઼નેં સૂકો મુલક આય ઇતરે બાઇયું મિલ પર્યા વિઞીનેં પાણી ભરેલા વિઞે, સુનકાર વનવગડ઼ેમેં વિચરંધી વે ઇતરે સલામતીજો સવાલ અચે ને તેર હી ધાગીના ઇનીકે આફતમીજા રિખ્યાલા હથિયારવાંકે કમ અચે.

હથજાકડ઼ા બાઇયેંજે કાંડેભેરા ઘસરાજે ઉનસે હડમજબૂત ભનેંતા નેં શક્તિજો સંચાર કરેંતા, જેંસે બાઇયું જપાટો થકે નત્યું. કચ્છી કડલા ધમજી બીમારી કે થેલા નતા ડીંયે નેં માનસિક સંતુલન મજબૂત ભનાયતા ઇતરે જ કચ્છી બાઇયું સુરાતનવારી ચોવાજેત્યું. કડ્લેજી ભનાવટ ધારવારી હૂંધેજે કારણ અગર હુમલો કરેમેં અચે ત માડૂ ઘાયલ થિઇ વિઞે. એડ઼ી જ રીતે નકજી નથ પ એડ઼ી વજનવારી ને અણીદાર હોયતિ ક અગર વાર કર્યું ત એડ઼ી ખૂંચે ક લૂઇલુઆણ કરિ વિજેં.

પગજાકડેવારા સાંકરા વજનવારા ને કસેલા હોયતા, અધ અધ કિલોજો હી ધાગીનું સોની વટાં જ પેરાજે નેં ઉતારી સગ઼ાજે. ચોવાજેતો ક પગમેં ચાંધિ પેરેસેં બાઇયેંજી પેટ નીચાજી ચરબી વધે નતી નેં પગ ભેરા ઘર્ષણ સેં હડેંકે મજબૂત ભનાઇયેંતા ને પરિણામે ઈચ્છાશક્તિ મજબૂત થિએતી. ચાંધિજા વે ઇતરે શીતલતાજો ગુણ પણ જુડેતો. નસીબજી ગ઼ાલ ત હી આય ક આભૂષિત પ્રથા અનાં કચ્છમેં લુપ્ત નાય થિઇ ઇતરે નથી જ સવા મણ સોનું ને અધ મણ રૂૂપુ’ સે સજલ બાઈયુકે ન્યારેલા પરદેસીયેંજો ઢગલોહિત ઠલવાજેતો. ને અંતેધાગીનેતે બો લાઇનું, ‘મૂકે સોનીડે જો હટ વાલો લગે; હિકડો આય ઝૂમણિયું સવા લખજો મુકે મણિયારે જો હટ વાલો લગે; હિકડી આય ચૂડલિયું સવા લખજ્યું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button