ઉત્સવ

પોતાના કૌશલ્યમાં શ્રદ્ધા હોય તો લોકોની ટિપ્પણીની પરવા ન કરો

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

કેદાર શર્મા થોડા દિવસ અગાઉ એક મિત્રએ મને કહ્યું: `તમે પત્રકારત્વ છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યા એ ખોટું કર્યું.’ એમની વાત સાંભળીને મને હસવું આવ્યું. મેં એમને એક જમાનાના વિખ્યાત ફિલ્મસર્જક કેદાર શર્માના જીવનનો એક કિસ્સો કહ્યો. કેદાર શર્મા ફિલ્મસર્જક બન્યા એ પહેલાં મોટા ગજાના ફિલ્મસર્જક દેવકી કુમાર બોઝ સાથે લેખક-ગીતકાર તરીકે કામ કરતા હતા. કેદાર શર્માને લેખક અને ગીતકાર તરીકે જ તક મળી રહી હતી, પણ એમની મહત્ત્વાકાંક્ષા ફિલ્મ – દિગ્દર્શક બનવાની હતી. એ દિવસો દરમિયાન કેદાર શર્માનો દેવકી બોઝ સાથે ઝઘડો થઈ ગયો અને એમણે દેવકી બોઝની કંપનીમાંથી રાજીનામું આપી દીધું.

દેવકી બોઝ સાથે ઝઘડો થયો એ પછી કેદાર શર્મા બેકાર હતા. બીજું કામ શોધવાના પ્રયાસો કરી રહ્યા હતા. બહુ કોશિશ પછી એમને `ફિલ્મ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા’ ની ફિલ્મ બનાવવાની તક મળી. એ સમયમાં `ફિલ્મ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા’એ વિખ્યાત લેખક ભગવતીચરણ વર્માની નવલકથા `ચિત્રલેખા’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

જોકે કેદાર શર્મા માટે દિગ્દર્શક બનવાનો રસ્તો સરળ નહોતો. ભગવતીચરણ વર્માની `ચિત્રલેખા’ નવલકથામાં જે વિષય હતો એ જ વિષય પર બીજી બે ફિલ્મ બની રહી હતી અને એ બે ફિલ્મ પૈકી એક ફિલ્મ `નર્તકી’ તો ખુદ દેવકી બોઝ બનાવી રહ્યા હતા. કેદાર શર્માએ `ચિત્રલેખા’ ફિલ્મ સ્વીકારી ત્યારે ફિલ્મજગતમાં બધાને લાગ્યું કે શર્મા બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગના લોકોની નજરે જે વિષય પર દેવકી બોઝ જેવા ધુરંધર ફિલ્મસર્જક ફિલ્મ બનાવી રહ્યા હોય એ જ વિષય પર ફિલ્મ બનાવવી એ નરી મૂર્ખાઈ જ હતી.

બીજી બાજુ દેવકી બોઝ પણ કોઈ કારણથી કેદાર શર્માને ફિલ્મ બનાવતાં રોકવા ઇચ્છતા હતા. એમણે પોતાનાથી નારાજ કેદાર શર્માને મળવા બોલાવ્યા. કેદાર શર્મા મળવા ગયા ત્યારે દેવકી બોઝે સમજાવ્યા કે `તમે આ ફિલ્મ છોડી દો અને મારી ફિલ્મ `નર્તકી’ લખવાનું કામ હાથ પર લઈ લો. તમે બહુ સારા લેખક અને ગીતકાર છો.. આ દિગ્દર્શનનો ધખારો પડતો મૂકી દો અને મારી ફિલ્મના લેખક તરીકે આવી જાવ, પરંતુ, કેદાર શર્મા પોતાના નિર્ણય પર મક્કમ હતા. એમણે દેવકી બોઝની ઑફર નકારી કાઢી અને `ચિત્રલેખા’ના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

દેવકી બોઝ પાસે `ન્યૂ થિયેટર્સ’ની તોતિંગ બ્રાન્ડ તેમ જ એ વખતનાં આધુનિક ઉપકરણો તથા ફિલ્મજગતનાં મોટાં નામોનું પીઠબળ હતું. દેવકી બોઝ સાથે એ વખતના ખ્યાતનામ સંગીતકાર પંકજ મલિક હતા તથા અશોક કુમાર સહિતના નામાંકિત ફિલ્મ કલાકારો તેમની ફિલ્મમાં અભિનય કરવા આતુર રહેતા હતા. એમને માટે `નર્તકી’ વધુ એક ફિલ્મ હતી, પણ કેદાર શર્મા માટે `ચિત્રલેખા’ ફિલ્મ બહુ મોટા પડકાર સમાન હતી. એમને ફિલ્મ દિગ્દર્શનની પહેલી તક મળી હતી અને ફિલ્મસર્જક તરીકે એમના અસ્તિત્વનો દારોમદાર એ ફિલ્મ પર હતો.

કેદાર શર્માએ બહુ દોડધામ પછી `ચિત્રલેખા’ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં મહેતાબને કરારબદ્ધ કરી. મહેતાબની હીરોઈન તરીકે ખાસ નામના નહોતી. મહેતાબે કોઈ મોટા બેનરની ફિલ્મમાં ક્યારેય અભિનય કર્યો નહોતો. કેદાર શર્માએ મહેતાબને સમજાવી કે આ ફિલ્મ તારી અને મારી જિંદગીમાં મોટો વળાંક લાવી શકે એમ છે એટલે તારી પૂરી અભિનયક્ષમતા આ ફિલ્મમાં લગાવી દેજે (મહેતાબે `ચિત્રલેખા’ ફિલ્મમાં નિર્વસ્ત્ર બનીને સ્નાનનું એક દૃશ્ય પણ આપ્યું હતું. એ જમાનામાં એ બહુ મોટી વાત હતી).

શર્માએ પોતાનું અસ્તિત્વ રેડીને `ચિત્રલેખા’ ફિલ્મ બનાવી તો નાખી, પણ પછી એમના માટે નવો સંઘર્ષ શરૂ થયો. એમણે કલકત્તામાં `ન્યૂ સિનેમા’ થિયેટરમાં એ ફિલ્મ રિલીઝ કરી. શર્મા દિગ્દર્શક તરીકે નવા હતા અને મહેતાબ પણ બી ગ્રેડની ફિલ્મોની અભિનેત્રી ગણાતી એટલે કોઈ મોટા બેનરની ફિલ્મ રિલીઝ થાય ત્યારે પ્રેક્ષકોમાં જે ઉત્સાહ હોય એવો ઉત્સાહ સ્વાભાવિક રીતે ન હતો. એમ છતાં ઘણા પ્રેક્ષકો એક વાર ફિલ્મ જોઈ નાખવા માટે `ન્યૂ સિનેમા’માં જતા તો ફિલ્મના બુકિગ માટે બેઠેલા કર્મચારીઓ એમને એવું કહીને પાછા રવાના કરી દેતા હતા કે `આ ફિલ્મ બહુ બકવાસ છે અને ફિલ્મ જોશો તો તમે પૈસા વેડફ્વા માટે પસ્તાશો!’

ખુદ `ન્યૂ સિનેમા’ના કર્મચારીઓ પ્રેક્ષકોને પાછા ધકેલી દેતા હતા એટલે `ચિત્રલેખા’ ફિલ્મનો ધબડકો થઈ ગયો. એક અઠવાડિયામાં તો એ ફિલ્મ ન્યૂ સિનેમામાંથી ઊતરી ગઈ (બાય ધ વે, `ન્યૂ સિનેમા’ થિયેટર એ વખતની પ્રખ્યાત નિર્માણ કંપની ન્યૂ થિયેટર્સની માલિકીનું હતું અને ન્યૂ થિયેટર્સ માટે દેવકી બોઝ `નર્તકી’ ફિલ્મ બનાવી રહ્યા હતા)!

`ચિત્રલેખા’ ફિલ્મનો ધબડકો થઈ ગયો એટલે `ચિત્રલેખા’ નવલકથાના લેખક ભગવતી ચરણ વર્માએ `ચિત્રલેખા’ ફિલ્મ સામે આક્રોશ ઠાલવવાનું શરૂ કરી દીધું. એમણે એક લેખમાં કેદાર શર્મા પર આરોપ મૂક્યો કે એમણે મારી મહાન નવલકથાનો કચરો કરી નાખ્યો. ફિલ્મ સાથે સંકળાયેલા બીજા લોકો અને પત્રકારો પણ કેદાર શર્મા પર માછલાં ધોવાં માંડ્યાં હતાં, પણ કેદાર શર્માને `ચિત્રલેખા’ના નિર્માણ માટે સહેજ પણ અફસોસ નહોતો.

`ચિત્રલેખા’ ફિલ્મનો કલકત્તામાં બહુ ખરાબ રીતે ધબડકો થઈ ગયો, પણ એ ફિલ્મ દેશનાં બીજાં શહેરોમાં રિલીઝ થઈ અને અણધાર્યું પરિણામ આવ્યું. પ્રેક્ષકો ઉમળકાભેર એ ફિલ્મ ફરી વાર જોવા જવા લાગ્યા અને જેમણે ફિલ્મ જોઈ હોય એવા પ્રેક્ષકો પોતાના મિત્રો – પરિચિતોને એ ફિલ્મ જોવા માટે આગ્રહ કરવા લાગ્યા. એ સમયમાં વર્તમાન સમયની જેમ પબ્લિસિટીનાં ગંજાવર સાધનો હતાં નહીં એટલે માઉથ પબ્લિસિટી એટલે કે મોઢામોઢ પ્રચારને કારણે ફિલ્મો ઊંચકાઈ જતી કે પછી પિટાઈ જતી. જે કેદાર શર્માની `ચિત્રલેખા’ ફિલ્મ માટે માછલાં ધોવાયાં હતાં અને કેદાર શર્માને નકામા ફિલ્મસર્જક ગણી દેવાયા હતા એ ફિલ્મ દેશનાં બીજાં શહેરોમાં સુપર હિટ સાબિત થઈ ગઈ.

`ચિત્રલેખા’ની આ સફળતાને પગલે અખબારોએ તેનાં ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું અને ઘણાં અખબારોએ તો એ ફિલ્મને મહાન ફિલ્મ જાહેર કરી દીધી! જે ફિલ્મને કારણે ફિલ્મજગતના લોકો કેદાર શર્માને મૂર્ખ ગણી રહ્યા હતા એ જ ફિલ્મને કારણે એમની ઓળખ પ્રતિભાશાળી ફિલ્મસર્જક તરીકે અપાવા લાગી.

-અને એ પછી તો શર્માએ એકએકથી ચડિયાતી ફિલ્મો બનાવી અને તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી ગયા! માણસને પોતાના કૌશલ્યમાં શ્રદ્ધા હોય તો એણે લોકોની ટિપ્પણીની પરવા ન કરવી જોઈએ. મોટા ભાગના લોકોનું કામ સલાહો આપવાનું અને કશુંક જુદું કરવા જતાં માણસોને ઉતારી પાડવાનું જ હોય છે. એમની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button