નાગપુરમાં ગૅન્ગ વૉર: ગોળીબારમાં રીઢો આરોપી ઠાર…
નાગપુર: નાગપુરમાં ફરી ગૅન્ગ વૉર માથું ઊંચકી રહી હોવાની ઘટના ગુરુવારે બની હતી. શેખુ ગૅન્ગના શાર્પશૂટરોએ કરેલા ગોળીબારમાં રેકોર્ડ પરના આરોપીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો પિતરાઈ ગંભીર રીતે ઘવાયો હતો.
આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર બે ફાયર સ્ટેશન અને 70 સ્થળોએ સ્પીડ કેમેરા
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સાંજે નાગપુર જિલ્લામાં ખાપરખેડા પોલીસ સ્ટેશનની હદમાં બાબુલખેડા ગામમાં બની હતી. ગોળીબારમાં માથામાં ગોળી વાગવાને કારણે પવન હિરનવારનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના પિતરાઈ બંટી હિરનવારને ચહેરા પર ઇજા થઈ હતી.
કહેવાય છે કે પવન અને બંટી તેમના સાથીઓ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે શેખુ ગૅન્ગના શાર્પશૂટરોએ તેમની કારને કથિત રીતે આંતરી હતી. બાઈક પર આવેલા છ શાર્પશૂટરોએ કાર પર હુમલો કરી ગોળીબાર કર્યો હતો, જેમાં પવનના માથામાં ગોળી વાગી હતી.
10 વર્ષ અગાઉ બીવાયજેએમના કાર્યકર હેમંત દિયેવારની હત્યામાં શેખુ ગૅન્ગ સંડોવાયેલી હતી. મૃતક પવન હિરનવારની અગાઉ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ ડેન્જરસ ઍક્ટિવિટી (એમપીડીએ) ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એ કેસમાં તાજેતરમાં છૂટેલા પવનને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. તેના પિતરાઈ બંટીને પણ તડીપાર કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પનવ અને બંટી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને હત્યાના પ્રયાસના એક કેસમાં 2018માં તેમની સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ 2022માં રોડ રેજની ઘટનામાં હિરનવારે શેખુના ભાઈ સરોજની હત્યા કરી હતી.
આ પણ વાંચો : શોકિંગઃ નવી મુંબઈમાં GRPના હેડ કોન્સ્ટેબલની ઘાતકીપણે હત્યા
ગોળીબારની ઘટનાની તપાસ એસપી (ગ્રામીણ) હર્ષ પોદ્દારના વડપણ હેઠળ કરવામાં આવી રહી છે. ત્રણ શકમંદને તાબામાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે. (પીટીઆઈ)