સ્પોર્ટસ

રોહિત શર્મા ખુદ ટીમની બહાર થયો કે કરી દેવામાં આવ્યો?

ડ્રેસિંગ-રૂમમાં પહેલાં થઈ જોરદાર ચર્ચા અને પછી `ગંભીર ઍક્શન' લેવામાં આવ્યું!

સિડનીઃ આખરે જેની શંકા હતી એ થઈને જ રહ્યું. કૅપ્ટન રોહિત શર્મા સિડનીની છેલ્લી ટેસ્ટમાં નહીં રમે કે પોતે જ આરામ કરશે એની થોડા દિવસથી ચર્ચા હતી અને છેક સુધી સત્તાવાર રીતે કંઈ જ બહાર નહોતું આવ્યું એટલે સસ્પેન્સ છેક સુધી જળવાઈ રહ્યું હતું. આજે સવારે (ભારતીય સમય મુજબ 4.30 વાગ્યે) જસપ્રીત બુમરાહ ટૉસ માટે આવ્યો અને ટીમની કમાન ફરી સંભાળી લીધી હોવાનું નક્કી થઈ ગયું એટલે સવાલ એ ઊભા થવા લાગ્યા કે શું રોહિતને પ્લેઇંગ-ઇલેવનની બહાર કરી દેવાયો? કે પછી ખુદ તે ટીમની બહાર થઈ ગયો?

આ પણ વાંચો : IND vs AUS: રોહિતે ટીમના હિતમાં નિર્ણય કર્યો, વિરાટ સ્વાર્થી બન્યો! ફેન્સના દિલ તૂટ્યા

ભારતીય ટીમ મૅનેજમેન્ટ સાથેની સલાહ-મસલત પછી ટૉસ વખતે બુમરાહે મેદાન પર કહ્યું કે અમારા કૅપ્ટને પોતે જ આ ટેસ્ટની બહાર રહીને નેતૃત્વનો સુંદર પરિચય આપ્યો છે.’ બુમરાહના આ શબ્દો પરથી લાગે છે કે ટીમના ડ્રેસિંગ-રૂમમાં બધુ બરાબર છે. હેડ-કોચ ગૌતમ ગંભીરે પણ ગુરુવારે સાંજે કહ્યું હતું કેડ્રેસિંગ-રૂમમાં તંગદિલી જેવું કંઈ જ નથી અને સ્થિતિ કાબૂમાં છે.’ જોકે અહીં સવાલ એ ઊભો થાય છે કે રોહિતને ટીમમાંથી ડ્રૉપ નથી કરવામાં આવ્યો તો તે પોતાની મરજીથી પ્લેઇંગ-ઇલેવનની બહાર બેસી ગયો કે પછી તેને બહાર રહેવાનું આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું?

જે કંઈ હોય, પણ ડ્રેસિંગ-રૂમમાં બધુ ઠીક તો નહોતું જ. એક અહેવાલ મુજબ ગૌતમ ગંભીરે મેલબર્નમાં ચોથી ટેસ્ટની હાર પછી ખેલાડીઓને કહ્યું હતું કે બસ, બહુત હો ગયા. હું શાંત છું એનો અર્થ એવો નથી કે બધાએ મન ફાવે એ કરવાનું. બધા પોતપોતાની નૅચરલ ગેમના નામે ગમે એમ રમે છે અને પરિસ્થિતિને અનુરૂપ રમતા હોય એવું લાગતું નથી. ટીમ માટે જે પ્લાન બનાવ્યા હોય એ પ્રમાણે રમાતું હોય એવું દેખાતું જ નથી.’ કહેવાય છે કે રોહિત અને ગંભીર વચ્ચે થોડી કડવાશ છે.

સસ્પેન્સની ચરમસીમા ત્યારે આવી જ્યારે ગુરુવારે (સિડની ટેસ્ટની પૂર્વસંધ્યાએ) પત્રકાર પરિષદમાં રોહિત શર્મા દેખાયો નહીં અને ગંભીરે પત્રકારોના અણિયાળા સવાલના જવાબ આપ્યા હતા. સામાન્ય રીતે મૅચ પહેલાંની પ્રેસ કૉન્ફરન્સમાં ટીમનો કૅપ્ટન આવે અને પત્રકારોના સવાલના જવાબ આપે, પરંતુ રોહિત ન દેખાયો એટલે કેટલાક પત્રકારોએ આ વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે ગંભીરે કહ્યું,રોહિત મજામાં છે.

મને નથી લાગતું કે આવી પરંપરા (મતલબ કે કૅપ્ટન ન પ્રેસ કૉન્ફરન્સમાં આવે એવું…) જેવું કંઈ છે. હેડ-કોચ તમારી સામે છે અને મને લાગે છે કે એટલું પૂરતું હોવું જોઈએ. ટીમ ઇન્ડિયા પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહી છે અને ટીમમાં સ્થાન જમાવી રાખવા પર્ફોર્મન્સ જ એકમાત્ર માપદંડ છે.’

રોહિત પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો અને ત્યાર પછીની ત્રણ ટેસ્ટમાં તેના પર્ફોર્મન્સ આ મુજબ હતાઃ 3, 6, 10, 3 અને 9.
રોહિત કૅપ્ટન હોવા છતાં ઑસ્ટ્રેલિયા જેવી મહત્ત્વની ટૂરમાં આવા ખરાબ પર્ફોર્મન્સને કારણે સિડનીની છેલ્લી ટેસ્ટમાં કોઈ પણ રીતે નહીં જોવા મળે એવું થોડા દિવસથી લાગતું જ હતું.

ગુરુવારે બપોરે એવો રિપોર્ટ આવ્યો હતો કે હેડ-કોચ ગૌતમ ગંભીર સિડનીમાં પિચના અવલોકન માટે બુમરાહને લઈને મેદાન પર ગયો હતો. જોકે થોડી વાર બાદ રોહિત પણ તેમની સાથે જોડાયો હતો, પરંતુ કૅપ્ટન રોહિત અને મુખ્ય કોચ ગંભીર વચ્ચે ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : શેન વોટસને ‘ચેમ્પિયન્સ ટ્રોફી’ માટે આપ્યું મહત્ત્વનું નિવેદનઃ કોહલી, રોહિત માટે મોટી તક…

ત્યાર બાદ ગંભીર પત્રકાર પરિષદમાં પહોંચી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button