ગઢચિરોલીમાં ચમત્કારઃ ફડણવીસની હાજરીમાં 11 નકસલીનું આત્મસમર્પણ…
આઝાદીના 77 વર્ષમાં પહેલી વાર અહેરી - ગર્દેવાડા રૂટ પર બસ દોડી
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે ગઢચિરોલી જિલ્લાની મુલાકાતે હતા. આ પ્રસંગે આ વિસ્તારના કેટલાક મહત્વના નક્સલી નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
વરિષ્ઠ કેડર વિમલા ચંદ્ર સિદામ ઉર્ફે તારક્કા સહિત કુલ ૧૧ નક્સલવાદીઓએ ગઢચિરોલીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સુરક્ષા કર્મચારીઓ પર હુમલા કરવામાં સામેલ આ માઓવાદીઓ પર રૂ. ૧.૦૩ કરોડનું સામૂહિક ઇનામ હતું.
આ માઓવાદીઓમાં સૌથી અગ્રણી દંડકારણ્ય ઝોનલ કમિટીના સભ્ય વિમલા ચંદ્ર સિદામ ઉર્ફે તારક્કા છેલ્લા ૩૮ વર્ષથી નક્સલવાદ ચળવળમાં સામેલ હતા. દરમિયાન ફડણવીસે આ ઓપરેશનમાં બહાદુરી માટે સી-૬૦ કમાન્ડો અને અધિકારીઓનું સન્માન કર્યું હતું.
ફડણવીસએ આ પ્રસંગે કેટલાક વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં અહેરી – ગર્દેવાડા બસ રૂટનું ઉદઘાટન પણ સામેલ હતું. આઝાદી પછી 77 વર્ષમાં પહેલી વાર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ આ વિસ્તારમાં દોડી હતી. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે આ વિસ્તારમાંથી હવે નક્સલવાદીઓનો પ્રભાવ ઓછો થયો છે અને પ્રશાસનનો પ્રભાવ ઊભો થયો છે.
આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘નક્સલવાદનો નાશ થયો છે. આજના દિવસનું વિશેષ મહત્વ એ છે કે આઝાદીના 77 વર્ષમાં પહેલી વાર અહેરી – ગર્દેવાડા રૂટ પર બસ દોડી છે.. પેનગોંડામાં નવી ચોકી બનાવી હવે અમે ગઢચિરોલી જિલ્લાને છત્તીસગઢ સાથે જોડવાનું કામ શરૂ કર્યું છે.
માઓવાદીઓનો પ્રભાવ હતો એ વિસ્તારમાં હવે આપનો પ્રભાવ છે.’
વધુ જાણકારી આપતા મુખ્ય પ્રધાનએ જણાવ્યું હતું કે ‘અમે ગઢચિરોલીને ‘સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા’ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.છેલ્લા ચાર વર્ષમાં ગઢચિરોલી જિલ્લાનો એક પણ યુવક કે યુવતી નક્સલી સંગઠનમાં સામેલ નથી થયો.
આ પણ વાંચો : નવા વર્ષે’ જન્મેલી દીકરી માટે 13 વર્ષથી પિતાએ જાળવી રાખી છે ‘આ’ પરંપરા
વરિષ્ઠ નેતાઓ મોટી સંખ્યામાં આત્મસમર્પણ કરી રહ્યા છે. લોકોને નકસલવાદ નહીં પરંતુ ભારતના બંધારણમાં વિશ્વાસ છે એ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. નક્સલવાદની કરોડરજ્જુ તૂટી રહી છે અને વધુ તૂટી જશે.’