કન્યાકુમારીમાં દેશના સૌથી પહેલા ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું, જાણો વિશેષતા?
કન્યાકુમારીઃ તમિલનાડુના કન્યાકુમારીને એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોના ભાગરૂપે કન્યાકુમારીમાં સમુદ્ર પર દેશનો સૌથી પહેલો ગ્લાસનો પુલ બનાવવામાં આવ્યો છે. આ કાચનો પુલ ૭૭ મીટર લાંબો અને ૧૦ મીટર પહોળો છે, જે વિવેકાનંદ રોક મેમોરિયલ અને કન્યાકુમારીના કિનારે આવેલી ૧૩૩ ફૂટ ઊંચી તિરુવલ્લુવર પ્રતિમાને જોડે છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. કન્યાકુમારીના બીચ પર બનેલો આ કાચનો પુલ દેશનો આ પ્રકારનો પહેલો પુલ હોવાનું કહેવાય છે.
આ પુલ પરથી પ્રવાસીઓ વિવેકાનંદ રોક મેમોરિયલ, તિરુવલ્લુવર પ્રતિમા અને આસપાસના સમુદ્રનો સુંદર નજારો જોઈ શકશે. આ પુલ પર ચાલવું એ એક રોમાંચક અનુભવ છે. આ કાચનો પુલ તમિલનાડુ સરકાર દ્વારા ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: રજાઓમાં પર્યટન સ્થળો પર ધસારોઃ આપણે ફરી 2021ની ભૂલ તો નથી કરી રહ્યા ને?
આ પુલને આધુનિક ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે, જેથી તે ખારી હવા, કાટ અને તેજ પવનો જેવી મુશ્કેલ દરિયાઈ પરિસ્થિતિઓનો સામનો કરી શકે.
મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી એમ કરુણાનિધિ દ્વારા તિરુવલ્લુવર પ્રતિમાના અનાવરણની રજત જયંતી નિમિત્તે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન, રાજ્યના મંત્રીઓ, સાંસદ કનિમોઝી અને વરિષ્ઠ અધિકારીઓએ સાથે બ્રિજ પર ચાલીને તેનો અનુભવ કર્યો હતો.
આ કાચના પુલને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દૂરંદેશી વિચાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ આપીને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.