વીક એન્ડ

શું આપણે મહાન યોદ્ધા શિવાજીનો વાઘનખ સાચવી શક્યા ન હતા?

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

ભારતનાં ઇતિહાસનાં સૌથી વીર અને પરાક્રમી યોદ્ધાઓમાંથી એક એવા શિવાજી મહારાજે ૧૬૫૯ની ૧૦ નવેમ્બરે બીજાપુરના આદિલશાહી સલ્તનતનાં સેનાપતિ અફઝલ ખાનનો વધ કર્યો હતો. એક તરફ અફઝલ ખાનની સેના હજારો સૈનિકોની સાથે આવેલી અને બીજી તરફ શિવાજી મહારાજ એની સામે મુઠ્ઠીભર કહી શકાય એટલા સૈનિકો સાથે સામનો કરવા આવ્યા હતા અને અફઝલ ખાનનો વધ કર્યો હતો.

આ ઘટના અને શિવાજીનાં હથિયાર વાઘનખની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે, કારણ કે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે લંડનમાં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ સાથે છત્રપતિ શિવાજી મહારાજના સુપ્રસિદ્ધ વાઘનખને રાજ્યમાં પરત લાવવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.વાઘનખનો ઉપયોગ શિવાજી મહારાજે બીજાપુર સલ્તનતના આદિલ શાહી વંશના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો.

મુનગંટીવારે અગાઉ કહ્યું હતું કે તેમણે અગાઉ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સાથે ‘જગદંબા’તલવાર અને ‘વાઘ નખ’ ભારત લાવવા અંગે પણ ચર્ચા કરી હતી. હવે આ એમઓયુ પ્રમાણે પ્રાચીન હથિયાર ત્રણ વર્ષના સમયગાળા માટે લોનના આધારે મહારાષ્ટ્ર સરકારને સોંપવામાં આવશે, જે દરમિયાન તેને રાજ્યભરના સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
વાઘનખ શું છે?

વાઘનખ એ મધ્યયુગીન પંજા જેવું હથિયાર છે જે એક પ્રકારનું ખંજર છે.આ હથિયાર ૧૭ મી સદીમાં યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું. આંગળીના વેઢા પર બાંધીને અથવા હથેળીની નીચે છુપાવીને ઉપયોગમાં લઈ શકાતા આ શસ્ત્રમાં ચાર કે પાંચ વળાંકવાળી બ્લેડનો સમાવેશ થાય છે, તેને હાથમોજાં અથવા કોઈ પણ પ્રકારના વસ્ત્રમાં પણ છુપાવી શકાય છે.આ એક એવું શસ્ત્ર હતું કે જેનો ઉપયોગ વ્યક્તિ પોતાની રક્ષા કરવા અથવા ચોરીછૂપીથી હુમલો કરવા માટે કરવામાં આવતો હતો. એ એટલું તીક્ષ્ણ હોય છે કે સરળતાથી ચામડી અને માંસને કાપી નાખે.

ઇતિહાસમાં વાઘનખનો ઉપયોગ થયાની સૌથી પ્રખ્યાત ઘટના શિવાજી મહારાજ દ્વારા અફઝલ ખાનને હણવા માટે કરવામાં આવ્યો હોવાની છે. અફઝલ ખાન બીજાપુરના આદિલ શાહી સલ્તનતનો સેનાપતિ હતો.જેણે શિવાજી મહારાજને કોઈપણ હિસાબે મારી નાખવાનું બીડું ઝડપ્યું હતું. શિવાજી મહારાજ દક્ષિણમાં દિલ્હી અને આદિલશાહી સલ્તનત માટે બહુ મોટો ખતરો બની ગયા હતા.અફઝલ ખાને શિવાજી મહારાજને પકડીને દિલ્હીના દરબારમાં લાવવાનું બીડું ઝડપ્યું ત્યારે કહ્યું હતું કે શિવાજી મહારાજને ઘોડા પર જીવતા કેદી તરીકે લાવીશ.તેનાં પરથી જ બંને વચ્ચે કયા પ્રકારની દુશ્મની હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

‘મરાઠા ઍન્ડ ડેક્કન મુસ્લિમ્સ’ પુસ્તકમાં અફઝલ ખાનના વધની ઘટનાનો ઉલ્લેખ છે. આર એમ બેંથમના નામના ઇતિહાસકારે આ ઘટનાનું વર્ણન કર્યું છે.
અફઝલ ખાન ૭ ફૂટથી વધુ ઊંચો હતો. તેની સામે શિવાજી મહારાજ કદમાં એટલા પહાડી નહોતા, પણ તેઓની વીરતાની કોઈ તુલના થઈ શકે એમ નહોતી. શિવાજી મહારાજ અને અફઝલ ખાન વચ્ચે મંત્રણા કરવા માટે મુલાકાત થઈ હતી. બંને એક સમયે સામસામે આવી ગયા હતા. અફઝલ ખાને શિવાજી મહારાજને આલિંગન આપવા માટે પોતાના બન્ને હાથ ફેલાવ્યા, પણ તેનો ઇરાદો તેમનું માથું બગલમાં દબાવીને મારી નાખવાનો હતો. તેણે શિવાજી પર પર ખંજરથી હુમલો કરીને ઘા માર્યા હતા, પરંતુ શિવાજી મહારાજે બખ્તર પહેર્યું હોવાથી બચી ગયા અને શિવાજીએ વાઘનખથી તેનો વધ કર્યો હતો.

છત્રપતિ શિવાજી મહારાજનો વાઘનખ લંડન કેવી રીતે પહોંચ્યો?

વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની વેબસાઇટ અનુસાર,આ શસ્ત્ર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી જેમ્સ ગ્રાન્ટ ડફ દ્વારા બ્રિટન લાવવામાં આવ્યું હતું. જેમ્સ ગ્રાન્ટ ડફ ૧૮૧૮-૨૨ સુધી સતારા સ્ટેટનો કંપની રેસિડેન્ટ હતો. તેઓ પોતે પણ એક કલાપ્રેમી ઇતિહાસકાર હતા, તેમણે હિસ્ટ્રી ઓફ ધ મરાઠાસ નામનું એક ઉત્તમ પુસ્તક પણ લખ્યું હતું.

ડફ સ્કોટલેન્ડ પાછો આવ્યો પછી આ નવીન હથિયાર માટે એક પેટી બનાવડાવી હતી જેની નીચે લખ્યું છે, “આ ‘શિવાજીનો વાઘનખ’ છે જેના વડે તેણે મોગલ સેનાપતિનો વધ કર્યો. આ અવશેષ ઈડનના શ્રી જેમ્સ ગ્રાન્ટ-ડફને સતારા ખાતે રહેતા હતા ત્યારે મરાઠાઓના પેશ્ર્વાના પ્રધાન દ્વારા આપવામાં આવ્યો હતો.

આપણા દેશની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વની અમૂલ્ય કલાકૃતિઓને અંગ્રેજો લૂંટીને અથવા સંસ્મરણ તરીકે યુરોપ લઈ ગયા હતા. યુરોપિયનોને વતનીઓ દ્વારા અપાતી ભેટસોગાદો પણ બદલે ગુલામીની નિશાની તરીકે આપવામાં આવી હતી.

શિવાજીનાં હથિયાર વાઘનખને જો કે કાયમ માટે પરત લાવવામાં નથી આવી રહ્યા, તે ત્રણ વર્ષ પછી વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં પાછું લઈ જવામાં આવશે. સમગ્ર યુરોપ અને પશ્ર્ચિમી વિશ્ર્વના મ્યુઝિયમ્સમાં આ પ્રકારે લૂંટથી લઈ જવામાં આવેલી એક બે નહીં પણ અઢળક વસ્તુઓ છે અને તેની કિંમત પણ ખૂબ જ વધારે છે. તાજેતરનાં વર્ષોમાં આવી વસ્તુઓને તેમનાં મૂળ સ્થાનો પર પરત લાવવાની હિલચાલ વધી રહી છે. આ કારણોસર જ ભારત સરકાર કોહિનૂર જેવા હીરા અને બીજી કિંમતી ચીજો પરત કરવાની વિનંતી કરી ચૂકી છે. દેશનાં ઇતિહાસને લગતી આવી ચીજો ભારતમાં આવે અને દેશવાસીઓ તેને નજરે જોઈ શકે એ પણ બહુ જરૂરી બાબત છે. આવનારી પેઢીઓને શિવાજી કે મહારાણા પ્રતાપની શૂરવીરતાની કથાઓ ભણાવતી વખતે આ વારસા સમાન પુરાવાઓ પણ બતાવી શકીશું તો એમના માનસમાં આ મહાન ચરિત્રો માટે સન્માન અને તેમના જેવા ગુણો પણ આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button