Uncategorized

ઈકો-સ્પેશિયલ : 2024માં આઈપીઓ: વિશ્વસ્તરે આપણું સ્થાન મહત્ત્વનું બની રહ્યું છે!

  • જયેશ ચિતલિયા

વીતેલું વરસ 2024માં ભારતીય સેકન્ડરી માર્કેટ અને પ્રાઈમરી માર્કેટ (આઈપીઓ બજાર) એકંદરે બુલિશ રહ્યાં. રોકાણકારોનો ઉત્સાહ અને વિશ્વાસ મહત્ત્વના પાયા બની રહ્યા. વર્ષ 2024નું છેલ્લું કવાર્ટર (ત્રિમાસિક)ને બાદ કરતાં મહદ્ અંશે તેજીમય રહ્યું હતું.

સેકન્ડરી માર્કેટની સાથે-સાથે પ્રાઈમરી માર્કેટ-આઈપીઓ માર્કેટ પણ બુલિશ રહી હતી. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આઈપીઓના વોલ્યુમની દૃષ્ટિએ ભારત વિશ્વમાં પહેલી વાર ટોચ પર રહ્યું છે. EV (અર્નેસ્ટ એન્ડ યંગ) ગ્લોબલ આઈપીઓ ટ્રેન્ડ્સ 2024 દ્વારા તાજતેરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર ભારતમાં (મેનલાઈન અને એસએમઈ બંનેમાં) 337 પબ્લિક ઈસ્યૂ બહાર પડ્યા છે. આમ આ ક્ષેત્રમાં ભારતે અમેરિકાને પાછળ રાખી દીધું છે, જ્યાં 183 ઈસ્યૂ બહાર પડ્યા છે. જયારે યુરોપ કરતાં ભારતમાં અઢી ગણા વધારે ઈસ્યૂ લિસ્ટ થયા છે.

આ સફળતાનાં કારણ જાણવા-સમજવા જેવાં છે, કારણ કે આ વાત ભારતીય અર્થતંત્ર-મૂડીબજારના વિકાસની સાક્ષી પૂરે છે. વૈશ્વિક સ્તરે આર્થિક અને ભૌગોલિક રાજકીય ગતિશીલતામાં આવેલા પરિવર્તનનો લાભ ભારતને મળ્યો છે. વર્ષ 2024માં ભારતમાં આઈપીઓનું વોલ્યુમ 19.9 અબજ ડૉલર રહ્યું છે, જે છેલ્લાં બે દાયકામાં સૌથી ઊંચું પ્રમાણ છે. આમ ભારતીય માર્કેટ વિશ્વમાં મહત્ત્વનું સ્થાન બનાવતું જાય છે.

અમેરિકાએ આઈપીઓમાંથી સર્જાયેલા ભંડોળના આધારે 2024માં વિશ્વ સ્તરે મોખરાનું સ્થાન 2021 બાદ ફરી પ્રાપ્ત કર્યું છે. 101 ડિલ્સ સાથે આવા વ્યવહારોમાં 89 ટકા હિસ્સા સાથે અમેરિકાનું સ્થાન આંતરરાષ્ટ્રીય આઈપીઓ લિસ્ટિંગ્સ માટે સૌથી વધુ પસંદગીના દેશ તરીકે પણ અગ્રસ્થાને જળવાઈ રહ્યું છે..

જ્યારે ચીનમાં છેલ્લા એક દાયકામાં આ વખતે લિસ્ટિંગની પ્રવૃત્તિઓ સૌથી ઓછી જોવા મળી છે. આનું કારણ એની સામે વધારે કડક બનાવવામાં આવેલા નિયમન છે. જોકે, હોંગકોંગે આ મામલે જુદી-નોખી સફળતા હાંસલ કરી છે. તેણે છેલ્લાં અમુક વર્ષોની સરખામણીમાં 2024માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે આઈપીઓ લોન્ચ કર્યા છે. આઈપીઓ પ્રવૃત્તિમાં મલેશિયાએ પણ 19 વર્ષમાં નવી વિક્રમસર્જક ઊંચાઈ પ્રાપ્ત કરી છે, જેને લીધે મલેશિયા વિદેશી ઈન્વેસ્ટરો માટે આકર્ષક દેશ બન્યો.

કયા સેકટરમાં વધુ આકર્ષણ…

2024માં ભારતમાં આઈપીઓ માટે ફૂલગુલાબી ચિત્ર નિર્માણ થયું તેમાં ખાનગી ઈક્વિટી કંપનીઓ અને વેન્ચર કૅપિટલ કંપનીઓની ભૂમિકા મહત્ત્વની રહી. વિશ્વસ્તરે આઈપીઓના માધ્યમથી થયેલી કુલ આવકમાં પીઈ (પ્રાઈવેટ ઈક્વિટી) અને વીસી (વેન્ચર કૅપિટલિસ્ટ) સમર્થનવાળી પોર્ટફોલિયો કંપનીઓના પબ્લિક લિસ્ટિંગનો હિસ્સો 46 ટકા રહ્યો. ગ્લોબલ આઈપીઓમાં, TMT (ટેક્નોલૉજી, મીડિયા અને ટેલિકમ્યુનિકેશન્સ), ઔદ્યોગિક તથા કન્ઝ્યુમર ક્ષેત્રોનું વર્ચસ્વ રહ્યું.
તમામ ક્ષેત્રમાં આઈપીઓ સંખ્યા તથા આવકની દૃષ્ટિએ આ ત્રણનો સહિયારો હિસ્સો 60 ટકા જેટલો રહ્યો છે.

નવા વર્ષ 2025ની વાત કરીએ તો, ટીએમટી કંપનીઓ વિશ્વસ્તરે એમનું વર્ચસ્વ જાળવી રાખશે એવી ધારણા પણ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. તે પછીના ક્રમે ઈન્ડસ્ટ્રિયલ, હેલ્થ અને લાઈફ સાયન્સીસ ક્ષેત્રો રહેશે.
છલકાવાના પણ વિક્રમ બન્યા…

વરસ 2024ના આઈપીઓની કેટલીક ઝલક જોઈએ તો આ વરસમાં આઈપીઓ મારફત અંદાજિત 1.19 લાખ કરોડ ઊભા કરાયા છે. આ રકમ વિશ્વમાં બીજા ક્રમે ઊંચી રહી છે. દરમિયાન આ વરસે આઈપીઓમાં ફોરેન ઈન્વેસ્ટર્સનું ભંડોળ પણ નોંધપાત્ર આવ્યું. સેક્ધડરી માર્કેટમાં છેલ્લાં કવાર્ટરમાં સતત વેચવાલી કરનાર ફોરેન ઈન્વેસ્ટર્સે આઈપીઓમાં આ વરસે રૂા. 87 હજાર કરોડથી વધુ રોકાણ કર્યું છે. જોકે, પ્રાઈમરી માર્કેટમાં આ વખતે સ્થાનિક રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો પણ ભરપૂર સક્રિય રહયા છે. આ વખતે આઈપીઓએ છલકાવામાં પણ વિક્રમ કર્યા છે.

2024ના સૌથી વિશાળ આઈપીઓમાં હ્યુન્ડાઈ મોટર, સ્વિગી, બજાજ હાઉસિંગ, ઓલા ઈલેકટ્રિક, એફકોન ઈન્ફ્રા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈસ્યૂઓની સંખ્યાની દૃષ્ટિએ પણ 2024માં 71 આઈપીઓ મૂડીબજારમાં પ્રવેશ્યા હતા, જે 2023માં 57 ઈસ્યૂ આવ્યા હતા, 2022માં 40 આઈપીઓ અને 2021માં 63 આઈપીઓ આવ્યા હતા. વળી એસએમઈ આઈપીઓએ પણ આ વરસે નવાં સિમાચિહ્નો દર્શાવ્યાં હતાં. (આપણે તેની કેટલીક ચર્ચા ગયા વખતે કરી હતી).

આઈપીઓની માર્કેટ તેજ રહેવાને કારણે તેની પ્રિમીયમ-બિનસત્તાવર બજારમાં પણ ધમાલ ચાલતી રહી હતી, જેના પ્લસ-માઈનસ અલગ ચર્ચા માગી લે છે. એક કરુણતા એ વાતની ગણતરીમાં લેવી પડે, જે એ છે કે બહુ મોટો વર્ગ નવા શેરના લિસ્ટિંગ સાથે જ વેચાણ કરીને બહાર નીકળી જતો હતો અર્થાત્, ચોકકસ રોકાણકાર વર્ગ માત્ર શોર્ટટર્મના ઉદ્દેશ સાથે જ બજારમાં આવ્યો હતો.

2025માં પણ આઈપીઓની કતાર લાગી શકે, પરંતુ ધ્યાન રહે
આઈપીઓની એક નવી કતાર 2025માં પણ લાગવાની ધારણા છે, જેનો મોટો આધાર શેરબજારની ચાલ-ટ્રેન્ડ પર પણ રહેશે. તેજી વધુ ચાલશે તો આઈપીઓ પણ વધુ આવશે, જેમાં બની શકે કે કેટલાક નબળા ઈસ્યૂ પણ લાભ ઉઠાવવા આવે, જેથી રોકાણકારોએ સાવચેત રહેવું જોઈશે.

આ પણ વાંચો…વ્યંગઃ વાળ વિહોણાંઓ, વાળ વધારવા મેરઠ પહોંચો…!

અમુક સ્ટાર્ટઅપ્સ કંપનીઓ પણ આવશે, જેનાં ફંડામેન્ટલ્સ જોવા-જાણવા વધુ આવશ્યક રહેશે. રોકાણકારોએ ખાસ યાદ એ રાખવાનું છે કે આઈપીઓની તેજીમાં ભાન ભૂલી તણાઈ જવાની ભૂલ ન કરે, તેમાં માત્ર લિસ્ટિંગ ગેઈનના આશયથી જ રોકાણ ન કરે, બલકે લાંબા ગાળાનું રોકાણ વિચારે. આ માટે કંપનીના પ્રમોટર્સ-સ્થાપકો-મૅનેજમેન્ટનો ટ્રેક રેકોર્ડ જાણવા-સમજવા જરૂરી બને છે.

આઈપીઓ લાવતી કંપનીઓનો અભ્યાસ કરી અથવા તેના વિશે યોગ્ય સલાહ મેળવીને આગળ વધે, જેથી રોકાણકાર ભાવિ માટે સંપત્તિસર્જનમાં સફળ થઈ શકે અને હા, નવા વરસની દરેકને શુભેચ્છા…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button