‘રોટલી’: માણસને મેળવવા માટે દોડાવે ને પચાવવા માટે પણ..!
મોટા ઉપાડે રાજેન્દ્ર શુકલે સેલિબ્રિટીની વાત તો કરી.. એના માનવા મુજબ એક મોટું નામ હોય તો ટિકિટબારી ઉપર તો ફરક પડે સાથે શો લેનાર સંસ્થાઓમાં પણ નાટકોની ચાલતી હરીફાઈ વચ્ચે થોડા વટ સાથે ઊભું પણ રહી શકાય. હા, નાટક સારું બનવું જોઈએ.
‘યે જો હૈ જિંદગી’ થી ટીકુ તલસાણિયાનું નામ ખૂબ સારું. રાજેન્દ્રએ ટીકુને ફોન કરી બધું નક્કી કરી લીધું. (અત્યારે કદાચ ટીકુને યાદ પણ નહી હોય.) કલાકારોનો કાફલો મોટો હતો. સેટ્સ પણ એક કરતાં વધુ હતા. નિર્માતા નવા હતા, નિર્માણ ખર્ચાળ હતું, પણ એમને વાંધો નહોતો. ધીમે-ધીમે પાત્રોની વરણી કરવા માંડી. ટીકુનું તો ફાઈનલ થઈ ગયું હતું. બાકીના ભેગાં કરવાનાં હતાં.
તુષારભાઈનો અનુભવ તો સારો હતો, પણ એમની નાણાકીય તકલીફને કારણે એ દૂર થયા હતા. નવા નિર્માતા રમણિક ગોહિલનું એ પહેલું નાટક. એમનો કોઈ અનુભવ નહોતો અને અમે બધી તૈયારીઓ કરવા માંડેલી. એ રહે ભાઈંદર એટલે વધુ મળવાને બદલે માત્ર ફોન ઉપર જ વાતો થતી. હું રાજેન્દ્રને મારો ‘ભય’ જણાવતો. રાજેન્દ્રને તો આમ પણ સ્ક્રીપ્ટ માટે મમત એટલે મને કહેતો:
‘દાદુ, તું વિચારે છે એવું કશું નહી થાય. ભરોસો તો રાખવો જ પડશે.’ મને થયા કરતું કે ભરોસો આપણા શ્વાસનો પણ નથી અને આ માણસ પર ભરોસો રાખવાનું કહે છે. ખેર! ‘કવર’ ચાલુ તો રાખવાં જ પડશે. નોકરીને તો ક્યારનું ‘જય શ્રીકૃષ્ણ’ કરી દીધું હતું. ખરેખર, ‘રોટલી’ માણસને મેળવવા માટે પણ દોડાવે છે અને પચાવવા માટે પણ!
કુલ 11 કલાકારો નક્કી કર્યા. ટીકુ સાથે શેતલ રાજડા, શચી જોશી, શરદ શર્મા, શંભુ દામનીવાલા, રાજેન્દ્ર શુકલ, નીલેશ ચાચા, કલ્પના દીવાન અને સોહિલ વીરાણી. નાટકમાં એક બાળ-કલાકારની પણ જરૂર હતી એટલે તન્મય (આજે ‘બાઘા’ તરીકે વધુ ઓળખાય છે.) સાથે મેં પણ એક રોલ કરવાનું નક્કી કરી લીધું.
સારી રીતે મુર્હૂત કર્યું. પી.આર.ઓ. તરીકે તારકનાથ ગાંધીને લીધા. એમની કાબેલિયતનો અનુભવ મેં લાલુ શાહના નાટક ‘જીવનસાથી’માં જોયો હતો. લાલુ શાહનું પી.આર.ઓ.નું કામ પહેલાં ‘મહેંદી’ નામક માસિક ચલાવનાર અસગર ભાવનગરી સંભાળતા હતા. ગાંધીએ નાટક જોતાં નબળું કલેક્શન જોઈ સામેથી નાટક ચલાવી આપવાનું બીડું ઝડપેલું. પછી તો ..રેસ્ટ વોઝ હિસ્ટ્રી…
અસગર ભાવનગરીની વાત નીકળી એટલે એક પ્રસંગ યાદ આવી ગયો. અસગર ભાવનગરીની જેમ સંગીતકાર અજિત મર્ચન્ટ પણ ‘બહુરૂપી’ પરિવાર સાથે જોડાયેલા હતા. એક નાની વાતમાં બંને વચ્ચે ચકમક જરી ગઈ. અસગરભાઈ કહે, ‘અજિત, આપણો સંબંધ આજથી પૂરો. મારું પ્રકાશન ‘મહેંદી’ જે તને દર મહિને મોકલું છું એ હવે બંધ.’ અજિતભાઈએ મોં-ફાટ જવાબ જડી દીધો: ‘એ ભાવનગરી, મોકલતો પણ નહી. આમ પણ મારે ઘરે પસ્તીવાળો આવે છે ત્યારે ‘મહેંદી’ના બધા અંકો બાજુ પર મૂકી ખાલી પસ્તી જ લઈ જાય છે. એ પણ તારા માસિકને હાથ નથી લગાડતો.’ પછી તો લાલુ શાહે સમાધાન કરાવ્યું અને એમની ગાડી ધીરે ધીરે પાટે ચડી.
અમારાં મુર્હૂતમાં તારકનાથ ગાંધીએ પહેલો અંક કલાકારો વચ્ચે સાંભળ્યો. નાટક સસ્પેન્સ-કોમેડી હતું. અંક પૂરો થતાં, બધાને શુભેચ્છા આપી રવાના થયા અને ‘બે ત્રણ દિવસ પછી આવું છું’ એમ કહી ગયા.
રિહર્સલ અમે બિરલા ક્રીડા કેન્દ્ર -પહેલે માળે કરવાનું નક્કી કરેલું. થોડા દિવસ રિહર્સલ બરાબર ચાલ્યાં. જીવન પણ સાલું રંગોળી જેવું છે. ગમે તેટલી મહેનતથી એને મસ્ત બનાવીએ, કોઈક આવીને વેરવિખેર કરીને જતું રહે છે. ટીકુ માટે એવું જ થયું.
એક સાંજે ટીકુ મને ખૂણામાં લઈ જઈને કહે, ‘દાદુ, મારાથી આ નાટક નહીં થઈ શકે. મને મહેશ ભટ્ટની ફિલ્મ મળે છે અને શૂટિંગ આજ-કાલમાં શરૂ પણ થઈ જશે.’ કોઈની પ્રગતિ આડે આવવાનો મને કે રાજેન્દ્રને કોઈ હક નહોતો. મૂક સંમતિ આપ્યા સિવાય છૂટકો નહોતો. સેલિબ્રિટીમાં શૂન્યાવકાશ આવી ગયો. કલ્પેલાં સપનાં કડડભૂસ થઈ ગયાં. ટીકુની વાત સાચી પણ હતી. પછી એ ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહી’ના નામે રજૂ થઈ, ટીકુનો રોલ પણ વખણાયો અને ફિલ્મ પણ ‘હીટ’ રહી. (જૂની ફિલ્મ: ‘ચોરી ચોરી’)
હવે? સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી, પણ આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ તો આપણા હાથમાં છે જ!
રાજેન્દ્ર અને મેં નવી દિશામાં ડગ માંડ્યાં. અમારાં બંનેની જોડી સારી પણ કોઈ ‘નામી’ અમારી સાથે જોડાઈ જાય એની કોઈ ગેરંટી તો નહી ને! સૌ ‘એવરેજ’ વિચારતાં હોય છે કે મહિને કેટલા શો આ નિર્માતા આપી શકે? જેમ નામી કલાકારો હોય એમ નિર્માતાઓ પણ અમુક ‘નામદાર’ હોય છે – નીવડેલા હોય છે. સૌ પહેલાં ત્યાં જ જોડાય. અમારા નિર્માતા રમણિક ગોહિલ તો સાવ નવા… મારા અને રાજેન્દ્રની દોડાદોડથી જ થિયેટરની તારીખો મળે, બાકી નવા નિર્માતાને થિયેટર કોણ આપે?
Also Read – સ્ટાર-યાર-કલાકાર : રાજેશ ખન્ના ઉર્ફ કાકા… ઓરિજિનલ સુપર સ્ટારના ઓરિજિનલ જાણવા જેવા સુપર કિસ્સા…
રિહર્સલ થોડા દિવસ બંધ રાખી ‘સેલિબ્રિટી’ની શોધ શરૂ કરી. લાલુ શાહ વખતે મારો એક મિત્ર બની ગયેલો.. પેઈન્ગ ગેસ્ટ તરીકે એ હિન્દુજા થિયેટરની બાજુમાં રહેતો. હું ઘણી વાર ત્યાં જતો. એની સાથે સુંદર નામનો એનો જોડીદાર પણ રહેતો. એ મિત્રની પહેલી ફિલ્મ ‘જોગ-સંજોગ’. કૃષ્ણકાંત (કે.કે.) એ ફિલ્મના દિગ્દર્શક. એ ફિલ્મથી પોતાનું ઇન્કમ ટૅક્સનું કામ એણે મને સોંપ્યું. એ એક જાણીતી અભિનેત્રીના ગળાડૂબ પ્રેમમાં હતો.
‘લગ્ન કરું કે નહી?’ એના અભિપ્રાય માટે મને જ ઘરે બોલાવેલો. મેં એના ફાધરને પૂછવા જણાવ્યું. એના ફાધર અમદાવાદમા ‘બૅન્ક ઑફ બરોડા’માં મોટી પોસ્ટ પર હતા. અમે અમારા અમદાવાદના શો વખતે એના ઘરે પણ જતા. આજે એ સેલિબ્રિટી બની ગયો હતો. દૂરદર્શન ઉપર અઠવાડિયામાં ત્રણ-ત્રણ સિરિયલો એની ચાલતી. એ દોસ્ત યાદ આવી ગયો, એનું નામ અજિત વાચ્છાની…..!
ભૂરો: મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું છે.
પત્રકાર: એ કઈ રીતે?
ભૂરો: જો સ્કૂલે જાઉં તો સાહેબ મારતા અને ન જાઉં તો ઘરવાળા મારતા