અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં (Gujarat weather) ફરી પલટો આવશે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ (unseasonal rain) પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પવનની ગતિ પણ વધુ રહેશે. જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે, ત્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીનો ગડગડાટ પણ થશે.
ગુજરાતમાં 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જેમાં શુક્વારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : મહાકુંભમાં ગુજરાતી સહિત આ ભાષામાં થશે એનાઉન્સમેન્ટ, ત્રણ સ્તરીય સુરક્ષા થઈ લાગુ
27 ડિસેમ્બરે ક્યાં ક્યાં છે વરસાદની આગાહીઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાર, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ
28 ડિસેમ્બરે ક્યાં થઈ શકે છે માવઠુઃ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર
ખેડૂતોની વધી ચિંતા
હવામાન વિભાગે ત્રણ દિવસ કરેલી આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ઘંઉ, ચણા, જીરુ, રાયડો સહિત શિયાળુ પાક તૈયાર થઈ ગયા છે ત્યારે માવઠાંની સીધી અસર આ પાકો પર થઈ શકે તેમ હોવાથી ધરતીપુત્રોની ચિંતા પણ વધી છે.