લાફ્ટર આફ્ટર: કયા ટ્રેક ઉપર ચાલવું?
- પ્રજ્ઞા વશી
આમ તો `ટ્રેક’ શબ્દ સામે આવે એટલે નાનકડા મગજમાં અનેક ટે્રક સામે આવીને ખડા રહી જાય છે. એમાં પણ જે જે ટ્રેક ઉપર ચાલીને તમે પછડાયા અને પસ્તાયા હો એવા ટ્રેક તો આપણને થોડીવાર ચક્કર જેવું લાવી દે છે. નાના હો ત્યારે કહેવાય એવું કે બાળકને પુષ્કળ રમવા દો. ધૂળમાં રગડવા છુટ્ટા મૂકી દો… ગાવા દો.. મુક્ત મને દરેક ઋતુઓનો અનુભવ કરવા દો. જે ભાવે એ ખાવા દો અને સપનાઓના ટ્રેક ઉપર વિહરવા દો.
જોકે, બાળપણમાં ઉપરોક્ત એક પણ ટે્રક ઉપર મા-બાપ વિહરવા દેતાં નથી. સવારે ઊઠો ત્યાંથી ટ્યૂશન અને સ્કૂલનો ટ્રેક, લેસન અને હરીફાઈ તેમ જ પરીક્ષાઓની હારમાળા વચ્ચે પેલો સપનામાં જોયેલો પરીલોકનો ટ્રેક તો રામ જાણે ક્યાં હવા થઈ જાય! મળસકે સરસ પરીલોકમાં ફરતાં બાળકને વહેલી સવારે ઊંઘતો જ ઊંચકી લઈ મમ્મી સીધો પાણીના ફુવારા નીચે બેસાડી ભાષણ આપવું શરૂ કરે છે:
`જો, બાજુમાં મહેશભાઈનો મુન્નો વગર બૂમે જાતે જ ઊઠી જઈને, નાહી-ધોઈને સહુથી પહેલો રિક્ષામાં ગોઠવાઈ જાય છે. ભણવામાં, રમવામાં અને મેનર્સમાં નંબર વન છે.’
આમાં તમે જ કહો, પેલા બાળકો માટેનો ટ્રેક તો રામ જાણે ક્યાં અદૃશ્ય થઈ જાય છે! વિવેકાનંદ ને ગાંધીજી લાખ કહીને ગયા કે બાળકોનો ટ્રેક રમવા-કૂદવામાં છે, પણ સાંભળે છે કોણ? અધૂરામાં પૂરું, ઘરમાં કોઈ આવ્યું હોય, હજી માંડ લેસન કરી રમવા જવાની તૈયારી કરતાં હો કે મમ્મી કહે, `બેટા, જો કિશોરકાકા ને કાકી આવ્યાં છે. જરા પેલી કવિતાઓ તારા સુંદર અવાજમાં સંભળાવને અને હા, પેલો તું સ્કૂલમાં રામ બનેલો એ ઍક્ટિંગ પણ કરી બતાવ ને તને મળેલું પ્રાઇઝ પણ અંકલને બતાવ!’
મોટાપણે ગાવા જવાની બહુ હોંશ હતી, પણ નાનપણમાં ગાયેલી બેસૂરી કવિતા અને મહેમાનોએ કરેલાં (ફોગટનાં) વખાણ અને રમવાની જગ્યાએ મને થયેલી કારમી સજાઓ યાદ આવી ગઈ. આમ છતાં, સ્કૂલમાં સંગીત ક્લાસમાં જવાનું સ્વીકારું તો રમતગમતમાં જવાનું ટળશે એમ વિચારી ટીચરે આપેલાં ઑપ્શનમાંથી મેં સંગીત જ મને કમને રાખી લીધું.
સંગીત ટીચરે પ્રથમ તાસમાં પૂછ્યું, તને શેમાં રસ છે?' મેં કહ્યું,
કંઈ પણ ચાલશે. ઓછી મહેનતવાળું હોય તો સારું. સુગમ સંગીત સુગમ પડશે એમ મારી મમ્મી કહેતી હતી.’ટીચર કોણ છે? હું કે તારી મમ્મી?'
સોરી, સર.’
તું એક કામ કર. એક કવિતા ગાઈને બતાવ. પછી તને કયા ટ્રેક ઉપર ચડાવવો તે નક્કી કરું.' મેં
ઓ ઈશ્વર ભજીએ તને…’ ગાવાનું શરૂ કર્યું અને સરે મને ગાતો અટકાવ્યો.’ તારી મમ્મીએ ખાલી ઓ ઈશ્વર જ શીખવેલું છે, કે પછી બીજું કંઈ આવડે છે? (મારી મમ્મી જ શીખવવાની હોત, તો તમને પગાર શાનો મળે છે?)
`ના, ખાસ કશું આવડતું નથી.’
તું એક કામ કર. તારું ગાવાલાયક ગળું નથી. તું બાજુના ક્લાસમાં તબલાં શીખવા જા.' આમ મારો ટ્રેક પાછો બદલાયો. થવાકાળ કે તબલાંના સરે મને જે તબલાં વગાડવા બેસાડ્યો તે તબલાં જૂનાં હોઈ... તૂટવા માટે જાણે મારી જ રાહ જોતાં હતાં કે શું? મેં જેવા હાથ પછાડ્યા કે તબલાંનું ચામડું ફાટ્યું ને સરે મને કહ્યું,
તું કદાચ અહીં ફિટ નહીં થાય. બાજુના વોકલ ક્લાસમાં શાસ્ત્રીય રાગો શીખવા જા.’ અને પછી હું એ ટે્રક ઉપર ન જતાં સીધો મેદાનમાં રમવા ગયો અને સરને કહ્યું, `સર, મારે રમતગમતમાં જ રહેવું છે.’ ધૂળમાં રમવાનું સપનું પૂં કરવાના ટે્રક ઉપર મેં મહોર મારેલી.
પછી તો વારાફરતી જીવનમાં ટે્રક બદલાતા રહ્યા અને પેલી ઉક્તિ મુજબ ચરે તે ફરે' તેમ હું ફરતો રહ્યો ને ચરતો રહ્યો. હું એકનો એક, માનો લાડલો જો હતો! એટલે મા મારું પડેલું મોં જોઈને વારંવાર કહેતી,
એક રસ્તો બંધ થાય, ત્યારે ભગવાન બીજા અનેક રસ્તાઓ ખોલી આપે છે. નાસીપાસ થયા વગર ટે્રક બદલતો રહે. આજે નહીં તો કાલે, તું એવા ઉત્તમ ટે્રક ઉપર પહોંચશે કે આસપાસના લોકો જલતા રહી જશે.’ (પછી માએ મારા બાપા સામે જોયું.)
`આવી ખોટી શિખામણો આપી આપીને, ઘરમાં બેસાડીને, મનગમતા રસથાળ ખવડાવી ખવડાવીને મદનિયાં જેવો બનાવી દીધો છે! (એ તો ગેંડો જ બોલત. પણ મારી માએ ડોળા કાઢ્યા, એટલે નહીં બોલ્યા.) એક પણ ટે્રક પર ફિટ થતો નથી તો કમ સે કમ જીમમાં મોકલીને ચરબીનાં આવરણો હટાવે એવું કરો, નહીંતર ગામની એક પણ ક્નયા, આપણે સામેથી વાંકડો આપશું તોપણ આ તારા લાલુને વરમાળા નહીં પહેરાવશે. સમજી?’
એ પછી મારા બાપાના શબ્દોને પછાડવા માટે મેં જીમ જોઈન કર્યું. ત્યાં પરણવાની લાયમાં અને ક્નયાને ઇમ્પ્રેસ કરવા હાથના ગોટલા (મસલ્સ) એવા બનાવ્યા કે બ્યુટીપાર્લરના માલિકનું ધ્યાન મારા ઉપર ગયું. કદાચ કોઈનું પહેલી વાર મારામાં રોકાણ કરવાનું મન થયું! માલિકે મારી પાસે જીમની દસ હજાર ફી લેવાની ના કહી,
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: હિંદુઓ સંઘ-ભાજપના ખૂંટે બંધાયેલાં ઢોર નથી…
ઉપરાંત જીમમાં પાર્ટનરશીપ આપવાની ઑફર કરી. એક સાથે એક ફ્રી'ની જેમ એમણે
એક સામે બે ફ્રી’ ની ઑફર આપી. એક ઑફર પાર્ટનરશીપની અને બીજી ઑફર એમની એકની એક કન્યા કે જે મારા ગોટલા રોજ છાનીમાની જોઈને શરમાતી હતી, એને વરમાળા પહેરાવવાની કરી. મને મારી માનું પેલું વાક્ય યાદ આવ્યું કે, `એક રસ્તો બંધ થાય, તો નિરાશ ન થતાં નવા નવા ટે્રક ઉપર કામ કરવું.’ અને મેં મારા આ મફતિયા, ગમતીલા, અને બાપાને બતાવી આપવાની તક ઝડપી અને આ નવા ટે્રક ઉપર ફૂલ સ્પીડમાં દોડવાનું શરૂ કરી દીધું કે જેથી વહેલો આવે મુકામ, અને વાગે શરણાઈના ટે્રક… જોયું? ગાડી ટે્રક ઉપર આવી કે નહીં?
(નોંધ: વાંચીને અમારા તંત્રી પાછા એમ ન કહે કે તમે તો આ સાવ ખોટા ટ્રેક પર લેખ વળી કયાં લખી લાવ્યા?!)