લાડકી

ઑન્લી અનોલી! અમદાવાદની ચૅમ્પિયન…

રૂબરૂ -અજય મોતીવાલા

અમદાવાદમાં રહેતી ચૅમ્પિયન સ્કૅટર અનોલી શાહે માત્ર નવ વર્ષની ઉંમરે સ્કૅટિંગની તાલીમ લેવાની શરૂઆત કરી હતી અને 18 વર્ષની લાંબી કરીઅરમાં તે કુલ 166 ગોલ્ડ મેડલ સહિત કુલ 377 મેડલ જીતી છે. પોણાબે દાયકાની કારકિર્દીમાં નૅશનલ સ્પીડ સ્કૅટર અનોલીએ ઘણી સિદ્ધિઓ મેળવવા ઉપરાંત અનેક પડકારોનો સામનો કર્યો અને સ્કૅટિંગના ક્ષેત્રે તેને અનેક પ્રકારના અનુભવો પણ થયા.

સ્કૅટિંગની રમતમાં પોતે જે ભરપૂર જાણકારી ધરાવે છે એને તે યુવા વર્ગને અને ખાસ કરીને છોકરીઓ સુધી પહોંચાડી રહી છે અને એના જ ભાગરૂપે તાજેતરમાં તેણે મુબઈમાં યુવા સ્કૅટર્સને બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.

થાણેમાં અને નવી મુંબઈની ઑર્કિડ્સ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અનોલીએ માસ્ટરક્લાસમાં પોતાની `સ્કૅટિંગની સફર’ના અમૂલ્ય અનુભવો શૅર કર્યા હતા તેમ જ વિદ્યાર્થીઓને જરૂરી બૅઝિક જાણકારી આપી હતી કે જેથી તેઓ સ્કૅટિંગમા શાનદાર કારકિર્દી બનાવી શકે.

અનોલીએ મુંબઈ સમાચાર' સાથેની વાતચીતમાં કહ્યુ,‘સુંદર આયોજન વચ્ચે મને સ્કૅટિંગની તાલીમ લેનાર બાળકોમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓ નવી તરકીબ તેમ જ પાયાભૂત જાણકારી ગ્રહણ કરવા તત્પર હતાં. મેં મારી કરીઅરમાં જે પડકારોનો સામનો કર્યો એમાંથી કેવી રીતે સફળતાપૂર્વક બહાર આવવું એના અનુભવો મેં તેમની સાથે શૅર કર્યા હતા.’

અનોલીએ થોડા સમય પહેલાં એક મુલાકાતમાં કહ્યું હતું, `યુવા વર્ગને મારો સંદેશ છે કે તમારે શું બનવું છે અને કરીઅરમાં કેવી રીતે આગળ વધવું એ વિશે દરેકનાં મંતવ્યો સાંભળવાને બદલે તમને જેની (જે રમતની) પૅશન હોય અને જેને ફૉલો કરીને તમને ખુશી થતી હોય તેમ જ જેમાં તમને તમારું ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હોય એને જ અનુસરો. એવું કરશો તો તમે કરીઅરમાં બહુ સારી રીતે આગળ વધી શકશો. અથાક મહેનત કરો, તમને સફળતા મળીને જ રહેશે. આજે નહીં તો કાલે, તમે તમારો ધ્યેય હાસલ કરી જ શકશો.’

એશિયન રૉલર સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ સ્પીડ સ્કૅટિંગ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી અનોલી 166 ગોલ્ડ ઉપરાંત 123 સિલ્વર અને 88 બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે. જૈન સમાજની અનોલીએ 2006માં પ્રાઇવેટ ઍકેડેમીના સમર બૅચમાં સ્કૅટિગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

તેણે મુંબઈ સમાચાર'ને કહ્યું,‘નાનપણમાં મને સ્કૅટની સૌથી પહેલી પૅર મારા દાદા નરેન્દ્રભાઈ શાહે ભેટ આપી હતી જેનાથી સ્કૅટિંગની વધુ તાલીમ મેળવવા મારો ઉત્સાહ વધી ગયો હતો. મારા પપ્પા અવકિતભાઈ શાહ સહિત સમગ્ર પરિવારજનોનો તેમ જ મારા કોચ (રાહુલ રાણા)નો પણ મને શરૂઆતથી બહુ સારો સપોર્ટ મળ્યો છે અને એટલે જ હુ સ્કૅટિંગમાં આટલા ઊંચા સ્તર સુધી પહોંચી શકી છું. તેઓ મને સતત પ્રેરણા અને મૉટિવેશન આપતા રહે છે.’

અનોલીએ નાનપણમાં દાદાજીએ ભેટ આપેલા સ્કૅટિંગ સાચવી રાખ્યા છે.

અનોલીએ સ્કૅટિંગની રમતમાં અનુભવાતા પડકારોની વાત કરતા મુંબઈ સમાચાર'ને કહ્યું, ‘આ એવી રમત છે જેમાં પડી જવાની સંભાવના તો હોય જ. પડી જવાને કારણે હાથ-પગ છોલાઈ જાય અને પછી રિહૅબિલિટેશનમા ઘણો સમય આપવો પડે. એમાં ભણતરને પણ વિપરીત અસર થાય અને ક્યારેક પારિવારિક-સામાજિક સમારંભો પણ ગુમાવવા પડે. ભૂતકાળમાં મારે કેટલાક કઝિન્સના લગ્ન સમારોહ મિસ કરવા પડ્યા હતા તેમ જ કેટલીક બર્થ-ડે પાર્ટીમાં પણ હું હાજરી નહોતી આપી શકી. ટ્રાવેલિંગ કરવુ પડે એટલે ક્લાસિસ પણ મિસ કરવા પડે અને પછી સ્ટડીઝ કવર કરવા માટે પણ સમય આપવો પડે. ટૂકમાં, આ રમતમાં ટાઇમ-મૅનેજમેન્ટ ખૂબ અગત્યનું હોય.’

અનોલીને સ્કૅટિંગની તાલીમ દરમિયાન તેમ જ હરીફાઈ દરમિયાન ક્યારેક ઈજા થઈ છે. તેણે કહ્યું `ભૂતકાળમાં મને ચહેરા પર, હાથના કાંડા પર, કોણીમાં, ખભા પર નાની ઈજાઓ થઈ હતી, પરંતુ સૌથી મોટી ઇન્જરી ઘૂંટણમાં (લિગામેન્ટ્સની ઈજા) થઈ હતી. ત્યારે મારે બે મહિના આરામ કરવો પડ્યો હતો અને ટ્રેઇનિંગ ગુમાવવી પડી હતી.’

દેશ-વિદેશમાં ઢગલાબંધ ચંદ્રકો જીતી ચૂકેલી અનોલી ડાયટ વિશે ખૂબ સજાગ છે. તેને મીઠાઈ ખૂબ ભાવે, પણ એ ખાવાનું ટાળે છે. જોકે ડાયટ ફૉલો કરવામાં તેને કોઈ તકલીફ નથી પડતી, કારણકે તેના મમ્મી કાનનબેન તેને માટે જરૂરી પોષકતત્વોથી ભરપૂર ભોજન અને નાસ્તો બનાવી આપે છે. અનોલીએ પ્રૉટીનયુક્ત ફૂડ લેવું પડે અને તળેલી વાનગીઓ ટાળવી પડે. અનોલી જન્ક ફૂડ અને મીઠી વાનગીઓથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

અમદાવાદમાં એમ.બી.એ. ગ્રેજ્યૂએટ થયેલી એશિયન બ્રૉન્ઝ મેડલિસ્ટ તથા રાષ્ટીય વિજેતા અનોલી શાહ સ્કૅટિંગની રમતની નિષ્ણાત તેમ જ ન્યૂટ્રિશન ઍન્ડ ફિટનેસ કન્સલ્ટન્ટ પણ છે.

થોડાં વર્ષોથી ભારતમાં અને લગભગ દરેક રાજ્યમાં સ્કૅટિંગની તાલીમ મેળવવા સ્ટુડન્ટ્સ માટે હવે પૂરતી સગવડો છે. આ વિશે અનોલી કહે છે, `હવે દરેક રાજ્યમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર સિન્થેટિક ટ્રેક છે. સ્કૅટિંગની રમતના વિકાસ માટે દેશમાં અગાઉ કરતા હવે વધુ સારી માળખાકીય સગવડો મળી રહી છે જેમાં વિશ્વ-સ્તરનાં સાધનો ઉપલબ્ધ હોય છે.

કોલમ્બિયા, ચીન, ફ્રાન્સ તેમ જ યુરોપ તથા અમેરિકાના કેટલાક દેશો સ્કૅટિંગની રમતમા ટોચ પર છે. જોકે ભારત પણ એ દેશોની હરોળમાં આવી શકે એમ છે.’

સ્કૅટિંગ અનોલીની સૌથી પ્રિય રમત છે, પરંતુ તે ટેનિસ અને ક્રિકેટની રમતને પણ ફૉલો કરે છે. ટેનિસમાં રાફેલ નડાલ, રોજર ફેડરર અને નોવાક જૉકોવિચ તેના ફેવરિટ ખેલાડીઓ છે તેમ જ રાહુલ દ્રવિડ, એમએસ ધોની અને વિરાટ કોહલી તેના ફેવરિટ ક્રિકેટર્સ છે. ટ્રાવેલિંગ કરવું અને ખાસ કરીને દેશ-વિદેશમાં ફરવું અનોલીને ખૂબ ગમે છે. તે યુવા વર્ગને તાલીમ અને માર્ગદર્શન આપવાની સાથે પોતે હજી સ્કૅટિંગમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવવા કટિબદ્ધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button