ગુજરાતની 680 યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશેઃ ભૂપેન્દ્ર પટેલે ‘પોર્ટલ’ લોન્ચ કર્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલમાં રાજ્યની 680 યોજનાઓની માહિતી મળી શકશે. તે ઉપરાંત સંબંધિત યોજનાઓનો લાભ એક જ પોર્ટલ પરથી મળી શકશે.
‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપના લોન્ચિંગથી રજૂઆત કર્તાની રજૂઆતો અને ફરિયાદોની ગંભીરતાના આધારે ગ્રીન, યલો અને રેડ ચેનલમાં વર્ગીકૃત કરીને ફરિયાદના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
રજૂઆતકર્તા જો કાર્યવાહિથી અસંતુષ્ટ હશે તો ફીડબેક આપીને તેનો ઓટો એસ્કેલેટ કરી ઉપરના લેવલ સુધી જઈ શકશે. આ ઉપરાંત સ્વાગત મોબાઇલ એપ દ્વારા નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.
આપણ વાંચો: રોજગારીઃ CM ભૂપેન્દ્ર પટેલે ૫૮૦ નવયુવાનને નિમણૂકપત્ર એનાયત કર્યા
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર શરૂ કરાયું હતું. આ તાલીમ કેન્દ્ર આવનારા 5 વર્ષમાં 1 હજાર યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપશે.
આ ઉપરાંત સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત ફાઈબર ગ્રિડ નેટવર્ક લિ. મારફતની ભારત નેટ ફેઝ-2 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી દ્વારા 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓને પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડવા, હર ઘર કનેક્ટિવિટી હેઠળ 25,000 ફાઈબર-ટુ-હોમ જોડાણ આપવા અને ‘ફાઈબર-ટુ-ફાર ફલંગ ટાવર્સ’ પહેલ અંતર્ગત 30,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ લીઝ કરી 1,000થી વધુ ગ્રામીણ ટાવર્સને જોડી રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કવરેજ અને કનેક્ટિવિટીની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે.
આપણ વાંચો: Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન; શ્રમિકોને ભોજન પણ પીરસ્યું
આ ઉપરાંત ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહે તે માટે ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ કાર્યરત થયું છે. આ પ્રસંગે રાજ્યની 34 નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે.