સુશાસન દિવસઃ ગુજરાત સરકારે આજથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલનો કર્યો પ્રારંભ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સામાન્યમાં સામાન્ય માનવીઓને જેટલા બની શકાય તેટલા વધુને વધુ મદદરૂપ થવાનો ભાવ જ સુશાસનની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને ૨૦૧૪ થી સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યપ્રધાનના કાર્યાલયે આ વર્ષના સુશાસન દિવસથી પ્રજાહિત યોજનાઓ અને લોકઉપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો છે. આ પહેલો અંતર્ગત ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ, રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ. ફેલો વેબસાઈટ, સ્વર, ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણનો સમાવેશ થાય છે.
ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ
ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ માટે વિવિધ વિભાગો હેઠળ આવતી રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, પ્રોજેક્ટ તેમજ ફરિયાદ નિવારણ જેવી પ્રજાલક્ષી કામગીરીના અમલીકરણને ધ્યાને લઈ તેના અસરકારક મોનીટરીંગ માટે મહત્વના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે, વિભાગોની કામગીરીનું સમગ્રતયા મુલ્યાંકન કરીને રેન્કિંગ પણ આપવામાં આવશે.
સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રાજ્યના યુવાનોને શિક્ષણ માટે વિવિધ સ્કોલરશીપો અપાઈ રહી છે. તમામ સ્કોલરશીપના મોનિટરીંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.
રેવન્યુ ડેશબોર્ડ
રેવન્યુ વિભાગના આઇ-ઓરા, ખેડૂત ખરાઇ, સુધારા હુકમ, ઇ-ધરા, સિટી સર્વે, આઇ-મોજણી, કલેક્ટર પોર્ટલ અને કેસો બાબતના વિવિધ પોર્ટલોનું મોનિટરીંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યુ ડેશબોર્ડ” તૈયાર કરવામાં આવ્યું છે, તેની શરૂઆત મુખ્યમંત્રીશ્રીએ કરાવી હતી.
સી.એમ. ફેલોશીપ વેબસાઇટ
સી.એમ. ફેલોશીપ કાર્યક્રમનો વધુ સારી રીતે પ્રચાર-પ્રસાર થાય અને વધુને વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશીપ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી.
સ્વર પ્લેટફોર્મ
ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે ભાષિણી એ.આઈ. આધારિત એપ બનાવવામાં આવી છે. મુખ્યપ્રધાનના કાર્યાલયમાં રજૂઆતકર્તાઓ-નાગરિકો પોતાની રજૂઆત કે અરજી હવે બોલીને પણ કરી શકે તેવી પહેલ માટે ભાષિણીના ઉપયોગથી “સ્વર” પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન કાર્યાલયની વેબસાઇટમાં “રાઇટ ટુ સી.એમ.ઓ.”માં આ ભાષિણીના ઉપયોગથી સ્પીચ ટુ ટેક્સ્ટ આજથી મુખ્યપ્રધાને શરૂ કરાવ્યું છે.
ગુજરાત ઇન્ડિયા પોર્ટલ
નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસથી રાજ્યની વિવિધ બાબતો અને પાસાઓ વિશે વ્યાપક, સચોટ, ભરોસાપાત્ર અને વન સ્ટોપ માહિતી પ્રદાન કરતા આધુનિક ગુજરાત ઇન્ડિયા પોર્ટલની શરૂઆત મુખ્યપ્રધાને કરાવી હતી.
Also Read – ‘આજે પણ મને એ દિવસ યાદ છે…’ વાજપેયીની 100 મી જન્મજયંતિ પર વડા પ્રધાન મોદીનો લેખ…
મુખ્યપ્રધાને આ પહેલોની શરૂઆત કરાવવતા કહ્યું કે, લોકોનું ભલું કરવાનું અને સારૂં કરવાની ખેવના સાથે કર્તવ્યરત રહિને જ સુશાસનની સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાં લીધેલા આ બધા જ ઈનિશિએટિવ્ઝ સરવાળે તો જનહિતકારી શાસન દાયિત્વ નિભાવવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ થયા છે. તેમણે અધિકારીઓ, કર્મયોગીઓને પોતાને સોંપાયેલી કામગીરીનું સતત મૂલ્યાંકન-અવલોકન કરતા રહેવા અને ઉત્કૃષ્ટ યોગદાનથી રાજ્ય સરકારનું ગૌરવ વધારતા રહેવા અનુરોધ કર્યો હતો.