ICC U19: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, નિક્કી પ્રસાદ કેપ્ટન
નવી દિલ્હીઃ ભારતે આજે આવતા વર્ષે 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન મલેશિયાના કુઆલાલંપુરમાં રમાનારા આઇસીસી અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મહિલા પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. ટીમની કેપ્ટનશિપ નિક્કી પ્રસાદને સોંપવામાં આવી છે જ્યારે સાનિકા ચાલકેને વાઇસ કેપ્ટન બનાવાઇ છે.
ટીમમાં કમલિની જી અને ભાવિકા અહિરેના રૂપમાં બે વિકેટકીપર છે, જ્યારે ત્રણ સ્ટેન્ડબાય પ્લેયર નંદના એસ, ઈરા જે અને અનાદી ટીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં કુલ 16 ટીમો ભાગ લેશે જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેને યજમાન મલેશિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે.
ભારત પોતાના અભિયાનની શરૂઆત 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે કરશે. તે પછી તે મલેશિયા (21 જાન્યુઆરી) અને શ્રીલંકા (23 જાન્યુઆરી) સામે મેચ રમશે. ગ્રુપ સ્ટેજની મેચો 19 થી 23 જાન્યુઆરી વચ્ચે રમાશે. દરેક જૂથમાંથી ટોચની ત્રણ ટીમો 25 થી 29 જાન્યુઆરી વચ્ચે યોજાનારી સુપર સિક્સમાં સ્થાન મેળવશે. સુપર સિક્સમાં છ ટીમોના બે ગ્રુપ હશે. સુપર સિક્સમાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 31 જાન્યુઆરીએ રમાનારી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ફાઈનલ 2 ફેબ્રુઆરીએ યોજાશે.
આ પણ વાંચો : ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…
ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝે 2023 વર્લ્ડ કપમાં તેમની ભાગીદારી દ્વારા સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે મલેશિયાને યજમાન તરીકે સીધો પ્રવેશ મળ્યો હતો. નેપાળ, નાઈજીરીયા, સમોઆ, સ્કોટલેન્ડ અને અમેરિકાએ પ્રાદેશિક ટુર્નામેન્ટ જીતીને સ્પર્ધામાં પોતપોતાનું સ્થાન મેળવ્યું હતું.
ભારતીય ટીમ
નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે (વાઈસ-કેપ્ટન), જી ત્રિશા, કમલિની જી (વિકેટકીપર), ભાવિકા અહિરે (વિકેટકીપર), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, જોશિતા વીજે, સોનમ યાદવ, પારુનિકા સિસોદિયા, કેસરી દ્રિથી, આયુષી શુક્લા, આનંદિતા કિશોર, એમડી શબનમ, વૈષ્ણવી એસ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ
નંદના એસ, ઇરા જે, અનાદિ ટી.