બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : મહાકુંભ : મહામાર્કેટિંગ માટે મહાતક
સમીર જોશી
બ્રાન્ડ માટે ઉત્સવો અને ક્રિકેટની મોટી ઇવેન્ટ જેવી કે ઈંઙક અને વર્લ્ડ કપ મોટી તક તરીકે જોવામાં આવે છે તેમ પાછલાં અમુક વર્ષોથી ધાર્મિક ઉત્સવ મહાકુંભનો પણ આમાં સમાવેશ થયો છે. મહાકુંભ ભારતમાં ચાર સ્થળે યોજાય છે: પ્રયાગરાજ – હરિદ્વાર – નાસિક અને ઉજ્જૈન.
પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાતો મહાકુંભ 13 જાન્યુઆરી, 2025થી શરૂ થશે, લાખો ભક્તો પવિત્ર ડૂબકી મારવા માટે ગંગા – યમુના – સરસ્વતી નદીના સંગમ પર 45 દિવસથી વધુ સમય સુધી ભેગા થશે અને અનેક વિભિન્ન બ્રાન્ડ્સ આ તકનો મહત્તમ ઉપયોગ કરવા માટે તૈયારી કરી
રહી છે.
એક અહેવાલ મુજબ, આ ઇવેન્ટ દરમિયાન 40-45 કરોડ આસ્થાળુ સહભાગી થશે, જે માલદીવ, સેશેલ્સ, બાર્બાડોસ, માલ્ટા વગેરે જેવા કેટલાક દેશોની વસતિ કરતાં મોટો આંક છે અને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ઓછામાં ઓછા રૂા. 3,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાનો મોકો મળતો હોય તો કઈ બ્રાન્ડ પાછળ રહે!
એવી એક માન્યતા હતી કે આમાં ફક્ત સાધુઓ અને નીચલા મધ્યમ વર્ગના લોકો જ આવે, પરંતુ થોડા સમયથી ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ મહાકુંભ આકર્ષે છે. આ પરિવર્તનનો શ્રેય ડિજિટલ મીડિયા અને સરકારની આગેવાની હેઠળના કેમ્પેઈનને આપી શકાય.
નવી હોટલ્સ અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સટીક આયોજનને કારણે કુંભમેળાની આસપાસના પ્રવાસનનો પણ વિકાસ થયો છે. એક સમયે કેવળ ખર્ચનું કેન્દ્ર હતું તે હવે આવક પેદા કરવાની તક બની ગયું છે એ હવે સમગ્ર ભારત અને વિશ્ર્વના મુલાકાતીઓને આકર્ષે છે. બીજો ફાયદો એ છે કે મહાકુંભ થકી તેની આજુબાજુના વિસ્તારો વિકસિત થાય છે અને રોજગારની તકો વધે છે.
હવે પ્રશ્ર્ન થશે કે બ્રાન્ડસ આટલા મોટા મેળામાં વેચાણ કરવા બેસશે? મોટી બ્રાન્ડ્સ્વાળા ફક્ત આજના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. એ હંમેશા લાંબો વિચાર કરે છે-એ ભવિષ્યલક્ષી હોય છે. આ ઇવેન્ટ એમને પ્રેક્ષકો સાથે જોડાવાની દુર્લભ તક પૂરી પાડે છે, જેના વળતર રૂપે એઓ લાંબા ગાળાના ગ્રાહકનો વિશ્ર્વાસ મેળવે છે.
આ પણ વાંચો : ફોકસ : ઘણા ખેલાડીઓ જેમણે કિશોરાવસ્થામાં જ પરચો બતાવ્યો તો ઘણા એવા પણ…
આ ઇવેન્ટમાં મૂલ્યવર્ધિત સેવાઓ જેમ કે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ લગાવવા અથવા રહેઠાણની વ્યવસ્થા કરવી અને આ સેવાઓ પહોંચાડવા માટે સરકાર સાથે સહયોગ કરવાથી બ્રાન્ડને વિશ્ર્વસનીય ભાગીદાર અને સામાજિક રીતે જવાબદાર બ્રાન્ડ તરીકે ગ્રાહક જુએ છે.
આવા સિનારિયોમાં હવે બ્રાન્ડ માટે મહત્ત્વનું છે કે લોકોનું ધ્યાન આકર્ષવા યુનિક ક્રિએટિવ આઈડિયા લઈ આવે. કોઈ પણ બ્રાન્ડ માટે આ સૌથી મહત્ત્વનું પાસું છે, કારણ કે અહીં આવનારા યાત્રીઓ ઘણી બધી બ્રાન્ડસના સંપર્કમાં આવશે ત્યારે યુનિક આઈડિયા એમને યાદ રહેશે.
એક વાર આઈડિયા તૈયાર થઈ જાય તે પછી લોકો સુધી પહોંચવા માટે ડિજિટલ માધ્યમનો સહારો લો. આકર્ષક વીડિયો અથવા પ્રભાવક સામગ્રીને ઑનલાઈન શેર કરીને કુંભમેળામાં હાજરી આપનારા શ્રદ્દાળુ અથવા તેનાથી જોડાયેલા લોકોને લક્ષ્ય બનાવી બ્રાન્ડને અસરકારક રીતે પેશ કરી ભાવિ ગ્રાહક્ને આકર્ષી શકાય. બ્રાન્ડ માટે જરૂરી છે કે તેનો આઈડિયા અને કેમ્પેઇન સ્થાનિક ભાષામાં હોય, જેથી ત્યાં આવનારા એને બરાબર સમજી શકે અને બ્રાન્ડ સાથે ભાવનાત્મકતાથી જોડાય.
આ બધી પ્રવૃતિ સાથે કુંભ સંબંધિત ઈતિહાસ અને ધાર્મિક સંવેદનાઓને સમજવી પણ મહત્ત્વપૂર્ણ છે. બ્રાન્ડે તેમના મેસેજિંગ બનાવવામાં કાળજી રાખવી, જેથી અજાણતામાં ધાર્મિક લાગણીઓને ઠેસ ના પહોંચે અથવા ખોટી રીતે રજૂઆત ના થાય.
અહીં મજાની વાત એ છે કે આમાં નાની અને મોટી બંને બ્રાન્ડ સહભાગી થઈ શકે છે. નાની બ્રાન્ડ સ્વચ્છતા કિટ, ડિહાઈડ્રેશન ઓછું કરવા ઘછજ પેકેટ, નકશા અથવા સ્વચ્છતા કામદારો માટે ગણવેશને સ્પોન્સર કરવા જેવી વાત પર ધ્યાન આપી શકે. આ પહેલ બ્રાન્ડની વિઝિબિલિટી વધારવામાં મદદ કરશે- લોકોની નજરે વહેલી ચઢશે.
બીજી તરફ, મોટી બ્રાન્ડ વધુ નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને પોતાની હાજરી વધારી શકે છે. આમાં બ્રશિંગ અને હેન્ડવોશ ઝોનની સ્થાપના, આયુર્વેદિક આરોગ્ય શિબિરોનું આયોજન, મોબાઈલ ચાર્જિંગ સ્ટેશનની ગોઠવણ કે વૃદ્ધો માટે બેટરી સંચાલિત વાહનોને પ્રાયોજિત કરવાનો સમાવેશ થઈ શકે છે.
વધુમાં, બ્રાન્ડ સ્વચ્છતા કામદારો અથવા ઇકો-ફ્રેન્ડલી મહિલા ચેન્જિંગ રૂમ માટે રિફ્રેશમેન્ટ અને રિક્રિએશન ઝોન માટે પણ ભંડોળ પૂરું પાડી શકે છે.
લોકો તીર્થયાત્રા પર જાય છે ત્યારે એ વધુ હળવા અને અલગ માનસિકતામાં હોય છે તેથી, કુંભમેળા જેવી ઇવેન્ટમાં સહભાગી થવું કોઈ પણ બ્રાન્ડ માટે જરૂરી થઈ જાય છે. કુંભમેળામાં ભાગ લેતી બ્રાન્ડને પોતાના રોકાણ પર દ્વિ-સ્તરીય વળતર (છઘઈં) મળે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં જે બ્રાન્ડસ કુંભમેળામાં સહભાગી થઈ એમને માટે ગ્રામીણ ક્ષેત્રના દરવાજા ખૂલી ગયા.
આમ મહાકુંભમેળો માત્ર એક આધ્યાત્મિક મેળાવડો નથી- વિવિધ લોકો સાથે બ્રાન્ડ માટે જોડાણ કરવા માટે એક વિશાળ પ્લૅટફૉર્મ છે. સર્જનાત્મકતા, વ્યૂહાત્મક આયોજન અને સાંસ્કૃતિક સંવેદનશીલતાના યોગ્ય મિશ્રણ સાથે આ અપ્રતિમ ઇવેન્ટના સહારે પોતાની બ્રાન્ડને નેશનલ બ્રાન્ડ બનાવી શકે છે.