સેબીએ SME કંપનીઓ સામેનાં ધોરણ કેમ વધુ સધન બનાવવાં પડ્યાં?
ઈકો-સ્પેશિયલ – જયેશ ચિતલિયા
છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોનો રસ એસએમઈ કંપનીઓના આઈપીઓમાં વધી રહ્યો છે, જેણે આ સેગમેન્ટ માટે કેટલીક ગરબડની શંકા-ચર્ચા પણ જગાવી હતી, જેથી ‘સેબી’એ તાજેતરમાં એને લગતાં નવાં નિયમ-ધોરણો જાહેર કર્યાં છે, જેથી આ સેગમેન્ટ વધુ શિસ્તબદ્ધ બનશે સાથે રોકાણકારોની રક્ષા વધે એવી આશા રાખવી અસ્થાને નથી.
જખઊ એટલે ‘સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ’ અર્થાત્ નાની-મધ્યમ કદની કંપનીઓનો મોટો જમાનો શરૂ થઈ ગયો છે. જ્યારથી સ્ટોક એક્સચેંજ પર એસએમઈ મંચ વધુ કાર્યરત બન્યું છે ત્યારથી એસએમઈ કંપનીઓ માટે આઈપીઓ માર્ગે મૂડી ઊભી કરવાનો સરળ-સસ્તો માર્ગ બની ગયો છે. આનો સદુપયોગની સાથે દુરુપયોગ પણ વધી રહ્યો છે.
આમ પણ આ કંપનીઓ નાની અને જાણીતી નહીં હોવાથી તેમના વિશે લોકોમાં બહુ જાણકારી કે માહિતી હોતી નથી, જેને કારણે રોકાણકારો તેમાં ઓછી માહિતી સાથે રોકાણ કરે તો એ જોખમમાં ન અટવાઈ જાય એના માટે નિયમન તંત્ર ‘સેબી’એ પહેલેથી તેમાં લઘુતમ રોકાણની મર્યાદા વધુ રાખી હતી, તેમ છતાં આવી કંપનીઓના આઈપીઓએ કતાર લગાડી દીધી છે અને જબરી સફળતા પણ મેળવી છે. નાના રોકાણકારો તેમાં સક્રિય રસ લેતા થયા છે.
‘સેબી’ના પગલાનું મહત્ત્વ સમજો
એસએમઈ કંપનીના આઈપીઓને છલકાવવા માટે અને તેમાં પ્રાઈસ રિગિંગ કે પ્રાઈસ મેનિપ્યુલેશન (ભાવ ઉછાળવાની કે ગોલમાલ કરવા)ની પ્રવૃત્તિ કરવાની શકયતાને ડામવા ‘સેબી’એ આઈપીઓના મર્ચન્ટ બૅન્કર્સ અને કસ્ટોડિયન પર પણ ચોક્કસ અંકુશ મૂકયા છે. આ બંને વર્ગની નેટવર્થ જરૂરિયાત વધારી દેવામાં આવી છે, જેથી લેભાગુ કે નબળા વર્ગ તેમાં પ્રવેશે નહીં. એસએમઈ કંપનીના પ્રમોટર્સ પણ આઈપીઓ માર્ગે ગેરલાભ ન લઈ શકે તે માટે ‘સેબી’એ તાજેતરમાં બહાર પાડેલા નવા નિયમોમાં કેટલીક મહત્ત્વની કહી શકાય એવી જોગવાઈ કરી છે, જે અનુસાર કોઈ પણ એસએમઈ કંપનીને તેના પ્રમોટર્સ કે પ્રમોટર્સ ગ્રુપની લોન પરત ચૂકવવા માટે ભંડોળ ઊભું કરવા દેવાશે નહીં એટલે આવા ઉદ્દેશવાળી કોઈ એસએમઈ કંપની આઈપીઓ લાવી શકશે નહી.
વધુમાં ઑફર ફોર સેલ (ઓએફએસ) માટેની મર્યાદામાં પણ ફેરફાર કરીને ‘સેબી’એ એવું ઠરાવ્યું છે કે આવી કંપનીઓના આઈપીઓમાં ઓએફએસનો હિસ્સો 20 ટકાથી વધુ રહી શકશે નહીં. આ જ રીતે ‘સેબી’એ કંપનીઓ પર એવી પણ શરત મૂકી છે કે એસએમઈ કંપની જ્યારે પણ આઈપીઓ માટે દસ્તાવેજો ફાઈલ કરે તેના આગલા ત્રણ વરસમાંથી કોઈ પણ બે વરસમાં તેનો ઓપરેટિંગ નફો કમસે કમ રૂા. એક કરોડનો હોવો જોઈએ. આ હશે તો જ તે આઈપીઓ લાવી શકશે.
એસએમઈ વિશે બે ભિન્ન મત
‘સેબી’એ આ સેગમેન્ટ માટેનાં ધોરણ વધુ કડક કરવાનો ઉદ્દેશ એ છે કે નાના-રિટેલ રોકાણકારો તેનાથી વિશેષ સજાગ રહે. આમાંની મોટા ભાગની કંપનીઓ બૅન્ક ધિરાણ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરતી હોય છે, તેમને ધિરાણ આપતાં બૅન્કો ખચકાય છે. ઉપરાંત આવી કંપનીઓને બૅન્ક વ્યાજ પણ ભારે પડતાં હોય છે, જ્યારે કે આઈપીઓના માર્ગે ભંડોળ ઊભું કરવાનું તેમની માટે સરળ બન્યું છે, જે હાલના સમયમાં સતત વધતી રહી છે.
આમાં ખાસ ધ્યાનાકર્ષક વાત એ છે કે આ કંપનીના આઈપીઓમાં હવે લાખોની સંખ્યામાં અરજીઓ થવા લાગી છે એટલું જ નહીં, તે અનેકગણા છલકાવા પણ લાગ્યા, તેને લીધે આ સ્ટોકસમાં ભાવોની ગોલમાલ કે ગેરરીતિની રમતના આક્ષેપો પણ થવા લાગ્યા છે.
જોકે એસએમઈ કંપનીઓ વિશે એવો મત પણ વ્યકત થાય છે કે લોકો સમજ્યા વિના એસએમઈ સમાન સારા સેગમેન્ટને બદનામ કરી રહ્યા છે. ખરેખર તો એસએમઈ સેગમેન્ટનો ઉદ્દેશ છે કે આ કંપનીઓને મૂડીબજારમાંથી નાણાં ભંડોળ મેળવવાનું સરળ બને અને તે કંપનીઓ વિકાસ કરી શકે – વિસ્તરણ કરી શકે જેમ દરેક મોટી કંપનીને પણ આ માર્ગ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : મોર્નિંગ મ્યૂસિંગઃ સ્ક્રીન વિરુદ્ધ પેપર: ઑનલાઈન વાંચન કેમ છીછરું લાગે છે?
આ કંપનીઓના શેર્સ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સ માટે કહેવાય, કારણ કે એ રિસ્ક ટેકર્સ અને ઈન્ફોર્મ્ડ ઈન્વેસ્ટર્સ ગણાય છે. એસએમઈ સામે આક્ષેપો એસએમઈ આઈપીઓના કેટલાક કિસ્સામાં પ્રમોટર્સ પોતે જ ભાવ વધારવાની રમત ગોઠવે છે અને માર્કેટમાં ભાવ ખેંચાવી પોતે ઊંચા ભાવે નીકળી જાય છે અને સામાન્ય રોકાણકારો તેમાં ભેરવાઈ જાય છે. આ કંપનીઓની કામગીરીનું કૃત્રિમ ગુલાબી ચિત્ર બતાવવામાં આવતું હોવાનો પણ આરોપ છે. આ વરસે લિસ્ટેડ થયેલા સંખ્યાબંધ આઈપીઓમાં ઈસ્યુ પ્રાઈસ કરતાં 90 ટકાથી 400 ટકા વધુ ભાવ લિસ્ટિંગમાં ખૂલ્યા હોવાનું નોંધાયું છે. માર્કેટ એકસપર્ટસ વર્ગ પણ રોકાણકારોને આઈપીઓ વિશે સતત ચેતવણી આપતા કહે છે કે કેટલાક સ્ટોકસમાં ઓવરવેલ્યુએશન થવા લાગ્યાં છે તેમ જ ફંડના દુરુપયોગની શંકા પણ વ્યકત થાય છે.
આવી નાની-મધ્યમ કદની કંપનીઓના ભાવિ વિશે સંદેહ રહ્યા કરે છે. તેમની નેટવર્થ ઓછી હોવાથી પણ નાણાકીય જોખમ જણાય છે. છેલ્લાં પાંચેક વરસમાં લિસ્ટેડ થયેલી એસએમઈ કંપનીઓના સ્ટોકસના ભાવ હાલ નીચા રહ્યા છે અથવા તેમાં નફો ભૂંસાઈ ગયો છે. ભલે બધી કંપનીઓ નબળી ન હોય, પણ આ સેગમેન્ટમાં લેભાગુ કંપનીઓ પ્રવેશતી જઈને રોકાણકારોને લૂંટતી કે છેતરતી ન રહે એ માટે નિયમન તંત્રએ તેનાં નીતિ-નિયમો-ધોરણોમાં ચોક્કસ સુધારા કર્યા છે, જે એસએમઈ સેગમેન્ટની તંદુરસ્તી અને વિકાસ માટે આવશ્યક છે.
બીજી તરફ, એસએમઈ કંપનીઓની ઘણી સકસેસ સ્ટોરી પણ છે, જેમાં એ કંપનીઓનાં ટર્નઓવર, પ્રોફિટ, કામકાજ વધુ બહતેર થયાં છે. તેમનાં ફંડામેન્ટલ્સ વધુ મજબૂત બન્યાં છે. અમુક કંપની એસએમઈ સેગમેન્ટ પરથી વિકાસ કરીને એકસચેંજના મેન બોર્ડ પર પણ શિફટ થઈ છે.
આમ છતાં, દરેક કંપનીનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા બાદ રોકાણનો નિર્ણય લેવો જોઈએ.