ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન ગડકરીને હાઇ કોર્ટની નોટિસ
નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંક દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ગડકરી સતત ત્રીજી વખત નાગપુર લોકસભા સીટ પરથી જીત્યા છે. નાગપુર બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નીતિન ગડકરીએ આ ચૂંટણી જીતવા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પિટિશનમાં માંગ કરવામાં આવી છે કે નીતિન ગડકરીની ઉમેદવારી રદ કરવામાં આવે અને ફરીથી ચૂંટણી યોજવામાં આવે. આ અરજીને લઈને હાઇકોર્ટે નીતિન ગડકરીને નોટિસ પાઠવી છે.
નીતીન ગડકરી 2024ની લોકસભા ચૂંટણીમાં નાગપુર મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ગડકરી સામે વિકાસ ઠાકરેને ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં ગડકરીને 6 લાખથી વધુ વોટ મળ્યા હતા જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારને ચાર લાખથી વધુ મત મળ્યા હતા. ગડકરીએ લોકસભા ચૂંટણીમાં 700,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી. અરજદારે આ જીત સામે વાંધો ઉઠાવ્યો છે.
વિપક્ષી ઉમેદવારે 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિન ગડકરીની જીતને પડકારતી અરજી દાખલ કરી છે. બહુજન સ્વરાજ પાર્ટીના ઉમેદવાર એડવોકેટ સૂરજ મિશ્રાએ આ અરજી દાખલ કરી છે. આ અરજી અનુસાર નાગપુર લોકસભા ક્ષેત્રમાં 19 મી એપ્રિલે મતદાન થયું હતું. સૂરજ મિશ્રાએ ગડકરીના કાર્યકર્તાઓ પર આ દિવસે મતદાન મથક પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. મતદારોને ખાસ સોફ્ટવેર દ્વારા મતદાન મથકની માહિતી આપતી ચિઠ્ઠી આપવામાં આવી હતી જેના પર ગડકરીનો ફોટો હતો.
નિયમો મુજબ મતદાન મથક વિસ્તારમાં ઉમેદવારના નામ સાથેના મતપત્રનું વિતરણ કરી શકાતું નથી. આ કેસમાં અરજદારોએ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે અરજદારે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ચૂંટણી પરિણામોને રદ કરવામાં આવે અને ફરીથી ચૂંટણી યોજવામાં આવે.
હાઇકોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્યને અરજીમાંથી બાકાત રાખવાનો આદેશ આપ્યો છે. નીતિન ગડકરીને નોટિસ પાઠવવામાં આવી છે. હાઇકોર્ટની નાગપુર બેંચે ત્રણ અઠવાડિયામાં આ મામલામાં સ્થિતિ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ક્રિસમસના વિરામ બાદ હાથ ધરવામાં આવશે.