આમચી મુંબઈવેપાર

ફેડરલ રિઝર્વનાં વર્ષ 2025માં માત્ર બે વખત વ્યાજદર કપાતના સંકેતે વૈશ્વિક સોનામાં એક મહિનાના તળિયેથી બાઉન્સબૅક

સ્થાનિક સોનામાં રૂ. 1029નો અને ચાંદીમાં રૂ. 2214નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ આગામી વર્ષ 2025માં વ્યાજદરમાં વધુ કપાતની શક્યતાઓ ઓછી હોવાના નિર્દેશો સાથે માત્ર બે વખત જ કપાત મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આમ હવે પછી વ્યાજદરમાં ઓછી કપાતની શક્યતાને ધ્યાનમાં લેતા ગઈકાલે રાત્રે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સોનાના ભાવ એક મહિનાની નીચી સપાટી સુધી ગબડી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ઘટ્યા મથાળેથી 1.2 ટકાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે વાયદામાં ભાવ વધુ 0.8 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી 0.8 ટકાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો.

સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલો સાથે બન્ને કિંમતી ધાતુઓનાં ભાવમાં કડાકા બોલાઈ ગયા હતા, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2214 ગબડીને રૂ. 87,000ની સપાટીની અંદર અને સોનાના ભાવ રૂ. 1025થી 1029ના ગાબડા સાથે રૂ. 76,000ની અંદર ઊતરી ગયા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિક સ્તરે સોનાની આયાત પડતરો વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો પ્રમાણમાં મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2214ના ઘટાડા સાથે રૂ. 86,846ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1025 તૂટીને રૂ. 75,326 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1029ના ઘટાડા સાથે રૂ. 75,629ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આગામી વર્ષે વ્યાજદરમાં ઓછી કપાતની શક્યતાના અણસાર સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તક્ક્કે ઘટીને ગત 18 નવેમ્બર પછીની સૌથી નીચી સપાટી સુધી ગબડી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 1.2 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 2617.96 ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ 0.8 ટકા ઘટીને 2632 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવ 0.8 ટકા વધીને આૈંસદીઠ 29.59 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. 208નો અને ચાંદીમાં રૂ. 425નો સુધારો

અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે બે દિવસીય બેઠક પશ્ચાત્‌‍ જણાવ્યું હતું કે ઊંચા ફુગાવાની ચિંતા ઉપરાંત નવા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ અંગેની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતાં આગામી વર્ષ 2025માં માત્ર બે વખત વ્યાજદરમાં કપાતની શક્યતા અમે જોઈ રહ્યા છીએ. આમ ફેડરલ રિઝર્વ વ્યાજદરના નિર્ણય માટે ડેટા અવલંબિત છે અને જો ટ્રમ્પની નીતિઓ ફુગાવા પ્રેરિત હશે તો વ્યાજદરમાં કપાતની શક્યતા વધુ ધૂંધળી બનશે, એમ ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. આમ હવે આગામી જાન્યુઆરી મહિનાની બેઠકમાં ફેડરલ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.

સામાન્યપણે રેટ કટના સંજોગોમાં સોના જેવી અસ્ક્યામતોમાં માગને ટેકે સુધારો જોવા મળતો હોય છે, પરંતુ આજે વેચાણો કપાતા ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળી રહ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું. જોકે, હવે ટ્રેડરોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં જીડીપીનાં તથા બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યાના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button