‘Live-in Relationship’માં રહેતા યુગલ માટે કોર્ટે આપ્યો મોટો ચુકાદો, અટકાવી શકાય નહીં…
મુંબઈ: બૉમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં એક કેસમાં લિવ-ઇન રિલેશનશિપને યુગલોનો અધિકાર ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક જો લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવા માગે તો તેમને અટકાવવા જોઇએ નહીં.
‘લિવ-ઇન-રિલેશનશિપ વ્યક્તિગત સંબંધમાં સન્માન સાથે જીવવાનો યુગલોનો અધિકાર છે, તેથી સામાજિક રીતે આવા સંબંધોને ન અપનાવતા તેમને આ અધિકારથી વંચિત રાખી શકાય નહીં. તેમને આ અધિકાર બંધારણ હેઠળ મળ્યો હતો’, એમ કોર્ટે કહ્યું હતું. એક યુવતીને સુધારગૃહથી મુક્ત કરતી વખતે હાઇ કોર્ટે ઉક્ત નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘શહેરી નક્સલવાદ’ને કાબુમાં લેવા માટેનું બિલ ફરીથી રજૂ કરાયું
‘અમારી સામે બે પુખ્ત વયની વ્યક્તિ છે જેઓ પોતાની મરજીથી એકબીજા સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવા માગે છે. કોઇ પણ કાનૂન તેમને આવું કરતા રોકી શકે નહીં. તેથી અમે યુવતીને સુધારગૃહમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ કરીએ છીએ’, એમ કોર્ટે કહ્યું હતું.
‘યુવતીની માતા-પિતાની ચિંતા અમે સમજી શકીએ છીએ જેઓ તેના ભવિષ્યને સુરક્ષિત કરવા ઇચ્છે છે, પણ યુવતી પુખ્ત વયની છે અને તે પોતાની સ્વતંત્રતાનો પ્રયોગ કરી શકે છે. તેઓ પોતાનો નિર્ણય પોતે લઇ શકે છે’, એમ કોર્ટે કહ્યું હતું.
કોર્ટે તેમ છતાં યુવકે કરેલી પોલીસ સુરક્ષાની માગણીને ફગાવી દીધી હતી. બેન્ચે એક કલાક સુધી યુવતી સાથે વાત કરીને કહ્યું હતું કે તે અરજદાર સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવા માટે તૈયાર છે. યુવતી અને અરજદાર બન્ને પુખ્ત વયના છે. તેઓ જીવનના આ તબક્કે વૈવાહિક બંધનમાં બંધાવા માટે તૈયાર નથી. યુવતી પોતાના માતા-પિતાની સાથે રહેવા નતી માગતી અને સુધારગૃહમાં પણ રહેવા નથી ઇચ્છતી.