Health: કસરત કરવા માટે શિયાળો બેસ્ટ પણ આ વાતનું પણ રાખજો ધ્યાન
શરીર અને મન બન્નેને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી આવશ્યક છે અને આ કસરત આખું વર્ષ નિયમિતપણે કરવાની હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં કસરત કે તડકે ચાલવા જવું વગેરે વધારે ગમે છે અને સ્ફૂર્તિ પણ ફીલ થાય છે, આથી શિયાળો શરૂ થાય એટલે સ્વાસ્થ્ય બનાવવાની મોસમ શરૂ થાય તેમ ઘણા લોકો માને છે.
તમે પણ જો જીમ જોઈન કર્યુ હોય કે કલાકો સુધી કસરતો કરતા હોવ તો ચેતી જજો. તમારું શરીર અચાનક એક સાથે આટલા શારીરિક શ્રમને સહન કરી શકે તેમ નથી હોતું આથી તમારે સમજી વિચારીને કસરત કરવાની રહેશે.
શિયાળામાં ઠંડી વધવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે.
અચાનક કસરત શરૂ કરવી, શરીરને ગરમ રાખવા માટે રક્તવાહિનીઓનું સંકોચન અને બ્લડપ્રેશર વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. હૃદય રોગીઓ અને વૃદ્ધોને વિશેષ કાળજીની જરૂર છે. પૂરતા ગરમ કપડાં પહેરવા અને ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે.
આપણ વાંચો: “વ્હાલા તારી વાંસળી” એક લાખ અશક્ત-બીમાર ગાયો વાંસળીના સૂરથી બની સ્વસ્થ!
ઠંડીમાં અચાનક કસરતો આ જોખમ વધારે છે
ઠંડીમાં હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોવાનું ઘણા કાર્ડિયોલોજિસ્ટ કહે છે. આથી તબીબોએ અપીલ કરી છે કે હૃદયરોગના દર્દીઓ અને વૃદ્ધોએ ઠંડીમાં વધુ સાવચેતી રાખવી જોઈએ. ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવા માટે આપણી રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે. આવા કિસ્સામાં, હૃદયના ધબકારા વધે છે અને બ્લડ પ્રેશરમાં વધારો થવાને કારણે હૃદયરોગનો હુમલો થવાનું જોખમ સૌથી વધુ હોય છે, તેમ ડૉક્ટરનું કહેવું છે.
શિયાળાની શરૂઆત થતાં લોકો જીમમાં જોડાય છે, કેટલાક લોકો જોગિંગ કરવાનું શરૂ કરે છે. કેટલાક લોકો સવારે દોડવા જાય છે તો કેટલાક લોકો રાત્રે દોડવા જાય છે. પરંતુ જ્યારે શરીરને તેની આદત ન હોય ત્યારે અચાનક ઠંડીના દિવસોમાં આવી કસરત શરૂ કરવી શરીર માટે જોખમી બની શકે છે.
આપણ વાંચો: શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને બેસો, તન-મનથી સ્વસ્થ રહો
તબીબોનું કહેવું છે કે જો તમે ઠંડીમાં અચાનક કસરત કરવાનું શરૂ કરો તો હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. શિયાળાના દિવસોમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓ સૌથી વધુ હોય છે અને હૃદયરોગના દર્દીઓ અને વૃદ્ધ નાગરિકોને વિશેષ કાળજી લેવા વિનંતી કરવામાં આવી છે.
ધીમે ધીમે કસરત શરૂ કરો
જો તમને કસરત કરવાની ઈચ્છા થાય તો ધીમે ધીમે અને હળવી કસરતો કરો. એક સાથે દસેક મિનિટ કરી આરામ કરો. સવારે તડકો લો. દિવસ ચડે પછી ચાલવાનુ રાખો. માત્ર કસરત નહીં યોગ્ય પષ્ટિક ખોરાક પણ લો અને પાણી પીવો. જો કોઈ બીમારી હોય તો તબીબની સલાહ લીધા બાદ જ કસરત કરો.