નેશનલ

મહિલાઓની ભાવનાઓનું સન્માન સુપ્રીમ કોર્ટ પણ કરે છે…

નવી દિલ્હી: કોર્ટમાં ઘણીવાર એવા કેસ આવતા હોય છે કે જેમાં કોર્ટ દલીલો અને પુરાવા કરતા વધારે મહત્વ વ્યક્તિની ભાવનાને આપે છે. આવી જ એક ઘટના હાલમાં બની જેમાં 82 વર્ષની પત્નીએ કહ્યું કે મરતા પહેલા મારે છૂટાછેડાનો કલંક નથી જોઇતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તે મહિલાની ભાવનાનું માન રાખીને છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી. આ મામલામાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાનો હુકમ આપી શકાય? જો કે હિંદુ મેરેજ એક્ટ 1955માં તેને છૂટાછેડા માટેનું કારણ માનવામાં આવતું નથી. કોર્ટે સમગ્ર મામલાની સુનાવણી કર્યા પછી અને મહિલાની લાગણીઓને માન આપતા કહ્યું કે આ કેસમાં છૂટાછેડાનો આદેશ કરી શકાય નહીં.
મહિલાના પતિ એરફોર્સના નિવૃત્ત અધિકારી છે અને હાલમાં તેમની ઉંમર 89 વર્ષ છે. સુપ્રીમ કોર્ટમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધકર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે મહિલાની દલીલ સાંભળીને 23 વર્ષથી ચાલતી છૂટાછેડાની કાર્યવાહીને રદ કરી હતી.


પતિ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીનો વિરોધ કરતા મહિલાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેમના લગ્ન વર્ષ 1963માં થયા હતા. આ ઘટનાને 60 વર્ષ થઈ ગયા છે. શરૂઆતમાં તેમનું લગ્નજીવન સામાન્ય હતું, પરંતુ 1984માં તેમના પતિની મદ્રાસ બદલી થઈ ગઈ. આ પછી તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. ત્યારથી બંને અલગ રહેતા હતા. ત્યારથી તે તેના પુત્ર સાથે તેના મામાના ઘરે રહે છે.


મહિલાએ જણાવ્યું કે તે એક શિક્ષક રહી ચુકી છે અને વિવાહિત જીવનનું મહત્વ સમજે છે. તેથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પરિણામ હંમેશા નકારાત્મક જ આવ્યું. છેવટે 1996માં તેના પતિએ તેની પત્ની પર ઉત્પીડનનો આરોપ લગાવીને નીચલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. જોકે તે કોર્ટમાં સાબિત કરી શક્યા નહોતા અને આ કેસ ડિસમિસ થયો અને પછી હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસ આવ્યો જ્યાં મહિલાની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે મહિલાની લાગણીને માન આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button