બ્રિસબેન: અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 445 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર પછી ભારતે 9.1 ઓવરની રમતમાં ફક્ત 27 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ઓપનર યશસ્વી જયસ્વાલે ચાર રનમાં, શુભમન ગિલે એક રનમાં અને વિરાટ કોહલીએ ત્રણ રનમાં વિકેટ ગુમાવી દીધી હતી.
મેઘરાજાને કારણે લાંબો સમય રમત અટકી ગયા બાદ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યા પછી રમત ફરી શરૂ થઈ હતી.
યશસ્વી અને ગિલ, બંનેની વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. યશસ્વી ઈનિંગ્સના બીજા જ બૉલમાં ફૉરવર્ડ શોર્ટ લેગમાં મિચલ માર્શને કૅચ આપી બેઠો હતો. થોડીવાર બાદ મિચલ સ્ટાર્કની ઓવરમાં ગિલ ગલીના સ્થાન પર મિચલ માર્શનો શિકાર થયો હતો. તેણે અફલાતૂન ડાઈવિંગ કૅચ પકડ્યો હતો.
કોહલીને જૉશ હેઝલવૂડે વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
આ પણ વાંચો…નીરજ ચોપડાને મળ્યું મોટું સન્માન, ભાલાફેંકના આ મેડલ વિજેતાની પૅરિસ ઑલિમ્પિક્સની જર્સી…
ધોધમાર વરસાદને કારણે રમત અટકી ત્યારે કે. એલ. રાહુલ 14 રન પર અને રિષભ પંત ચાર રન પર રમી રહ્યો હતો.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાની ટીમ 445 રનના સ્કોર પર આઉટ થઈ હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ છ વિકેટ તેમ જ મોહમ્મદ સિરાજે બે વિકેટ અને નીતીશ રેડ્ડી તથા આકાશ દીપે એક-એક વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 95 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.
વિકેટકીપર ઍલેક્સ કૅરીએ ભારતીય બોલર્સને જોરદાર લડત આપી હતી અને 70 રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. તેની એ દસમી વિકેટ પેસ બોલર આકાશ દીપે લીધી હતી.