રાજ કપૂર જે ગુજરાતી કલાકારને પિતાતુલ્ય માનતા એવા દિગ્ગજોના દોસ્ત મેઘાણી
તરુ કજરિયા
હિન્દી ફિલ્મોના ‘ગ્રેટેસ્ટ શો-મેન’ એવા રાજ કપૂરની જન્મ-શતાબ્દીની ઉજવણી થઈ રહી છે એ અવસરે જાણીએ એક ગુજરાતી કલાકાર લાભચંદ લાલચંદ મેઘાણી સાથેની રાજ કપૂરની આત્મીયતાની કેટલીક અજાણી વાત…
પુત્રીનાં લગ્ન વખતે ઈરાદાપૂર્વક આમંત્રણ નહોતું આપ્યું, છતાં વર-વધૂ વચ્ચે રાજ કપૂર: બેટે કો ન્યોતે કી જરૂરત નહીં હોતી, મૈં તો આઉંગા!’
ઊંચો, એકવડો બાંધો છતાં ખડતલ શરીર, ઊજળો વાન, આકર્ષક ચહેરો અને સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ એ કલાકારને ભલે બહુ બધા લોકો નહીં ઓળખતા હોય, પરંતુ એની કલાથી પરિચિત વર્ગ ચોક્કસ મોટો છે.
‘અછૂત કન્યા’, ‘ચંદન’, ‘કંગન’, ‘હમારી બાત’, ‘શારદા’, ‘આવારા’, ‘શ્રી ૪૨૦’, ‘મધર ઇન્ડિયા’, ‘સંગમ’, ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’, ‘સાધના’, ‘ગંગાજમના’, ‘આદમી’, ‘ગોપી’, ‘દિલ દે કે દેખો’, ‘લવ ઈન સિમલા’, ‘રામ ઔર શ્યામ’ જેવી અનેક જાણીતી ફિલ્મોનાં પોસ્ટર્સ, હોર્ડિંગ્સ, બેનર્સ તેમ જ ફિલ્મના ટાઇટલ્સ અને આર્ટવર્કસમાં લાભચંદ મેઘાણીની કલાને લાખો દર્શકોએ જોઈ છે. જોકે, કલાના આ સર્જક એમનાં કોઈ પણ પોસ્ટર કે હોર્ડિંગમાં પોતાની ઓળખરૂપી નામ કયારેય નહોતા લખતા.
આ નામ એટલે લાભચંદ લાલચંદ મેઘાણી એટલે બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિદ્ધ મેઘાણી પરિવારના જ એક સભ્ય.
કાકા ઝવેરચંદ અને નાના ભાઈ રમણીકની જેમ કલમ ઉપાડવાને બદલે એમણે કેન્વાસને પોતાની સર્જકતાનું ફલક બનાવ્યું હતું અને પોતાની પીંછીના કસબ થકી ફિલ્મજગતમાં આગવી ઓળખ બનાવી હતી. અલબત્ત, કલમનો વારસો એમનેય વરેલો. એમણે ‘રૂપદાસ’ના તખલ્લુસ સાથે હિન્દી ફિલ્મનાં ગીતો પણ લખ્યાં હતાં.
૧૯૧૧ની પાંચમી માર્ચે કલકત્તામાં લાલચંદભાઈ અને ગોદાવરીબહેન મેઘાણીને ત્યાં જન્મેલા લાભચંદને નાનપણથી ચિત્રો દોરવાનો શોખ. શાળાનું ભણતર કલકત્તામાં અને થોડીઘણી તાલીમ ‘શાંતિનિકેતન’ સ્થિત ટાગોરની ‘વિશ્ર્વભારતી’ સંસ્થાના કળાભવનમાં. સોળ-સત્તર વર્ષથી લાભચંદ દુકાનોનાં સાઇનબોર્ડ ચીતરતો અને છાપાં-ચોપાનિયાં માટે આર્ટવર્ક બનાવતો. પિતાની જીવનોપયોગી વસ્તુઓની ‘એલ. કે. મેઘાણી’ની દુકાનમાં એ મદદ કરતો.
ત્રીસના દાયકાના ઉતરાર્ધમાં મુંબઈ આગમન. હવે પોસ્ટર્સ, બેનર્સ ઉપરાંત પુસ્તકોનાં કવર પેજીસ, અખબારોનાં હેડિંગ્સ અને ઇલસ્ટ્રેશન્સ ઇત્યાદિ બનાવવાનું કામ શરૂ કર્યું. ઝવેરચંદ મેઘાણીનાં કેટલાંક પુસ્તકોનાં મુખપૃષ્ઠ પણ એમણે બનાવેલાં. ઝવેરચંદ મેઘાણીએ પોતાનું એક પુસ્તક આ ભત્રીજાને અર્પણ કરતાં લખ્યું હતું: ‘સ્વનિર્મિત કલાકારને’…
આ દરમિયાન, ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દિની શરૂઆત ‘બૉમ્બે ટૉકિઝ’ જેવી માતબર ફિલ્મનિર્માણ કંપની સાથે થઈ.
જોકે, એ અગાઉ કલકત્તાથી પિતા લાલચંદે પોતાના મિત્ર અને કલાગુરુ રવિશંકર રાવલને પત્ર લખી પુત્રને કલાના ક્ષેત્રમાં કામ કરવા અમદાવાદ મોક્લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે જવાબમાં રવિશંકર રાવળે લખ્યું હતું કે આવડા છોકરાને આટલે દૂર ન મોકલો. કલકત્તામાં જ કામ મળી રહેશે… પણ યુવાન વયે મુંબઈ આવેલા લાભચંદ અડીખમ આત્મવિશ્ર્વાસ અને આવડતના જોરે જ બોમ્બે ટૉકિઝ પહોંચી ગયા. એમનું કામ જોયા પછી હિમાંશુ રોય અને દેવિકારાણી – બન્નેનાં એ ફેવરિટ બની ગયા. લાભચંદ મેઘાણીને વિખ્યાત ‘બૉમ્બે ટૉકિઝ’ના પેઇન્ટિંગ ઍન્ડ પબ્લિસિટી વિભાગના હેડ બનાવવામાં આવ્યા. ત્યાં એ ‘એલ એલ મેઘાની’ કે ‘મેઘાનીજી’ તરીકે જાણીતા હતા.
હિમાંશુ રોયના અવસાન બાદ કાળક્રમે બૉમ્બે ટૉકિઝ’ બંધ પડી. એ દરમિયાન લાભચંદ મેઘાણી બીજાં અનેક પ્રોડક્ષન્સ માટે કામ કરવા લાગ્યા. તેમાં આર.કે.સ્ટુડિયો, ફિલ્માલયા, મહેબૂબ, ગુરુદત્ત- અશોકકુમાર પ્રોડક્સન્સ મુખ્ય હતા. એમણે અંધેરીમાં પોતાનો ‘અશોક’ સ્ટુડિયો પણ કર્યો.
૧૯૬૦ પછી એ પોતાના ઘરેથી કામ કરતા. એ વખતે રાજ કપૂર, દિલીપકુમાર, મીનાકુમારી ઇત્યાદિ અનેક ફિલ્મી હસ્તીઓ અવારનવાર એમના ઘરે આવતી-જતી. રાજ કપૂરને એમની સાથે નિકટનો સંબંધ બંધાઈ ગયેલો. રાજજીને ‘મેઘાનીજી’ને માટે બહુ આદર. રાજ કપૂર સાથેની લાભચંદ મેઘાણીની કેટલીક રસભર સ્મૃતિઓ જાણવા જેવી છે, જેમકે…
વર્ષ ૧૯૫૬માં લાભચંદ મેઘાણીની મોટી પુત્રીનાં લગ્ન હતાં. પોતે જે સાયનની સોસાયટીમાં રહેતા હતા ત્યાં જ લગ્ન હતાં. વ્યવહારુ મેઘાણીએ રાજ કપૂરને લગ્નમાં નોતરું નહોતું આપ્યું, કેમ કે રાજજી જેવા સ્ટાર આવે તો બધા મહેમાનો એમની પાછળ દોડે. લગ્નમાં કોઈનું ધ્યાન પણ ન રહે.
એમણે રાજ કપૂરને ચોખ્ખું કહેલું કે હું તને આમંત્રણ નહીં આપું…’ તો રાજ કપૂર કહે: ‘બેટે કો ન્યોતે કી જરૂરત નહીં હોતી, મૈં તો આઉંગા.’ અને ખરેખર રાજજી એ લગ્નમાં સીધા પહોંચી પણ ગયા! એટલું જ નહીં, પૂરી લગ્નવિધિ દરમિયાન વર-વધૂ સાથે માંડવામાં જ હાજર રહ્યા. એ પ્રસંગે વરપક્ષ તરફથી ઘણા વી.આઈ.પી. મહેમાનો આવેલા, પરંતુ રાજ કપૂરના આગમનની ખબર પડતાં જ લોકો હૂડૂડૂડૂ કરતા ભાગ્યા રાજજીની ઝલક જોવા!
લગ્ન વખતે માંડ સોળ વર્ષની હતી એ સરોજ આજે ચોર્યાશી વર્ષની છે, પણ આ ઉંમરેય વર-કન્યા વચ્ચે ઊભેલા રાજ કપૂરના ફોટાને જોઈને એમનો ચહેરો ખીલી ઊઠે છે.
Also Read – આઈટી ક્ષેત્રની કરિયર છોડી ઓર્ગેનિક ખેતી દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે આ દંપતી
ફિલ્મ ‘આવારા’નું કામ પૂરું થવામાં હતું ત્યારે એક વાર લાભચંદ મેઘાણી દાદરના ‘રણવીર સ્ટુડિયો’ ગયેલા રાજ કપૂરને મળવા. ત્યાં રાજ કપૂરનું કોઈ બીજી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. ત્યારે મેઘાણી પાસે બૉમ્બે ટૉકિઝ’ના ઓક્શનમાંથી મળેલી જર્મન કાર હતી.
રાજ કપૂર શૂટિંગ પૂરું કરીને આવ્યા ને લાભચંદ મેઘાણીએ કહ્યું: ‘ચાલ, તને ઘરે મૂકી દઉં અને રસ્તામાં વાતો પણ થઈ જશે.’ મેઘાણીએ કાર સ્ટાર્ટ કરી અને થોડે દૂર ગયા ત્યાં તો કાર ખોટકાઈ ગઈ. એ વખતે સાથે આવેલા ૧૪ વર્ષીય પુત્ર સુરેશને કહ્યું: ‘ચાલો, ભાઈ ધક્કા મારો…’ રાજ ક્પૂર પણ કારને ધક્કા મારવા ઊતરી પડ્યા…. એને જોઈને રસ્તા પરથી કેટલાય લોકો પણ મદદ કરવા દોડી આવ્યા ને કાર સ્ટાર્ટ થઈ ગઈ. સુરેશ માટે ૮મી એપ્રિલ ૧૯૫૧નો એ દિવસ લક્કી નીવડ્યો. એની ઑટોગ્રાફ બુકમાં એ દિવસે રાજ ક્પૂરનો ઑટોગ્રાફ ઉમેરાયો. રાજજીએ એક નાનકડું સ્માઇલી જેવું ચિત્ર દોર્યું અને લખ્યું:
‘લાફ વીથ મી’!