ભાત ભાત કે લોગ : હેલો, હેલો…! શું તમે કોઈને આવો કોલ કરવાની હિમ્મત કરી છે?
- જ્વલંત નાયક
તમે આ રમૂજ ક્યાંક વાંચી છે?
મહાન શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે દૂર અંતરે બેઠેલા બે વ્યક્તિ વાતચીત કરી શકે એ
માટે દૂરભાષ યંત્ર એટલે કે ટેલિફોન વિકસાવ્યો. ટેલિફોનની શોધ કર્યા પછી બેલસાહેબ ફોનની સામે બેઠા બેઠા વિચારી રહ્યા હતા, કે વિશ્ર્વનો સૌપ્રથમ ફોન કોલ કોને કરવો? ત્યાં જ આશ્ર્ચર્યજનક રીતે કોઈકે સામેથી કોલ કરી કર્યો :
ટ્રીન ટ્રીન…
બેલસાહેબને ય નવાઈ લાગી, કે મારું બેટું, મારા પહેલા જ કોઈકે વિશ્ર્વનો સૌપ્રથમ કોલ કરી નાખ્યો!
જિજ્ઞાસાવશ એમણે ફોનનું રિસીવર ઉપાડ્યું:
હેં? કોણ? ના. સોરી, રોંગ નંબર!
આટલું કહીને ટેલિફોનના ખીજાયેલા શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે જોરમાં ફોન પછાડ્યો!
સતત રોંગ નંબર રિસીવ કરી કરીને કંટાળેલા કોઈકે આ જોક બનાવી હશે. આમ તો આ જોક એટલી જૂની છે કે મોબાઈલ યુગમાં પેદા થયેલી જનરેશનને ઝટ સમજાશે ય નહિ, કેમકે મોબાઈલમાં તો તમે નામ સિલેક્ટ કરીને પ્રેસ કરો એટલે ઓટોમેટિક કોલ લાગી જાય, પણ એક જમાનો હતો જ્યારે ડાયરીમાં લખેલાં નામોની સામેથી ફોન નંબર શોધીને એક એક આંકડો ડાયલ કરવો પડતો.
ડાયલ પણ પાછું કેવું? ટેલિફોનના જે-તે નંબર આગળના કાણામાં આંગળી નાખીને આખું ચકરડું ફેરવો અને એ પછી ચકરડું વળી ઊધું ફરીને યથાસ્થાને ગોઠવાય એટલે એક આંકડો ડાયલ થાય. જો છ કે સાત આંકડાનો ફોન નંબર હોય તો તમારે છ થી સાત વખત ચકરડું ઘુમાવવું પડે. સ્વાભાવિક છે કે એકાદ આંકડો ખોટો ઘુમાવાઈ જાય, તો રોંગ નંબર લાગે!
વળી એ જમાનાના લેન્ડલાઈન ફોન બેઠકખંડમાં રહેતો. ફોનની રિંગ વાગે એટલે જે રૂમમાં હો ત્યાંથી બધા કામ પડતા મૂકીને ફોન રિસીવ કરવા બેઠકખંડ તરફ દોટ લગાવવી પડતી. તમે હાંફળાફાંફળા ફોન સુધી પહોંચો, પણ એ ફોન કોલ ‘રોંગ નંબર’ નીકળે તો?
એક જમાનામાં આ રીતે એટલા બધા રોંગ નંબર લાગતા કે ઘણીવાર ટેલિફોન માલિકો પોતાના જ ફોનથી કંટાળીને રિસીવર પછાડતા! અત્યારે તો ડ્રાઈવ કરતા કરતા તમે માત્ર વ્યક્તિનું નામ બોલો એટલે બ્લ્યુટુથ કોલ જોડી આપે એવી સુવિધા થઇ ગઈ છે. ફોનના ચકરડા ઘુમાવવાની વાતો હવે વીતેલા જમાનાની લાગે.
યસ, ડાયલ કરવા માટેના ચકરડાવાળા ફોનનું રિસીવર કાને માંડીને વાતો કરવાની કે (જૂની હિન્દી ફિલ્મોમાં બતાવે છે એમ) ગીતો ગાવાની અલગ મજા હતી. જોકે, ખરી મજા હતી પ્રેન્ક કોલ્સ’ની! આજકાલના જુવાનિયા અને વિવિધ રેડિયો ચેનલ્સના જોકી મિત્રો-અજાણ્યાઓની મજા લેવા માટે આડેધડ કોલ કરીને ધડમાથા વગરની વાતો કરી સામેવાળાને ઉશ્કેરતા હોય છે. સામેવાળો જેમ વધુ ઉશ્કેરાય એમ કોલ કરનારને વધુ મજા પડે.
આ પ્રકારના કોલ્સને ‘પ્રેન્કકોલ્સ’ એટલે કે મજાક ઉડાડવા માટે થયેલા કોલ્સ કહેવાય છે. જો કે આજકાલની યુવા પેઢીને ખ્યાલ નથી કે અમુક ‘વિષયોમાં’ સાવ નિર્દોષ લાગતા અને શિસ્તપાલનમાં માનતા એમના દાદા-દાદીઓ ટેલિફોનના જૂના ડબલાના સમયમાં જે પ્રેન્ક કોલ્સ કરતા એમની સરખામણીએ આજકાલની પ્રેન્ક્સ પાણી ભરે!
એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ૧૮૭૬માં ટેલિફોનની શોધ માટે પેટન્ટ લીધી. એના આઠેક વર્ષ બાદ, ૧૮૮૪માં વિશ્ર્વનો સર્વપ્રથમ ‘પ્રેન્ક કોલ’ ઇતિહાસના પાને નોંધાયો હતો થયું એવું કે હરવાફરવાના રમણીય સ્થળ તરીકે ગણના પામતા રહોડ આઈલેન્ડ ઉપર એક વિશિષ્ટ પ્રકારના ‘બિઝનેસ’ સાથે સંકળાયેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ.
આ વિશિષ્ટપ્રકારના બિઝનેસમેન એટલે લોકોની અંતિમક્રિયા સંબંધિત સામગ્રી અને બીજી વ્યવસ્થાઓ સાથે સંકળાયેલ લોકો. એક દિવસ કબર ખોદનારાઓથી માંડીને કોફીન બનાવનારાઓ સુધીના જુદા જુદા લોકોને ફલાણા ફલાણા સજજન ગુજરી ગયા હોવાની ‘વર્દી’ મળી. સ્વાભાવિક છે કે સાજ-ખાંપણ સાથે સંકળાયેલા લોકો બીજાના મૃત્યુથી છૂપો આનંદ અનુભવે, કેમકે એનાથી એમનો ધંધો વડે ! એટલે વર્દી મળતાની સાથે જ જુદા જુદા વેપારીઓ વર્દીમાં મળેલ સરનામે પહોંચી ગયા.
આ પણ વાંચો…વિશ્વની વિખ્યાત વ્યક્તિઓની વિશેષ સફળતાનાં રહસ્ય આ રહ્યાં..!
હવે થયું એવું કે આ લોકો જે જે સરનામે ગયા, ત્યાં ત્યાં એમણે બહુ બૂરી રીતે ભોંઠા પડવાનો વારો આવ્યો, કેમકે ટેલિફોનમાં જેની વર્દી આપવામાં આવેલી ત્યાં કોઈ મરણ થયા જ નહતા !
કોઈ અટકચાળા આત્માને ટેલિફોનના યંત્ર દ્વારા અજાણ્યા લોકોની મજાક કરવાનું સૂઝ્યું એટલે એણે અંતિમ ક્રિયા સાથે સંકળાયેલ એજન્સીઝને ફોન કરી કરીને કેટલાક જાણીતા સજજનો મૃત્યુ પામ્યા હોવાની નકલી વર્દી નોંધાવેલી હતી .
ધરમ ધક્કો ખાધેલા વેપારીઓને તો ગુસ્સો ચડે જ, પણ જેમની ‘દફનવિધિ’નો ઓર્ડર અપાયેલો એ બધા પણ કેવા રોષે ભરાયા હશે એની તો કલ્પના માત્ર કરી લેવાની…
જો કે આ કિસ્સો એટલો ચગ્યો કે એ સમયે ટેકનોલોજી ક્ષેત્રે થતાં સંશોધનો વિષે માહિતી આપતા પ્રખ્યાત મેગેઝિન ‘ઇલેક્ટ્રિકલ વર્લ્ડ’ના ૨ ફેબ્રુઆરી. ૧૮૮૪ના અંકમાં પણ આ પ્રેન્ક કોલની નોંધ લેવામાં આવી…!