નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે આજે ‘ભારતીય ફિલ્મ ઉદ્યોગ’માં જાતીય સતામણીના આરોપો ઉઠાવતી પીઆઇએલ (Public Ineterest Litigation – PIL)ની તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિભુ બખરુ અને ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાની ખંડપીઠે જણાવ્યું હતું કે પીડિત પક્ષની ફરિયાદની ગેરહાજરીમાં તે ‘ગૂંચવણભરી તપાસ’નો આદેશ આપી શકે નહીં.
મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણના કેસોના સંદર્ભમાં ન્યાયમૂર્તિ હેમા સમિતિના અહેવાલ પર આધાર રાખનાર અરજદારે રાષ્ટ્રીય મહિલા આયોગને ‘ભારતીય ફિલ્મ ઉદ્યોગ’માં મૂળભૂત અને માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની પણ તપાસ કરવા માટે નિર્દેશ આપવા માંગ કરી હતી.
આ પણ વાંચો: શું ‘મી-ટુ’થી આવી શકશે ફિલ્મ ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન?
ખંડપીઠે જણાવ્યું કે જ્યારે કોઇ ફરિયાદ આવશે તો અમે તપાસ કરીશું. તમારી અરજી ન્યાયમૂર્તિ હેમા સમિતિના અહેવાલ પર આધારિત છે, જેના પર અન્ય એક કોર્ટ વિચાર કરી રહી છે. અમે કોઇ પણ ગૂંચવણભરી તપાસનો આદેશ આપીશું નહીં.
અરજદાર અજીશ કલાથિલ ગોપીએ આક્ષેપ કર્યો કે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણી અસ્તિત્વમાં છે અને આ સંદર્ભે સંબંધિત અધિકારીઓને ફરિયાદ પણ કરી છે. તેમણે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સમિતિના અહેવાલની શાબ્દિક રજૂઆતની પણ માંગ કરી હતી.
જો કે કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પીડિત તરફથી આવવી જોઇએ અને ઉમેર્યું હતું કે સમગ્ર અરજી કોઇપણ પ્રયોગમૂલક ડેટા વિના અનુમાનો પર આધારિત છે. તેમણે કહ્યું કે પીડિત પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ રચવામાં આવેલી ન્યાયમૂર્તિ હેમા સમિતિના રિપોર્ટના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.