પુરુષસ્પેશિયલ ફિચર્સ

મેલ મેટર્સ: તમારું ડિપ્રેશન…. હૂ કેર્સ? દુનિયાને પડી નથી તો તમારું ધ્યાન તમારે જ રાખવું પડશે!

-અંકિત દેસાઈ

હમણાં એક પુસ્તક વાંચતો હતો એમાં વાંચવા મળ્યું છે કે એક વાર ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ એવું સ્વીકાર્યું હતું કે મેલ ડિપ્રેશન’ એટલે કે પુરુષોની માનસિક બીમારી એ વિશ્ર્વમાં અન્ડરરેટેડ સમસ્યાઓમાંની એક છે !

આ વાક્યના ઉંડાણમાં આપણે જુદી રીતે જવું છે. અહીં આંકડાની ફોજ નથી મૂકવી કે ભાઈ, વિશ્ર્વમાં આટલા કરોડ પુરુષ ડિપ્રેશનનો સામનો કરે છે એની સામે આટલા કરોડ તો કોઈના ધ્યાનમાં સુદ્ધા નથી આવતા. અથવા તો આપણે પુરુષના ડિપ્રેશનની સરખામણી પણ કોઈ સાથે નથી કરવી. આમ છતાં , આપણે આ વાતને એ રીતે સમજવી પડશે કે માત્ર ભારતમાં જ નહીં, લગભગ તમામ સમાજ વ્યવસ્થાઓમાં પુરુષને પણ માનસિક ત્રાસ પડી શકે છે એ વિશે ઝાઝો વિચાર નથી કરવામાં આવ્યો ! સાર્વત્રિક રીતે એવું જ માની લેવાયું છે કે પુરુષ એટલે સ્ટ્રોંગ. પુરુષ એટલે તો યોદ્ધા…મરદ કો દર્દ નહીં હોતા ! તો અનેક જગ્યાએ તો એમ માની લેવાય છે કે પુરુષ એટલે નફ્ફટ અને નિંભર !

આપણે અહીં કાગારોળ પણ નથી કરવી કે ભાઈ, અમારી તરફ તમે ધ્યાન આપો. ભલે દુનિયા માટે મેલ ડિપ્રેશન એ અન્ડરરેટેડ-નગણ્ય બાબત હોય, પરંતુ દુનિયા પુરુષના માનસિક સ્વાસ્થ્ય વિશે ગંભીર નથી તો એનો અર્થ એ નથી કે પુરુષે પણ પોતાના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર નહીં રહેવાનું. આને લઈને પુરુષે એટલા તો સ્વાર્થી બનવું જ રહ્યું કે પોતાના મન અને તનનો વિચાર કરીને જીવનમાં અમુક ચિંતા માથા પર નહીં લેવાની.. ભલેને પછી દુનિયા તમને ઘોંચપરોણા કરે કે ‘તું કોઈ વાતને ગંભીરતાથી લેતો જ નથી.’ દુનિયા ભલે આવું કહે.


Also read: મુખ્બિરે ઈસ્લામ: નેકી અને નસિહતની મશાલ મુસલમાન શું ખરેખર ભૂતકાળ બની જશે?


દુનિયાનું કામ જ એ છે કે એ તમને તમારી ભૂલો, તમારી અણઆવડત, તમારા દ્વારા બાકી રહેલાં કામ ગણાવતી રહે….દુનિયા એનું કામ કરતી રહે તો પણ દુનિયાએ આપણને ગણાવેલી આવી અધૂરપ કે આપણી મર્યાદાઓને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી, કારણ કે આપણા મન પર મોટાભાગે થતાં આવા પ્રહારાની અસર સૌથી વધુ થતી હોય છે. બહારથી આવી વાતો કે એ આક્ષેપોને કારણે અત્યંત વિચલિત થઈ જઈએ છીએ. પછી કેટલાક કિસ્સામાં તો બહારથી આવતા એ શબ્દો, વાતો કે આક્ષેપોને કારણે આપણી જાતનું મૂલ્યાંકન કરવા લાગીએ છીએ. આને કારણે આપણી સ્વતંત્રતા કે સફળતા મર્યાદિત થઈ જાય છે.

અંતે આવી સ્થિતિ મનમાં તણાવ ઊભો કરે છે. અને આ તણાવ આપે છે કોણ? એ જ લોકો જેને તમારા માનસિક સ્વાસ્થ્ય વિશે વિચાર સુધ્ધાં નથી આવવાનો ! માટે એવા લોકો પાસેથી કોઈ અપેક્ષા રાખવાની નહીં . અપેક્ષા રાખવી હોય તો આપણે આપણી જાતની રાખવી.. આપણે જાતને શીખવવું પડશે કે આપણું મૂલ્યાંકન આપણે આપણી શરતે અને આપણા પોતીકા માપદંડોથી કરવાનું છે…! આનાથી આપણાં મનમાં ક્યારેય કોઈ ખટકો જ નહીં જન્મે. જો આ રીતે આપણે વિચારીશું તો ડિપ્રેશનની તો તાકાત નથી કે આપણી આસપાસ પણ ફરકે !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button