સુરતથી રાજકોટ લઈ જવાતો રુપિયા 77 લાખનો વિદેશી દારુ ઝડપાયો
Surat News: 31 ડિસેમ્બર (31st December) નજીક આવી રહી છે તેમ રાજ્યમાં દારૂની હેરફેરનું (Liquor) પ્રમાણ પણ વધી રહ્યું છે. સુરતના કામરેજ (Kamrej) તાલુકાના ઉંભળ ગામની સીમમાં ને.હા.48 પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નાકાબંધી કરી બે ટ્રેલરમાં ભરેલા રૂ. 77 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક ચાલકને ઝડપી લીધો હતો.
જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ ભરેલા બંને ટ્રેઇલર રાજકોટ મોકલનારા ઇસમ સહિત છ શખ્સોને વોન્ટેડ જાહેર કરીને કુલ રૂ. 1.27 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ ટીમને મળેલી બાતમીના આધારે ઉંભેળ ગામની સીમમાં મહાદેવ હોટલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. તે સમયે બે ટ્રેઇલરને અટકાવ્યા હતા. જેમાં એક ટ્રેલરનો ચાલક ભાગી ગયો હતો. જ્યારે યુપીના રહેવાસી વિવેક યાદવને ઝડપી લેવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મોજની ખોજ ઃ દારૂમાં નશો હોત, તો બોટલ ના ડોલતી હોત?
પોલીસે બંને ટ્રેઇલરની તલાશી લેતાં રૂ. 77 લાખના વિદેશી દારૂની 32,916 બોટલ મળી આવી હતી. પૂછપરછમાં ટ્રેલર ચાલકે વિવેક યાદવે વિદેશી દારૂ રાજકોટ લઈ જવાની કબૂલાત કરી હતી.
પોલીસે વિવેક યાદવ સહિત ટ્રેઇલરના નાસી છૂટેલા ચાલક અનિલ યાદવ, વિદેશી દારૂ સપ્લાયર મનેક પટેલ, વિવેક યાદવના મિત્ર રવિન્દ્ર રાજપુત, રાજકોટ ખાતે વિદેશી દારૂ મગાવનાર અજાણ્યા શખ્સ અને બંને ટ્રેઇલરના માલિકને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.1,27,08,766નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.