હેં! હવે સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ જોબ કરવાની..?!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
એક-દો-તીન-ચાર માધુરી દીક્ષિતના આ મસ્ત મોજિલા ગીત જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. પહેલાં ૬ પછી પાંચ અને હવે અનેક દેશોમાં પૂરા પગાર સાથે ચાર દિવસ જોબ કરવાનું જે આયોજન થઈ રહ્યું છે તે આપણે ત્યાં કેટલું કારગત નીવડશે?
નાનાં -મોટાં છમકલાંના અપવાદ સિવાય આજે કોવિડ-યુગ વીતી ગયો એમ કહી શકાય રાબેતા મુજબનાં કામકાજ ધીર ધીરે શરૂ થઈ ગયા છે, છતાં કોવિડ કાળની આડ અસરના પડછાયા આજે પણ આર્થિકથી લઈને આરોગ્ય સુધી પ્રસરી રહ્યા છે.
કોવિડનો પ્રકોપ ક્રમશ: ઘટ્યો, છતાં એનો ચેપ ન વળગે એ માટે ઑફિસ- કાર્યાલય- ફેકટરી-કારખાનાંમાં કામ કરવાના કલાકોના વારા -પાળી કરી દેવામાં આવી. અમુક લોકો સપ્તાહના પ્રથમ ત્રણ દિવસ તો તમુક લોકો બાકીના દિવસોમાં કામ કરે અને બન્ને શિફટના લોકો બાકીના દિવસ (વર્ક ફ્રોમ હોમ) ફરજ બજાવે. સંપૂર્ણ લોકઆઉટ વખતે સાતે દિવસ ઘરથી કામ કરવું પડતું એને બદલે ૩દિવસ ઘર વત્તા ૩ દિવસ ઑફિસથી ફરજ બજાવવાની આવી ’હાઈબ્રિડ’ કામગીરી લગભગ આજે ૬૦ ટકા મોટી કંપનીએ અહવે ફરી કહાની મેં ટ્વિસ્ટ
‘એક-દો-તીન-ચાર..’ માધુરી દીક્ષિતના મન-તન ડોલાવતા આ ગીતના શબ્દો બની શકે કે ટૂંક સમયમાં ગીત-સંગીતના અ-ચાહકો માટે ય કર્ણપ્રિય થઈ જાય
વાત પર સીધા આવીએ તો આપણા સહિત અનેક રાષ્ટ્રોની સરકાર કામના કલાકોમાં ફેરફાર કરીને અઠવાડિયાના કામના દિવસો ઘટાડી નાખવાની યોજના વિચારી રહી છે.. અત્યાર સુધી લગભગ બધે ઑફિસમાં સોમથી શુક્રવાર એમ સપ્તાહના પાંચ દિવસ કાર્ય કરવાની પ્રણાલી છે. હવે કામઢા લોકોને તેજાબી લાગે એવા ફેરફાર આવી રહ્યા છે. વર્ષો પૂર્વે ૨વિવારને બાકાત રાખીને અઠવાડિયે છ દિવસ કામ કરવાનો શિરસ્તો હતો. એમાં પણ રોજિંદા કામ કરવાના ક્લાક ૮થી પણ વધી જતા.આને લીધે વિદેશોમાં કારખાનાં- વર્કશોપમાં અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે સોમવારે કામદારો વધુ ગેરહાજર રહેતા. સતત કામ પછી વર્કરને માંડ રવિવારે જ આનંદપ્રમોદનો સમય મળતો, જે મોટાભાગના મજૂરો મોડી રાત સુધી ખાણી-પીણી અને જુગારમાં વીતાવતા અને સોમવારે કામ પર જવાનું ટાળતા. આની સીધી અસર ઉત્પાદન પર પડતી. આને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ અમેરિકાની ‘ફોર્ડ મોટર કંપની’એ એના પ્લાન્ટમાં સપ્તાહના પાંચ દિવસ કામનો પ્રારંભ કર્યો. એકલા રવિવારની રજામાં દારૂ-જુગાર-ડ્રગ્સ જેવાં જે દૂષણો વધી ગયા હતા એના પર આડકતરો અંકુશ આવ્યો પછી તો જગતભરમાં ‘ફાઈવ -ડે વીક’નો શિરસ્તો શરુ થઈ ગયો. હા, બધું કામ હવે પાંચ દિવસમાં પૂરું કરવું પડે એટલે રોજના કામના કલાક વધી ગયા.આમ છતાં, એકંદરે કર્મચારી-કામદારોની કાર્યક્ષમતા તેમજ પ્લાન્ટમાં ઉત્પાદન શક્તિ વધી.
આમ કામના પાંચ દિવસની ફોર્મ્યુલા અમેરિકામાં સફળ થતાં યુરોપ થઈ આપણે ત્યાં પહોંચી.. આધુનિક ડિજિટલ ટેકનોલોજીને લીધે રોજના વધુ કલાક કામ કરવાનો ભાર પણ હળવો લાગવા માડ્યો. મુંબઈ જેવાં મહાનગરમાં રોજ લોકલ ટ્રેન-બસની થકવી દેતી હાલાકીમાંથી આવી વધુ એક દિવસની મુક્તિથી મુંબઈગરા વધુ ખુશ થયા એ હકીકત છે
આપણા સહિત જગતના મોટા ભાગના દેશો ‘ફાઈવ -ડે વર્ક’ના મૂડ અને મોડમાં બરાબર ગોઠવાઈ રહ્યા હતા ત્યાં કોવિડ ત્રાટક્યો પછી તો બધા ‘વર્ક ફ્રોમ હોંમ’ સિસ્ટમમાં ફીટ થઈ જવું પડ્યું.
આ બધા વચ્ચે, જગતભરનાં ‘વર્ક કલ્ચર’-કામ કરવાની પદ્ધતિમાં ફરી એક વાર ક્રાન્તિકારી ફેરબદલાવ આવવાના વાવડ આવી રહ્યા છે.
છ દિવસ નહીં-પાંચ દિવસ પણ નહીં- માત્ર ઘેર બેસીને કામ પણ નહીં..પરંતુ હવે ઑફિસ કાર્યની નવી પદ્ધતિ,જે અમલમાં મૂકવાની છે એ છે : ‘ફોર-ડે વર્ક’ સપ્તાહમાં ચાર દિવસ કામ અને બાકીના દિવસ ત્રણ દિવસ રજા..!
આ કાર્ય પદ્ધતિથી રોજ કામના કલાકો વધી જવાના, પણ નક્કર ત્રણ દિવસની છૂટ્ટીની કલ્પના માત્ર જોબ કરનારા માટે બહુ રોચક છે. સાથોસાથ આ ‘ફોર-ડે વર્ક’ સિસ્ટમમાં જોબ કરનારાના પે પેકેટ’ એટલે પગારમાં ઘટાડો ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સ્ટાફ પણ ખુશ છે.
બેલ્જિયમ-જાપાન – સ્પેન – આઈલેન્ડ- સ્કોટલેન્ડ -ન્યૂઝીલેન્ડ જેવા અનેક દેશમાં ‘ફોર-ડે વર્ક’ને લગતાં સંશોધન તથા પ્રયોગ ચાલી રહ્યાં છે. આમાંથી અમુક દેશોએ તો આ સિસ્ટમને પ્રાથમિક પરવાનગી પણ આપી દીધી છે. ઈંગ્લેન્ડની ૬૧ જેટલી જાણીતી કંપની એકઠી થઈને એમનાં ૩૦૦૦થી વધુ કર્મચારીને લઈને ‘ફોર-ડે વીક’ના નામે પણ એક ગ્લોબલ પ્રોજેકટ શરૂ કર્યો છે,જે જોબ કરનારાની માનસિક – શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે વિભિન્ન પ્રયોગ કરી રહી છે.
એક સૂચન અહીં એવું પણ છે કે સાપ્તાહિક જે ચાર દિવસ કામ કરવાના છે એની પસંદગી ખુદ કર્મચારી કરે પછી એ પસંદગી ધ્યાનમાં રાખીને કંપનીવાળા કામની વહેંચણી કરશે. ૬ મહિના સુધીના આ સંશોધનના અંતે ૭૦ ટકાથી વધારે કર્મચારીઓએ સ્વીકાર્યું છે કે આ ‘ફોર-ડે વર્ક’ને લીધે એમનો શારીરિક તો ઠીક,માનસિક ભાર-તાણ ઘટ્યાં છે.એમને આ સિસ્ટમ ફાવી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ‘પર્પેચ્યુઅલ ગાર્ડિયન’ નામની જાણીતી મલ્ટિનેશનલ કંપનીએ તો આ સિસ્ટમને પોતાની જગતભરની બ્રાન્ચમાં કાર્યરત સુધ્ધાં કરી દીધી છે. જો કે આ કંપની લેડી ચીફ શાર્લોટ લોકહાર્ટે તાજેતરમાં એક ભારતીય આર્થિક દૈનિક ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં શબ્દો ચોર્યા સ્પષ્ટતા કરી છે કે ‘આ ફોર-ડે વર્ક’ની ફોર્મ્યુલા બધી જ કંપનીને એકસરખી લાગુ પડી જાય એ જરૂરી નથી.
પ્રત્યેકે પોતાની સુવિધા અને જરૂરિયાત મુજબ એમાં ફેરફાર કરવા પડશે…’ આની સાથે શાર્લોટે એક વાત પણ રાજીપા સાથે ઉમેરી કે આ ‘ફોર-ડે વર્ક’ પ્રોજેકટ વિશે અનેક ભારતીય કંપનીઓએ પણ અમારી પાસેથી એના વિશે વધુ માહિતી- ડેટા સુધ્ધાં મંગાવ્યાં છે …
આ સિનારિયા વચ્ચે હવે જોવાનું એ રહે છે કે ‘આ ફોર-ડે વર્ક’ સિસ્ટમ આપણે ત્યાં સફળ નીવડશે ખરી?
આના જવાબમાં મતમતાંતર છે. એક ભારતીય કંપનીના ઉચ્ચ હોદ્દેદાર કહે છે : અમને ત્રણેક ભય પજ્વે છે.
એક : કામગીરીના દિવસ ઘટવાથી બધાં જ કામ ચાર દિવસમાં પૂરાં ન પણ થાય. એ બીજા અઠવાડિયા પર જાય.. ટૂંકમાં દર સપ્તાહે કામનો ભરાવો વધતો જાય-એનો બોજો વધતો જાય… બીજો ભય એ છે કે ચાર દિવસની વર્ક સિસ્ટમમાં રોજના ૮ને બદલે ૧૦ કલાકની ડ્યૂટી બજાવવી પડે ,જે કોઈને પણ શારીરિક –
માનસિક રીતે થકવી પણ નાખે. અને ત્રીજો અંદેશો એવો છે કે અમુક ફિલ્ડમાં અમુક કામ ‘ટાઈમ બાઉન્ડ’ હોય એટલે કે ચોક્કસ કલાકની મર્યાદામાં એ પૂરું કરવું પડે… આ બધી શક્યતા આગોતરી વિચારીને જ ‘ફોર-ડે વીક’ની ફોર્મ્યુલા આપણા માટે કેવીક ઉપયોગી એ વિચારવું પડે..’
બીજી તરફ, એવા પણ અનેક ઉદ્યોગ-વેપાર સાહસિક એવા પણ છે જે કહે છે : જ્યાં સુધી આ પ્રયોગનો અમલ નહીં કરીએ ત્યાં સુધી વાસ્તવિકતા સમજાશે નહીં..‘ફાઈવ -ડે વીક’ વખતે પણ આવી શંકા-કુશંકા હતી.
આજે દુનિયાભરમાં ‘મન્ડે ટુ ફ્રાઈડે’ સિસ્ટમ બધાએ હોશે હોંશે સ્વીકારી લીધી છે. કોરોના કાળમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’ કામની પદ્ધતિ કામિયાબ રહી જ છેને!’
સ્ટાફના પગારમાં ઘટ આવશે નહીં ને સાથે રજાના દિવસ વધુ મળતા હોવાથી એ બધા પરિવાર સાથે વધુ સમય ગળી શકશે-રજા માણવા પ્રવાસે જશે પરિણામે પર્યટન વિભાગ ઉપરાંત બીજાં વેપાર-ધંધાની પણ આવક વધશે એવી શક્યતાથી આર્થિક નિષ્ણાતો રાજી છે. એમની સાથે પર્યાવરણશાસ્ત્રીઓ પણ ખુશ છે,કારણ કે લોકો કામે એક દિવસ ઓછા બહાર નીકળે તો ટ્રાફિક ઘટે એની સાથે કાર તેમજ અન્ય વાહનોનાં પ્રદૂષણ પર પણ આપોઆપ અંકુશ આવી જાય.. સરવાળે, ધરતી વધુ લીલીછમ્મ રહે ને હૈયે ટાડક વધે એથી વધુ
સ-રસ સમાચાર ક્યા હોઈ શકે…?!