સ્પોટ લાઈટ : મહેશ્વરી , તમે અહીં? સેનેટોરિયમમાં!
-મહેશ્વરી
કોઈપણ કલાકાર માટે પ્રેક્ષક મહામૂલું ઘરેણું હોય છે. પ્રેક્ષક થકી અભિનેતા ઉજળો બને છે, પણ છાયાભાઈ જેવા પ્રેક્ષકને તો નવ ગજના નમસ્કાર જ કરવા જોઈએ. મેં અને માસ્તરે પ્રભુનો પાડ માન્યો કે છાયાભાઈનો પેંતરો બહુ જલ્દી અમારી નજરમાં અને સમજણમાં આવી ગયો. નહીં તો કોને ખબર, કેવી મુશ્કેલીને આમંત્રણ આપી બેસત. જુહુના દરિયા કિનારા નજીક આવેલા સેનેટોરિયમના ગાર્ડનમાં એક બાંકડા પર સમી સાંજે હું બેઠી હતી ત્યારે આ બધી ઘટના મારી નજર સામે તરવરવા લાગી.
દરિયાના મોજાં કિનારા સાથે અફળાઈ રહ્યાં હતાં એનો અવાજ પણ મારા કાને અથડાતો હતો. મારા અંતરપટમાં પણ સાગર ઘૂઘવી રહ્યો હતો. હું એક વાત બરાબર સમજી ગઈ હતી કે સમય અને સંજોગો મને સાથ નથી દઈ રહ્યા. મારું નસીબ બે ડગલાં આગળ ચાલી રહ્યું હતું. જોકે, હૈયે વિશ્ર્વાસ અને ખાતરી હતા કે એક દિવસ સોનેરી સૂરજ ઊગશે અને એનાં તેજસ્વી કિરણો જીવનમાં રહેલો અંધકાર હટાવી રોશની પાથરી દેશે.
જોગેશ્ર્વરીમાં મારું પોતાનું ઘર છોડીને નીકળી ગઈ હતી કારણ કે ત્યાં મારું કોઈ નહોતું અને દહિસરમાં મારા ભાઈને ત્યાં રહેવા આવી ત્યાં પણ કોઈ મારું નહોતું. દુનિયાની નજરમાં જોગેશ્ર્વરીના ઘરમાં હું મારા પતિ માસ્તર સાથે રહેતી હતી અને દહિસરમાં તો મા જણ્યો ભાઈ હતો. પણ સંબંધો માત્ર લોહીની સગાઈથી નહીં અંતરના તારથી રણકતા હોય છે.
જોગેશ્ર્વરી અને દહિસરમાં તો અંતરના તાર જ તૂટી ગયા હતા.
મેં જ્યારે જૈન ઉપાશ્રયમાં ‘પ્રતિક્રમણ’ નાટક કર્યું હતું ત્યારે એક ધર્મનિષ્ઠ વ્યક્તિએ મને કર્મના સિદ્ધાંતની વાત કરી હતી. ભગવદ ગીતામાં પણ કહ્યું છે ને કે ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’. કર્મ કરતા રહેવું, એનું શું ફળ મળશે એ કોઈના હાથની વાત નથી. એ જ રસ્તે કાયમ આગળ વધી છું અને આજની તારીખમાં પણ એને અનુસરીને જ જીવું છું. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ – ઓ – શામ.
‘આઈ, આઈ, ભૂક લાગલી આહે’ (મમ્મી, મમ્મી, ભૂખ લાગી છે) એવી બચ્ચાઓની બૂમથી હું જાણે કે તંદ્રામાંથી જાગી. ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ઝોલા ખાતું મારું મન વાસ્તવિકતાનો સામનો કરવા સજજ થઈ ગયું. હું બાળકો સાથે જુહુના સેનેટોરિયમમાં રહું છું અને ત્રણ મહિના પછી ઉચાળા ભરી બીજે ઠેકાણે રહેવાની વ્યવસ્થા કરવી પડશે એ યાદ આવી ગયું.
ત્રણ ત્રણ મહિને સેનેટોરિયમ બદલવાની પળોજણમાંથી મુક્ત થવા ભાડાના ઘરમાં રહેવાના પૈસા પણ મારી પાસે નહોતા. પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા કરવી કંઈ આસાન નહોતું. જુહુમાં ત્રણ મહિના પૂરા થાય એ પહેલા મહાલક્ષ્મીના સેનેટોરિયમમાં મેડિકલ સર્ટિફિકેટ આપી જગ્યા બુક કરાવી લીધી હતી.
આ સેનેટોરિયમની વ્યવસ્થાની એક સારી વાત એ હતી કે રહેવા આવતા લોકોએ ઘરવખરી લઈને નહોતું આવવું પડતું. ગેસ – સિલિન્ડર હોય, થોડાં ઘણાં વાસણો હોય અને ઓશિકા – ગાદલાં – ચાદર અને બેડ પણ હોય. આમ પણ મારી પાસે બહુ સામાન હતો પણ નહીં. એક બેગ મારા કપડાંની હતી અને એકમાં છોકરાઓનાં કપડાં ભયાર્ં હતા.
જુહુ સેનેટોરિયમની ત્રણ મહિનાની મુદત પૂરી થઈ અને બાળકોને લઈ હું પહોંચી મહાલક્ષ્મી સેનેટોરિયમ. જુહુમાં દરિયા કિનારો અને સેનેટોરિયમના બગીચા માટે બાળકોને બહુ લગાવ થઈ ગયો હોવાથી આ જગ્યા નથી છોડવી એવી એમણે જીદ કરી, પણ ‘મહાલક્ષ્મીમાં વધારે મજા આવશે’ એવી મારી સમજાવટથી બાળકો માની ગયાં.
નજીકમાં જ મહાલક્ષ્મી માતાનું મંદિર હતું. ‘માતાજી, રક્ષા કરજો’ એવી મનોમન પ્રાર્થના કરી સેનેટોરિયમ પહોંચી ગયા. આવ્યા બાદ ખબર પડી કે સિદ્ધહસ્ત નાટ્યલેખક પ્રાગજી ડોસાના જમાઈ આ સેનેટોરિયમમાં ટ્રસ્ટી હતા.
હું આવી છું એની જાણ થતા જમાઈ તરત મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે ‘અરે મહેશ્ર્વરી બહેન! તમે અહીં!’ ‘મેં માત્ર સ્મિત કરી કહ્યું કે ’ હા, હું અહીં.’ ચા પાણી પીધા અને કહેવા લાગ્યા કે તમારાં ઘણાં નાટકો જોયા છે. મારા સસરા (પ્રાગજી ડોસા)ને તમારા અભિનય કૌશલ માટે ખૂબ આદર હતો. તમારાં નાટકો વિશે અવારનવાર વાતો પણ કરતા. ખાસ તમને ધ્યાનમાં રાખી તેમણે કેટલાંક નાટકો પણ લખ્યાં હતાં. આ બધું મને યાદ છે.
બોલતા બોલતા તેમનો અવાજ લાગણીભીનો થઈ ગયો. બે ઘડી માટે ચૂપ થઈ ગયા અને બારી બહાર દૂર આકાશમાં તાકવા લાગ્યા અને પછી એકદમ સ્વસ્થ થઈ મને કહ્યું કે ‘તમારે આમ ત્રણ ત્રણ મહિને એક સેનેટોરિયમથી બીજા સેનેટોરિયમ ફરતા રહેવાની જરૂર નથી. બોરીવલીના યોગીનગરમાં મારા ફ્રેન્ડનો એક ફ્લેટ છે.
એમના ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા હું કરી આપીશ, ત્યાં રહેવા જતા રહેજો. મહાલક્ષ્મી આવતાવેંત ‘માતાજી, રક્ષા કરજો’ એ કરેલી મારી પ્રાર્થનાનો જાણે આ પ્રત્યુત્તર હતો એવું માનવાનું મન મને થયું. બધા દરવાજા બંધ થાય ત્યારે ઈશ્ર્વર એક બારી ઉઘાડી દેતો હોય છે એનો ફરી એકવાર મને અનુભવ થયો.
ઘણા દિવસે મને ગાઢ નિંદર આવી. સવારે મંદિર જઈ દર્શન કરી આવી અને મનોમન માતાજીનો આભાર પણ માની લીધો. એ વખતે મારા ‘પતિવ્રતા’ નાટકના શો ચાલતા હતા. એક દિવસ બપોરે મારો શો હતો અને સવારના પહોરમાં દહિસરથી વલ્લભ ભાઈ કરીને એક ભાઈ સરનામું શોધતા શોધતા આવી ચડ્યા. મને કહે કે ‘બહેન, તમારા માતુશ્રી ગુજરી ગયાં છે. તમારે અત્યારે જ દહિસર આવવાનું છે.’
માના અવસાનના સમાચાર સાંભળી કોઈપણ દીકરી ભાંગી પડે, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે, જાત પર કાબૂ ગુમાવી બેસે… પણ મારી સાથે આમાંનું કશું જ ન થયું. મેં પપ્પાની હત્યા કરી છે એવું મારી હાજરીમાં મારાં ભાઈ બહેનોના મગજમાં ઠસાવી દેનારી માતા માટે સ્નેહ – લાગણી રહે ખરા? પણ મોતનો મલાજો તો જાળવવો જ જોઈએ. હું તરત દહિસર પહોંચી. માના અંતિમ દર્શન કર્યા, હાથ જોડી પ્રભુને ‘એમના આત્માને શાંતિ આપજો’ એવી વિનવણી કરી અને પહોંચી સીધી થિયેટર પર. ‘પતિવ્રતા’ નાટકનો શો પતાવી રાત્રે સેનેટોરિયમ પાછી ફરી આડે પડખે થઈ અને આઈ બાબા (મમ્મી – પપ્પા) સાથેની બધી વાત એક પછી એક યાદ આવવા લાગી. જોકે, મન સ્વસ્થ હતું, કારણ કે પ્રાગજીભાઈના જમાઈએ યોગી નગરના ઘરની વ્યવસ્થાની કરેલી વાતથી જીવને ઘણા વખતે નિરાંત થઈ હતી.
એક જ શોમાં એક પાત્ર, બે અભિનેતા
‘શો મસ્ટ ગો ઓન’ સિદ્ધાંતોને વરેલી રંગભૂમિના દરેક ભાષાનાં અનેક નાટકોના ઉદાહરણ મળી આવે જેમાં એક શોમાં કોઈ પાત્ર જે અભિનેતાએ ભજવ્યું હોય અને અચાનક કોઈ કારણસર પછીનો શો એ કરી ન શકે તો એ પાત્રમાં બીજા કલાકારને ગોઠવી નાટકની ભજવણી કરવામાં આવે છે.
મેં પોતે શ્રી દેશી નાટક સમાજના પ્રારંભિક દિવસોમાં રક્ષા દેસાઈ અચાનક માંદી પડી જતાં બીજા શોમાં એનું પાત્ર ભજવ્યું હતું. રિપ્લેસમેન્ટ’ – બદલીનો કલાકાર તરીકે ઓળખાતી આ વ્યવસ્થા વર્ષોથી રંગભૂમિ સાથે નાતો ધરાવે છે. જોકે, નવી રંગભૂમિ સાથે હું સંકળાઈ ત્યારે એક સાથી કલાકારે જણાવેલ ‘રિપ્લેસમેન્ટ’ કિસ્સાની જોડ જડવી મુશ્કેલ છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર કચરો જામી ગયો છે, એટલે…
નાટકનું નામ લગભગ ‘બાજીગર’ હતું અને દિન્યાર કોન્ટ્રેક્ટરના નિર્માણ હેઠળ ભજવાતું હતું. કોઈ કારણસર મુસાફરીમાં અટવાઈ જવાથી દીપક ઘીવાલા શોના સમયે થિયેટર પર પહોંચી શકે એમ નહોતા. ફર્સ્ટ બેલ વાગી ત્યારે દીપકભાઈ નહીં દેખાતા ફિલ્મના ડિરેક્ટર ફિરોઝ ભગતે શો તો થશે જ એમ જણાવી દિપકભાઈના રોલ માટે પોતે જ એન્ટ્રી લીધી. ડિરેક્ટર હોવાથી ડાયલોગ, મુવમેન્ટ, એન્ટ્રી ક્યારે છે – એક્ઝિટ ક્યારે લેવાની છે એ બધું જાણતા હતા.
પડદો ખુલ્યો, નાટક ચાલ્યું અને ફિરોઝ ભગતે હાજરી પુરાવી દીધી. પછી થયું એવું કે ઈન્ટરવલને થોડી વાર હતી ત્યાં દીપકભાઈ થિયેટર પર પહોંચી ગયા અને મધ્યાંતર પછી પોતાનું પાત્ર ભજવ્યું. એક જ પાત્રમાં ઈન્ટરવલ પહેલા અને ઈન્ટરવલ પછી બે જુદા જુદા એક્ટરને જોઈ પ્રેક્ષકોને ક્ષણિક અચરજ થયું, પણ પછી આ પ્રયાસને તાળીઓના ગડગડાટથી બિરદાવી લીધો. આવો અખતરો કરનારું આ સંભવત: એકમાત્ર નાટક હશે. (સંકલિત)