‘મુખ્યમંત્રી માઝી લાડકી બહેન’ યોજનામાંથી તે મહિલાઓને બાકાત રાખવામાં આવશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં લાડકી બહેન યોજનાને લઈને મહત્વની જાહેરાત કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીતમાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ’ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શિંદે સરકાર હેઠળની આ યોજના હેઠળ, 18 થી 60 વર્ષની વયની પાત્ર મહિલાઓને તેમના બેંક ખાતામાં દર મહિને 1500 રૂપિયા આપવામાં આવ્યા હતા. મહાયુતિએ આ રકમ 2100 કરવાનું વચન આપ્યું હતું.
નવી સરકાર આવ્યા બાદ ‘લાડકી બહેન’ યોજનાના લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવશે તેવા સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. મુખ્ય પ્રધાન ફડણવીસે પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે લગાવી ફિલ્ડિંગ?, મહત્વપૂર્ણ બેઠક પહેલાં પડદા પાછળની મોટી હિલચાલ
અમે લાડકી બહેન યોજના ચાલુ રાખીશું. અમે મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપીશું. અમે આ યોજનાના બજેટની સમીક્ષા કરીશું. સાથે જ જે વચનો આપેલ છે તે પૂરા કરવામાં આવશે. સાથે જ પાત્રતાના માપદંડની બહારની વ્યક્તિને યોજનામાંથી બાકાત રાખવામાં આવશે.
જો માપદંડની બહારની કોઈ વ્યક્તિએ આ યોજનાનો લાભ લીધો હોય, તો અમે તેના પર ફેરવિચાર કરીશું. પરંતુ, આ આખી યોજના પર પુનર્વિચાર કરવાની કોઈ વિચારણા નથી, એમ ફડણવીસે કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ વિરોધીઓનું પણ સન્માન કરશે.
રાજ્ય કેબિનેટનું વિસ્તરણ નાગપુર સત્ર પહેલા કરવામાં આવશે. કૅબિનેટની ફાળવણી અંગેની મોટા ભાગની બાબતો ફાઈનલ થઈ ગઈ છે. કેટલાક ખાતાઓ વિશે પ્રશ્ર્ન છે, પરંતુ અમે સાથે બેસીને તેનો ઉકેલ લાવીશું એમ તેમણે જણાવ્યું હતું. અમે મુંબઈના સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરીશું. 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ત્યાર બાદ રાજ્યપાલનું સંબોધન કરવામાં આવશે. મુંબઈમાં ત્રણ દિવસનું વિશેષ સત્ર યોજાશે. રાજ્યપાલને તેની ભલામણ કરવામાં આવી છે, એમ ફડણવીસે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી વધવાથી કોને ફાયદો થશે? દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો દાવો…
દેવેન્દ્ર ફડણવીસે પહેલી સહી મુખ્ય પ્રધાન રાહત ભંડોળની ફાઈલ પર કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાનના શપથ લીધા પછી મુખ્ય પ્રધાન રાહત ભંડોળની ફાઇલ પર દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે પુણેના દર્દી ચંદ્રકાંત શંકર કુર્હાડેને બોન મેરો ટ્રાન્સન્લાન્ટ માટે પાંચ લાખ રૂપિયાની સહાય મંજૂર કરી હતી. ચંદ્રકાંતની પત્નીની અપીલ પર આ સહાય મંજૂર કરવામાં આવી છે.