ડ્રગ્સ મુદ્દે કેજરીવાલના સરકાર પર પ્રહાર; કહ્યું ગુજરાત બની ગયું “ડ્રગ્સનું હબ”…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. દિલ્હી વિધાનસભા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ડ્રગ્સ અને દિલ્હીની કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. દિલ્હીમાં મળી આવેલા ડ્રગ્સ મુદ્દે તેમણે કહ્યું કે તે ગુજરાતમાંથી આવ્યું હતું. ગુજરાતમાંથી ડ્રગ્સ આખા દેશમાં પહોંચતુ હોવાનો પણ તેમણે આરોપ કર્યો છે.
આ પણ વાંચો : CBI એ કર્યો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, આટલા કરોડની છેતરપિંડીનો ખુલાસો…
દિલ્હીમાં આવતું ડ્રગ્સ ગુજરાતનું
દિલ્હી વિધાનસભા સત્રના છેલ્લા દિવસમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકો મને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ આ ડ્રગ્સ ક્યાંથી આવે છે? દિલ્હીમાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થતું નથી. 1 ઓક્ટોબરે મહિપાલપુરમાં 562 કિલો કોકેઈન અને 40 કિલો ગાંજો ઝડપાયો હતો, તે ગુજરાતમાંથી આવ્યું હતું. કુલ 1289 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી દરમિયાન જ રૂ. 30,959 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાંથી 30 ટકા એકલા ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું.
મુન્દ્રા બંદરેથી આવી રહ્યું છે ડ્રગ્સ
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે સપ્ટેમ્બર 2021માં મુંદ્રા પોર્ટ પરથી ત્રણ હજાર ટન જેટલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે ડ્રગ્સ આવી રહ્યું છે. તેની ફેક્ટરીઓ ગુજરાતમાં સ્થપાયેલી છે અને ત્યાંથી તેને પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી દરેક જગ્યાએ મોકલવામાં આવે છે.
આ પણ વાંચો : ISRO ના Proba-3 મિશનનું લોન્ચિંગ મોકૂફ રખાયું, જાણો સમગ્ર મિશન અંગે
ડ્રગ્સનો ગઢ બની ગયું ગુજરાત
તેમણે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, દેશમાં ડ્રગ્સ પર નિયંત્રણની જવાબદારી ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયની છે. પરંતુ તેના નાકની નીચે ગુજરાતમાંથી સમગ્ર દેશમાં ડ્રગ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમનું ગૃહ રાજ્ય ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની ગયું છે.