પુનર્વિકાસ પ્રોજેક્ટમાં બાધા ઊભી કરનારને હાઇ કોર્ટે ફટકાર્યો પાંચ લાખ રૂપિયાનો દંડ
મુંબઈ: પુનર્વિકાસ પ્રોજેક્ટો સામે કરાતી નકામી અરજીઓ પર નારાજગી વ્યક્ત કરતા બૉમ્બ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે પ્રોજેક્ટોને અટકાવવા માટે આ તદ્દન હલકી પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે.
હાઇ કોર્ટે ૧૨મી નવેમ્બરે ૬૭ વ્યક્તિની એક અરજીને ફગાવી દીધી હતી જે ૮૩ વર્ષ જૂના બંગલોમાં ૧૯૯૫થી ભાડુત તરીકે રહેતા હતા અને તેઓએ તે બંગલો ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો.
અરજદાર ખિમજીભાઇ હરજીવનભાઇ પટાડિયાને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારતા હાઇ કોર્ટે કહ્યું હતું કે અમને આશા છે કે આ દંડને કારણે હલકી અને નકામી અરજીઓ કરવાના પ્રમાણમાં ઘટાડો થશે.
આપણ વાંચો: શું થશે 66 ઇમારતોનું: પુનર્વિકાસ પડતો મૂકાયો હવે થશે ફક્ત…
ભાડુતોના અધિકારનો દાવો કરીને અરજદારે આક્ષેપ કર્યો હતો કે મકાનમાલિક દ્વારા કોઇ પણ હાલતમાં અને કોઇ પણ રીતે મકાન ખાલી કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે પુનર્વિકાસના કામમાં બાધા ઊભી કરવા માટે આ અરજી કરવામાં આવી છે, જ્યારે કે અન્ય બધા ભાડુતોએ બંગલો ખાલી કરી દીધો છે. કોર્ટના આ આદેશની નકલ બુધવારે પ્રાપ્ત થઇ હતી.
કાંદિવલીમાં ૧૯૪૦માં ૪,૪૦૦ ચો. ફૂટની જગ્યા માં ‘બુબના બંગલો’ બનાવવામાં આવ્યો હતો. આ મિલકત શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલો છે અને તે જગ્યાની કિંમત પણ વધુ છે. અરજદારને તે બરાબર ખબર છે તેથી તે પુનર્વિકાસમાં બાધા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, એમ કોર્ટે કહ્યું હતું.
આપણ વાંચો: રમાબાઈ આંબેડકર નગર પુનર્વિકાસ 16 હજાર રહેવાસીઓને જુલાઈ સુધીમાં પાત્રતા
આ પ્રકારની અરજીઓ બહુ સારી રીતે ખંડણી વસૂલ કરવાનો પ્રકાર છે અને ભાડુતો દ્વારા કરાતા વાંધાજનક વર્તન પર લગામ લગાવવાની જરૂર છે, એમ કોર્ટે જણાવ્યું હતું.