એકસ્ટ્રા અફેર

મુસ્લિમોની વધતી વસ્તીને રોકવા કાયદો લાવવો પડે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં એક તરફ સતત વધી રહેલી વસતીના વધારાને રોકવા માટે કાયદો લાવવાની માગ થઈ રહી છે ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વસ્તી વધારાના દરમાં ઘટાડાને મુદ્દે ચિંતા વ્યક્ત કરીને આશ્ર્ચર્ય સર્જ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગવતે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડાને ચિંતાનો વિષય ગણાવીને કહ્યું કે. આધુનિક વસ્તીશાસ્ત્ર કહે છે કે કોઈ સમાજમાં મહિલાઓનો ફળદ્રુપતાનો દર (ફર્ટિલિટી રેટ) એટલે કે પ્રજનન દર ૨.૧ થી નીચે જાય છે ત્યારે તે સમાજ ધીરે ધીરે પૃથ્વી પરથી વિલુપ્ત થઈ જાય છે.


Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?


આ રીતે ઘણી ભાષાઓ અને સમાજોનો નાશ થયો છે તેથી ભારતે સતર્ક થવાની જરૂર છે અને આપણો પ્રજનન દર. ૨.૧ થી નીચે ન હોવો જોઈએ. ભાગવતના કહેવા પ્રમાણે, ભારતમાં દરેક પરિવારે ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરવાં જોઈએ.

ભાગવત કે કોઈ પણ હિંદુવાદી નેતા પરિવારની વાત કરે ત્યારે તેનો અર્થ હિંદુ સમાજ જ સમજવો. મુસ્લિમોને તો આમ પણ વધારે બાળકો પેદા કરવાની સલાહની જરૂર નથી.

ભાગવતના કહેવા પ્રમાણે, આપણા દેશની વસ્તી નીતિ ૨૦૦૨માં નક્કી કરવામાં આવી ત્યારે તેમાં પણ એ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સમાજને ટકાવી રાખવો હોય તો પ્રજનન દર ૨.૧ થી ઓછો ન હોવો જોઈએ તેથી આપણા દરેક પરિવારને બે કે ત્રણ બાળકોની જરૂર છે.

ભાગવતનું નિવેદન આશ્ર્ચર્યજનક એ રીતે છે કે, ભાગવત પોતે જ પહેલાં વસ્તી વધારાને રોકવાની જરૂરીયાત પર ભાર મૂકી ચૂક્યા છે.

૨૦૨૨ના જુલાઈમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહેલું કે, ખાધા કરવાનું અને બાળકો પેદા કરવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે તેથી મનુષ્યે માત્ર બાળકો પેદા ના કર્યા કરવાં જોઈએ.

માત્ર જીવતા રહેવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. માણસની અનેક ફરજો છે ને તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. એ પહેલાં ૨૦૨૧માં નાગપુરમાં દશેરાએ કરેલા સંબોધનમાં તો ભાગવતે વસ્તી વધારાને રોકવા માટે કાયદો લાવવાની તરફેણ કરી હતી. આ પ્રવચનમાં ભાગવતે સૌથી મહત્ત્વની બે વાત હિંદુ ધર્મમાં પ્રબળ બનતી જતી જ્ઞાતિપ્રથા અને વસ્તી વધારાને રોકવા માટે જરૂરી નીતિની કરી હતી. ભાગવતે કહ્યું કે, આજે પણ દેશમાં સામાજિક ચેતના જ્ઞાતિવાદની લાગણીથી ગ્રસિત થયેલી છે, દૂષિત થયેલી છે. ભારતમાં જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે ને લોકો જ્ઞાતિવાદને આધારે જ બધું નક્કી કરે છે.

ભાગવતે વસ્તી વધારા મુદ્દે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, ભારતમાં વસ્તીનું અસંતુલન સમસ્યા બની ગયું છે એ જોતાં વસ્તી વધારા નીતિ અંગે ફરી વિચારણા કરવી જોઈએ અને હવે પછીની નીતિ ૫૦ વર્ષ માટે બનાવવી જોઈએ. ભાગવતે આ નીતિનો અમલ સમાનતાના આધાર પર કરવાની તરફેણ કરી.

મતલબ કે, કોઈ ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેથી પર રહીને સમાનતાના આધારે તમામ માટે નિયમો લાગુ કરવા જોઈએ.

ભાગવતના આ નિવેદનને સૌએ વખાણેલું કેમ કે મુસ્લિમોની વધતી જતી વસ્તીનો મુકાબલો કરવા માટે હિંદુવાદીઓનો એક વર્ગ પણ હિંદુઓએ વધારે બાળકો પેદા કરવાં જોઈએ એવી રેકર્ડ ક્યારનો વગાડ્યા કરે છે. ભાગવતે તેનાથી અલગ સૂર કાઢીને હિંદુઓ અને મુસ્લિમો સહિત બધાં વસ્તી વધારાને રોકવામાં યોગદાન આપે અને તેના માટે કાયદો ઘડાય તેની તરફેણ કરી હતી.

દેશમાં પહેલાં જ વસ્તી વિસ્ફોટ થઈ ચૂક્યો છે ત્યારે વધુ બાળકોની વાત યોગ્ય નથી એવી સમજદારીની વાત કરવા બદલ ભાગવતને સૌણ વખાણેલા પણ અત્યારે ભાગવતે જે વાત કરી છે એ જોતાં લાગે છે કે તેમની સમજદારી પણ હવા થઈ ગઈ છે. ભાગવત પણ ટીપીકલ હિંદુવાદીઓ જેવી વાતો કરવા માંડ્યા છે.

ભાગવતની એ વાત સાચી છે કે, સમાજને ટકાવવો હોય તો દંપતીદીઠ બે બાળકો હોવાં જોઈએ પણ ભારત એ તબક્કો ક્યારનો વટાવી ચૂક્યો છે.

૧૯૫૧ કે ૧૯૬૧માં આ વાત બરાબર હતી કેમ કે એ વખતે દેશની વસ્તી એટલી બધી નહોતી. અત્યારે આપણે સત્તાવાર રીતે જ ૧૪૫ કરોડ છીએ ને દરેક દંપતિ બે બાળકો પેદા કર્યા કરે તો આપણી વસ્તી ૧૪૫ કરોડની આસપાસ જળવાય. આ દેશમાં કુદરતી સ્રોત અને રોજગારી સહિતની તકોને જોતાં ૧૪૫ કરોડની વસતી એક બોજ ગણાય એ જોતાં બે બાળકોની વાત યોગ્ય નથી.

ભાગવત સહિતના તમામ કહેવાતા હિંદુવાદી નેતાઓની તકલીફ એ છે કે, એ લોકો હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની સૂફિયાણી સલાહો આપે છે પણ આ બાળકોનો ઉછેર કઈ રીતે કરવો, તેમનું પૂરંતુ કઈ રીતે કરવું, તેમને સારું શિક્ષણ કઈ રીતે આપવું, તેમને સારી રોજગારી કઈ રીતે આપવી એ વિશે વિચારતા નથી.

તેમને ઘેટાંનાં ટોળાં પેદા કરીને વાડા ભરવામાં રસ છે પણ આ રીતે વાડા ભરવાથી કોઈ ધર્મ કે સમાજ ના ટકે. સમાજને ટકાવવા આર્થિક મજબૂતાઈ આપવી પડે, લોકોનાં જીવન સુખમય બનાવવાં પડે. ભાગવત સહિતના નેતાઓએ તેના વિશે વિચારવાની જરૂર છે.

આ દેશને ખરી જરૂર વસ્તી વધારાને રોકતા કાયદાની છે કેમ કે જે રીતે વસ્તી વધી રહી છે તેના કારણે સમસ્યાએ તો વધી જ રહી છે પણ સામાજિક સંતુલન પણ ખોરવાઈ રહ્યું છે. થોડા સમય પહેલાં ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટર (ઙખ-ઊઅઈ) નો રિપોર્ટ બહાર આવેલો.

આ રિપોર્ટ પ્રમાણે, આઝાદીથી અત્યાર સુધીમાં ભારતમાં દેશની વસ્તીમાં હિંદુઓના પ્રમાણમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમોની વસ્તીના પ્રમાણમાં ૪૩ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓની વસ્તીના પ્રમાણમાં ૫.૩૮ ટકા, શીખોમાં ૬.૫૮ ટકા અને બૌદ્ધોમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. મતલબ કે, ભારતમાં હિંદુઓનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટ્યું તેના કારણે બીજા ધર્મનાં લોકોની વસ્તીનું પ્રમાણ વધ્યું છે.


Also read: એકસ્ટ્રા અફેર : બિડેને ટ્રમ્પ માટે કાંટાળો રસ્તો તૈયાર કરી દીધો…


આઝાદી પછી પહેલી વસ્તી ગણતરી ૧૯૫૧માં કરાઈ હતી. એ વખતે દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો ૯.૮૪ ટકા હતો. ૬૫ વર્ષમાં દેશની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો વધીને ૧૪.૦૯ ટકા થયો છે.

મુસ્લિમોમાં વસ્તી વધારાનો દર દેશના વસ્તી વધારાના દરથી ઘણો ઊંચો છે એવું સરકારના વસ્તી વધારાના આંકડા કહે છે. તેના કારણે ભવિષ્યમાં સર્જાનારી સમસ્યાઓને રોકવાનો ઉપાય વસ્તી નિયંત્રણનો કાયદો છે.

આ દેશની કહેવાતી હિંદુવાદી સરકારમાં એવો કાયદો બનાવવાની હિંમત છે ? આ દેશના મોહન ભાગવત જેવા કહેવાતા હિંદુવાદી નેતાઓમાં કહેવાતી હિંદુવાદી સરકારને એવો કાયદો લાવવાની ફરજ પાડવાની તાકાત છે ? આ સવાલોના જવાબ બધાં જાણે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button