આરોપી અને પીડિતા ગુમ હોવાથી કોર્ટે રૅપના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો
થાણે: આરોપી અને પીડિતાની હાલમાં કોઈ માહિતી મળતી ન હોવાનું નોંધીને કોર્ટે શંકાનો લાભ આપી 2007ના સગીરા પર બળાત્કારના કેસમાં 40 વર્ષના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.
એડિશનલ સેશન્સ જજ અમિત એમ. શેટેએ આદેશમાં જણાવ્યું હતું કે આ ખટલો ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.
તપાસકર્તા પક્ષ આરોપી સામેના આરોપોને શંકાથી પર સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાનું કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.
ફરિયાદી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે ઘટના સમયે સગીરા 14 વર્ષની હતી. આરોપી થાણેના વર્તક નગર પરિસરની ઝૂંપડપટ્ટીમાં સગીરાની પડોશમાં રહેતો હતો. 16 માર્ચ, 2007ના રોજ પીડિતા ઘરમાં એકલી હતી ત્યારે ઘરમાં ઘૂસેલા આરોપીએ તેની સાથે કથિત બળાત્કાર કર્યો હતો.
ઘટનાને પગલે પીડિતા બેભાન થઈ ગઈ હતી. પીડિતા જ્યારે ભાનમાં આવી ત્યારે તે હૉસ્પિટલમાં હતી, એવું ફરિયાદી પક્ષે જણાવ્યું હતું.
આ પણ વાંચો : થાણેના હેલિપેડ પર ઉતરતાં જ એકનાથ શિંદેએ દીપક કેસરકર સાથે કરી ખાનગી ચર્ચા: મીડિયાને કોઈ જવાબ ન આપ્યા
જજે નોંધ કરી હતી કે આરોપી અને પીડિતા પડોશમાં રહે છે. બન્ને એકબીજાની નિકટ આવ્યાં હોવાની શક્યતા નકારી શકાય નહીં. પીડિતાની અચૂક ઉંમર દર્શાવતા કોઈ દસ્તાવેજ પણ રજૂ કરાયા નથી. ઘટના સમયે પીડિતા 14 અથવા 16 વર્ષની હોઈ શકે છે.
વળી, બળાત્કારના ગંભીર આરોપો પુરવાર થઈ શકે એવા કોઈ પુરાવા રજૂ કરાયા નથી. આવા કિસ્સામાં વધુમાં વધુ એવો અર્થ તારવી શકાય કે આરોપી પીડિતાના ઘરમાં ઘૂસ્યો હતો અને તેનો વિનયભંગ કર્યો હતો. એ સિવાય, આરોપી અને પીડિતા સહિત સાક્ષીઓની કોઈ ભાળ પણ મળી રહી નથી. તેથી આ ખટલો અનિશ્ર્ચિત સમય સુધી પેન્ડિંગ રાખવાનો કોઈ અર્થ નથી, એવું જજે નોંધ્યું હતું.