‘હાઈવે બ્લોક ન કરવો જોઈએ…’, સુપ્રીમ કોર્ટે આંદોલન કરી રહેલા ખેડૂતોને સલાહ આપી
દિલ્હી: હાલ ખેડૂતો નોઇડાથી દિલ્હી તરફ કુચ કરી (Farmers Delhi March) રહ્યા છે, જેને કારણે દિલ્હી-નોઇડા બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એવામાં આજે જ સુપ્રીમ કોર્ટે (Supreme court) આદોલન દરમિયાન ખેડૂતના હાઈવે રોકવાના પગલા અંગે મહત્વની ટિપ્પણી કરી છે. પંજાબ અને હરિયાણા વચ્ચે ખનૌરી બોર્ડર પર બેઠેલા ખેડૂતોને સલાહ આપતા કોર્ટે કહ્યું છે કે તેમના આંદોલનથી સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ.
કોર્ટે કહ્યું પ્રદર્શન દરમિયાન હાઈવે જામ ન કરવો જોઈએ. આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને સલાહ આપવામાં આવી હતી. કોર્ટે તેમને લોકોની સુવિધાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટેની સલાહ:
પોલીસે દલ્લેવાલને ખનૌરી બોર્ડરથી અટકાયતમાં લીધા હતા. તેમને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. આ પછી તેઓ ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં તમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી શકો છો પરંતુ લોકોને અગવડ ન પહોંચાડો.
આ પણ વાંચો…વિધાતા તને આ શું સૂઝ્યું? IPS અધિકારીનો નોકરીનો પહેલો દિવસ અને…
દલ્લેવાલને 26 નવેમ્બરે ખનૌરી બોર્ડરથી અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. દલ્લેવાલ એમએસપીની ગેરંટી માટે કાયદો બનાવવા સહિતની અનેક માંગ સાથે આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતાં.
કોર્ટે કહ્યું કે ખનૌરી સરહદ પંજાબ માટે લાઈફલાઈન સમાન છે. કોર્ટે કહ્યું કે પ્રદર્શન યોગ્ય છે કે અયોગ્ય એ અંગે તેઓ હાલમાં કોઈ અભિપ્રાય નહીં આપે. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે જનતાને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.