એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
- ભરત ભારદ્વાજ
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું એવું કહેવાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા માર્ક ઝકરબર્ગના કિસ્સામાં આ વાત સાચી પડી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને જેલમાં મોકલવાની ધમકી આપી હતી, પણ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાતાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું હૃદયપરિવર્તન થઈ ગયું.
ટ્રમ્પે માર્ક ઝકરબર્ગને નોતરું આપીને ફ્લોરિડામાં તેમના હોમ કમ રિસોર્ટ માર-એ-લાગોમાં બોલાવ્યા અને બંનેએ સાથે મળીને ડિનર પણ લીધું. જોકે હૃદયપરિવર્તન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું નથી થયું, પણ માર્ક ઝકરબર્ગનું પણ થયું છે. ઝકરબર્ગ ૨૦૨૪ની ચૂંટણીમાં બહુ સક્રિય નહોતો, પણ ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવામાં પૂરી તાકાત લગાવી દીધી હતી. હવે ઝકરબર્ગે પણ ટ્રમ્પ સાથે હાથ મિલાવી લેવામાં શાણપણ સમજ્યું છે.
ટ્રમ્પની બીજી ઈનિંગ માટે વ્હાઈટ હાઉસમાં ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ તરીકે નિયુક્ત સ્ટીફન મિલરે આપેલી માહિતી પ્રમાણે, ટ્રમ્પ સાથે ખરાબ સંબંધો બાદ ઝકરબર્ગ તેમની કંપનીની ઈમેજ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઝકરબર્ગ અન્ય ઉદ્યોગપતિઓની જેમ ટ્રમ્પની આર્થિક યોજનાઓને સમર્થન આપવા માગે છે.
Also read: એકસ્ટ્રા અફેર: સની ટોરન્ટોને ક્લીન ચિટ, કૅનેડા આતંકીઓને કંઈ નહીં કરે
મિલરના કહેવા પ્રમાણે, માર્ક ઝકરબર્ગના પોતાના રસ છે અને તેની પોતાની કંપની છે, તેનો પોતાનો એજન્ડા છે, પણ ઝકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે પોતે ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના રાષ્ટ્રીય વિકાસને સમર્થન આપવા માગે છે. ઝકરબર્ગે આ મુદ્દે કશું કહ્યું નથી, પણ ઝકરબર્ગની કંપની મેટાએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે અને હવે પછીનો તબક્કો અમેરિકન ઈનોવેશન માટે મહત્ત્વનો હોવાનું કહીને ટ્રમ્પને આડકતરી રીતે ટેકો આપી દીધો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝકરબર્ગના સંબંધો અચાનક મધુરા બની ગયા તેના કારણે સૌ આશ્ર્ચર્યચકિત છે કેમ કે બંને વચ્ચે છેલ્લા એક દાયકાથી કૉલ્ડ વૉર ચાલે છે. ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે ફેસબુકે ટ્રમ્પને હરાવવા બહુ ધમપછાડા કરેલા, પણ ટ્રમ્પ જીતી ગયેલા.
ટ્રમ્પે એ પછી ફેસબુકને પતાવી દેવા બહુ મથામણ કરી, પણ ફાવ્યા નહોતા. ઝકરબર્ગે ૨૦૨૦ની ચૂંટણીમાં બિડેનતરફી વલણ લેતાં ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક ઝકરબર્ગ વચ્ચેની દુશ્મનાવટ ઘેરી બની હતી. ઝકરબર્ગે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવામાં મદદ કરેલી તેથી ટ્રમ્પને તેના તરફ ખાર થઈ ગયો. ટ્રમ્પે બિડેન સામે હારી ગયા પછી આક્ષેપ કરેલો કે, ઝકરબર્ગે પોતાને હરાવવાની સોપારી લીધી હતી.
ઝકરબર્ગને સોશિયલ મીડિયા પર ટક્કર આપવા ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ શરૂ કરેલું, પણ એ ચાલ્યું નથી. ૨૦૨૪ની ચૂંટણી પહેલાં ઝકરબર્ગના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને ખાળવા માટે ટ્રમ્પે એલન મસ્ક સાથે હાથ મિલાવી લીધા હતા.
ટ્રમ્પે જ મસ્કને ટ્વિટર ખરીદવા પ્રોત્સાહિત કર્યો અને મસ્કે ટ્રમ્પની મદદથી ટ્વિટર હસ્તગત કર્યું પછી ફેસબુકને પતાવવા માટે બંને પૂરી તાકાતથી મચી પડ્યા પણ હતા. મસ્કે ટ્રમ્પની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે ને મસ્ક ટ્રમ્પની સરકારમાં સાવ નવા બનાવેલા વિભાગનો વડો બનવાનો છે તેના પરથી જ બંનેના ગાઢ સંબંધો સ્પષ્ટ થઈ જાય છે.
ઝકરબર્ગ અને ટ્રમ્પની દુશ્મનાવટ ૨૦૨૦ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પછી પણ ચાલુ રહી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં યુએસની સંસદ એટલે કે કૅપિટોલમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા આચરાયેલી હિંસા પછી માર્ક ઝકરબર્ગે ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
બે વર્ષ બાદ ૨૦૨૩માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો, પણ એ પહેલાં ટ્રમ્પ અને ઝકરબર્ગ વચ્ચેના સંબંધો બગડી ચૂક્યા હતા. ૨૦૨૪માં ઝકરબર્ગે ચૂંટણી પહેલાં ટ્રમ્પને સમર્થન આપ્યું ન હતું. ઝકરબર્ગે ૨૦૨૪ની ચૂંટણી દરમિયાન કોઈ ઉમેદવારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું નહોતું.
બીજી તરફ ટ્રમ્પે ચૂંટણીપ્રચારમાં માર્ક ઝકરબર્ગને ધમકી આપેલી કે, પોતે સત્તામાં આવશે તો ઝકરબર્ગની બાકીની જિંદગી જેલમાં જશે. ટ્રમ્પ ઝકરબર્ગ માટે ઝકરસ્કમ્સ શબ્દો વાપરે છે તેનો ઉપયોગ કરીને સતત ઝકરબર્ગ વિરુદ્ધ બોલ્યા કરે છે. ટ્રમ્પે જુલાઈમાં સેવ અમેરિકા બુક લોંચ કરી તેમાં લખેલુ કે, ૨૦૨૦ની ચૂંટણીમાં માર્ક ઝકરબર્ગે ફેસબુકનો ઉપયોગ પોતાની વિરુદ્ધના પ્રચાર માટે થવા દીધો હતો.
ઝકરબર્ગ ૨૦૨૪ની ચૂંટણીમાં પણ પોતાને હરાવવા માટે કોઈ પણ હરકત કરશે તો ચૂંટણીમાં ગરબડ કરનારા બીજા બધાની સાથે ઝકરબર્ગની જિંદગી પણ જેલમાં જશે. ઝકરબર્ગે ભૂતકાળમાં કરેલી ગરબડોની તપાસ કરવાની જાહેરાત કરીને ટ્રમ્પે કહેલું કે, ઝકરબર્ગે ભૂતકાળમાં કરેલાં બધાં કાળાં કામોની તપાસ થશે તેથી ઝકરબર્ગ માટે ખરાબ દિવસો આવવાના છે.
ટ્રમ્પ અને ઝકરબર્ગની આ દુશ્મનાવટને કારણે બંને સાથે થાય એવી કોઈને કલ્પના પણ નહોતી. ટ્રમ્પ ઝકરબર્ગ તરફ કૂણા પડ્યા તેનું કારણ ઝકરબર્ગે ટ્રમ્પ પરના જીવલેણ હુમલા વખતે ટ્રમ્પની પ્રતિક્રિયાની પ્રશંસા કરીને તેમના માટે પ્રાર્થના કરી હતી એ હોઈ શકે છે.
ઝકરબર્ગે બાઈડન સરકાર સામે આક્ષેપ કરેલો કે, બાઈડન સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેમના પર કોવિડ-૧૯ સંબંધિત કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવા દબાણ કર્યું હતું. ટ્રમ્પને ઝકરબર્ગ તરફ હેત ઊભરાયું તેનું એક કારણ આ પણ હોઈ શકે છે. જોકે મોટું કારણ ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સનો પ્રભાવ છે. માર્ક ઝકરબર્ગ અત્યારે આખી દુનિયામાં સોશિયલ મીડિયા કિંગ છે અને તેનાં પ્લૅટફૉર્મ છવાયેલાં છે. ઝકરબર્ગની ફેસબુકનો પહેલાં જેવો પ્રભાવ નથી, પણ ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ જોરદાર ચાલી રહ્યાં છે.
આ કારણે મેટાને અવગણી શકાય તેમ નથી. ટ્રમ્પ નવી ઈનિંગ્સ શરૂ કરી રહ્યા છે ત્યારે તેમને સોશિયલ મીડિયાના સપોર્ટની જરૂર પડવાની જ છે. ટ્રમ્પ પાસે એલન મસ્ક છે, પણ મસ્કના એક્સ કરતાં ઝકરબર્ગનો પ્રભાવ વધારે છે તેથી ટ્રમ્પે ગઈ ગુજરી ભૂલીને ઝકરબર્ગ સાથે દોસ્તી કરવાનું પસંદ કરી લીધું હોય એ શક્ય છે. પ્રમુખપદે ટ્રમ્પની આ છેલ્લી ટર્મ છે તેથી ટ્રમ્પને વધારે દુશ્મનો ઊભા કરવામાં રસ ના હોય એવું પણ બને.
Also read: એકસ્ટ્રા અફેર : ચંદીગઢમાં ટ્વિન બ્લાસ્ટ, બિશ્ર્નોઈએ પોલીસનું નાક વાઢી લીધું
ઝકરબર્ગ તો બિઝનેસમેન છે અને તેને ધંધામાં રસ છે. હવે ચાર વર્ષ સુધી ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ રહેવાના છે ત્યારે તેમની સાથે બાખડીને નકામું ધંધાને નુકસાન કરવું તેના કરતાં ટ્રમ્પની ગુડ બુકમાં આવીને ફાયદો મેળવવાની તેની ગણતરી ખોટી પણ નથી જ.