આપણું ગુજરાત

રાજકોટમાં એક મહિના પૂર્વે લોકાર્પણ થયેલી ૨૫ ઇલેક્ટ્રિક બસ હજુ ડેપોમાં

ઇન્સ્પેકશન રિપોર્ટની રાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ શહેરમાં એક મહિના અગાઉ મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી ૨૫ ઇલેક્ટ્રિક બસો હજુ ડેપોમાં જ રાખવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવા મનપાએ ઇલેક્ટ્રિક બસનો માર્ગ અપનાવ્યો છે જે અંતર્ગત હાલ ૪૦ ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે, જો કે લોકોર્પણ થયેલી ૨૫ બસોનાં પાર્ટ્સ અંગે વડોદરાની એજન્સી દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવવામાં આવનાર છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ બસો રસ્તા પર દોડતી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સ્માર્ટ સિટી અંતર્ગત બે દિવસના સેમીનારનું સમાપન થયું છે અને ભવિષ્યમાં ન્યુનતમ કાર્બન ઉત્સર્જનના ગંભીર મુદ્દા પર ચર્ચાઓ થઇ હતી. જોકે, વર્ષોથી પ્રદૂષણ ફેલાવતી ડીઝલ સિટી બસની જગ્યાએ નવી ઇલેક્ટ્રિક બસ મુકવાની ચાલતી કાર્યવાહી હજુ પૂર્ણ થઈ નથી. ગત મહિને લીલીઝંડી અપાયેલી ૨૫ ઇલેક્ટ્રિક સિટી બસ હજુ પણ ડેપોમાં રાખવામાં આવી છે. શાસકોએ ૨૫ ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી હતી. મનપા દ્વારા તબકકાવાર તમામ ડીઝલ બસને વિદાય આપીને ઇલેક્ટ્રિક બસ મુકવા આયોજન કરાયું છે. હાલ ૧૫૦ ફુટ રોડના બીઆરટીએસ ટ્રેક પર ૨૦ અને શહેરમાં ૧૫ મળીને કુલ ૪૦ ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે. આના સિવાય પૂરા શહેરમાં ડીઝલથી ચાલતી સિટીબસો દોડે છે. વધુ પ્રદૂષણ ફેલાવનારી આ ડીઝલ બસો ખખડધજ થઇ ગઇ છે અને અવારનવાર રસ્તામાં બંધ પડે છે. મુસાફરોએ બસને ધક્કા માર્યાની ઘટનાઓ પણ વારંવાર સામે આવતી હોય છે. જેને લઈને ગત મહિને તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ રાજકોટ આવેલા મુખ્ય પ્રધાનના હસ્તે શાસકોએ ૨૫ ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી અપાવી લોકાર્પણ કરાવ્યું હતું. હવે આ ૨૫ ઇલેક્ટ્રિક બસો આગામી સપ્તાહે દોડતી થાય તેવી શક્યતા છે. જોકે, નવી આવેલી બસોના કેટલાક સ્પેસીફિકેશનમાં તફાવત આવતા મનપા દ્વારા તેને રોડ પર મૂકી શકાઈ નથી. આ બસોની આરટીઓ સહિતની તમામ વિધિ પૂરી થઇ ગઇ છે, પરંતુ મોડેલના પાર્ટસમાં કેટલાક ફેરફારોના કારણે વડોદરાની એજન્સી દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવાઇ રહ્યું છે. જેનો રિપોર્ટ આવે તે બાદ જ આ ૨૫ બસો ડીઝલ બસોની જગ્યા લેશે. ત્યારે હવે તો આગામી સપ્તાહે જ આ ૨૫ ઇલેક્ટ્રિક બસ રસ્તા પર દોડતી થાય તેવી શક્યતા છે. જોકે, હજુપણ કોઈ નિશ્ર્ચિત તારીખ આપવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button