વાપીમાં સીજીએસટી ઈન્સ્પેક્ટર 40,000 રુપિયાની લાંચ લેતા ઝડપાયો, જાણો કેટલો હતો પગાર?
વાપીઃ રાજ્યમાં લાંચિયા બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
આ દરમિયાન સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપી ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2 (ગૃપ-બી) યશવંત રાજેન્દ્ર ગેહલોત રૂ.40,000ની લાંચ લેતા ઝડપાયા હતા. લાંચ લેતા ઝડપાયેલા આ અધિકારી મૂળ મધ્યપ્રદેશના થાના-બાણગંગાના રહેવાસી છે. સીજીએસટીમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં યશવંત રાજેન્દ્ર ગેહલોતનો પગાર 75 હજાર રૂપિયા હતો.
આપણ વાંચો: ભ્રષ્ટાચાર નાબૂદ કેમ થાય? ગુજરાતમાં 24 કલાકમાં પાંચ લાંચિયા અધિકારી પકડાયા
ફરીયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હતા અને વર્ષ 2020- 21 ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી.ટેક્ષ ભરેલો હતો. તેમ છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના સી.જી.એસ.ટી તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળતા ફરીયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇને આરોપી અધિકારીને મળ્યાં હતા.
આ નોટિસનો નિકાલ કરવા માટે ફરિયાદી પાસે 40,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આરોપી અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા હતા.
આપણ વાંચો: કોંગ્રેસના ભાજપ શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો
ગઈકાલે અમદાવાદના ખોખરા પોલીસ મથકમાં દારૂના કેસમાં ઝડપાયેલા યુવકને માર ન મારવા અને મુદ્દામાલમાં મોબાઇલ ન બતાવવા માટે 2.50 લાખની લાંચ માગી એક લાખ લાંચ લેવાના કેસમાં એસીબીએ ખાનગી વ્યક્તિને તો ઝડપી લીધો હતો. પરંતુ જે પોલીસ કર્મચારીઓએ લાંચ માગી તેમના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. બીજી તરફ પોલીસ બેડામાં ચર્ચા છે કે, ઝડપાયેલા બંને કર્મચારી પર ઉચ્ચ અધિકારીઓના હાથ હોવાથી તેમની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં.