રોકાણને લઈને સામાન્ય રીતે થતી ભૂલોમાંથી એક ચૂક છે લક્ષ્ય વિના રોકાણની ભૂલ અને પછી એના કારણે કરવેરા – ફુગાવાની અસરને પણ અવગણવાની બીજી વધારાની ભૂલ… આ બન્ને આપણે અગાઉ વાત કરી ગયા. હવે આ લેખમાળામાં એ વિષયને આગળ વધારીએ, જેમ કે…
૧) જોખમમુક્ત રોકાણનો ભ્રમ રાખવાની ભૂલ
રોકાણની દુનિયામાં મજાની વાત એ છે કે લોકોને જોખમમુક્ત વળતર જોઈતું હોય છે! રોકાણ જોખમમુક્ત હોય એ એક ભ્રમ છે, જેને આપણે તોડવો પડે. આજના વિશ્ર્વમાં જોખમમુક્ત વળતર જેવું કંઈ નથી. ચાલો, આ વાત સમજીએ. કોઈ પણ રોકાણને વોલેટિલિટી રિસ્ક (બજારની અસ્થિરતાનું જોખમ), ક્રેડિટ રિસ્ક (નાણાં પરત નહીં મળવાનું જોખમ) અથવા લિક્વિડિટી રિસ્ક (ચુકવણીની જવાબદારીઓને પૂર્ણ અને સમયસર ચૂકવવામાં અસમર્થતાનું જોખમ) નામનાં અનેક પ્રકારનાં જોખમ નડે છે. હવે માની લો કે તમે કોઈક રીતે આ બધાં જોખમથી ઊગરી ગયા તોપણ, તમારે હજી એક વધુ જોખમ તો લડવું પડે, જે છે ફુગાવાનું જોખમ! આ દુનિયામાં કોઈ રીત-સાધન નથી, જે આ ચારેય જોખમને એકસાથે ટાળી શકે!
૨) ઉતાવળે નિર્ણય લેવાની ભૂલ
ધારો કે તમે ટ્રેનમાં જઈ રહ્યા છો. તમારું સ્ટેશન આવતાં પહેલાં તમે કોઈ પણ બીજા સ્ટેશન પર ઊતરી જશો ખરા? સ્વાભાવિક છે કે તમે તમારું ગંતવ્યસ્થાન આવશે ત્યારે જ ઊતરશો. આ જ વાત રોકાણને પણ લાગુ પડે છે. તમે નિર્ધારિત લક્ષ્ય માટે રોકાણ કર્યું હોય, પણ વચ્ચે કોઈ કારણસર એ રોકાણ ઉપાડી લો તો તમે બીજા જ કોઈ સ્ટેશને ઊતરી જવા જેવી ભૂલ કરી કહેવાશે.
માર્કેટમાં હંમેશાં ઉતાર-ચડાવ આવ્યા કરતાં હોય, પણ જો તમે ઘટાડો થવાની કોઈ સ્થિતિમાં રોકાણ ઉપાડી લો તો એ નિર્ણય તમે ઉતાવળે લીધો કહેવાય. આવા નિર્ણયને લીધે શક્ય છે કે તમે લક્ષ્ય માટે જરૂરી રકમ સુધી પહોંચી શકો નહીં. આથી ઉતાવળે કે લાગણીવશ થઈને તમારે સમય પહેલાંં રોકાણ ઉપાડી લેવાની ભૂલ ન કરવી જોઈએ.
૩) બધું જ જાતે કરવાની ભૂલ
આજકાલ ઉઈંઢ (ડુ ઇટ યોરસેલ્ફ)નો ટ્રેન્ડ છે – જમાનો છે, પરંતુ દરેક જગ્યાએ આ વિકલ્પ કામ નથી આવતો. આના માટે હિંદી કહેવત યાદ રાખવા જેવી છે: ‘જિસ કા કામ ઉસી કો સાજે, ઔર કરે તો ડંડા બાજે… જેનું જે કામ.. તમે કરવા જાવ તો દંડા ખાવ!’ ઘણાં કામ સંબંધિત નિષ્ણાત પાસે જ કરાવવાનાં હોય છે.
તમને જો નાણાકીય વિષયનું ઊંડું જ્ઞાન ન હોય તો તમારે ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લેવી જોઈએ. ઘણી વાર નાણાકીય જ્ઞાન હોવા છતાં ત્રીજી વ્યક્તિની મદદ લેવી જરૂરી છે, કારણ કે આપણે પોતાને લગતા નિર્ણયો તટસ્થ રીતે લઈ શકતા નથી અને રોકાણ માટે તટસ્થપણે નિર્ણયો લેવા ખૂબ જરૂરી છે.
૪) ઉત્તમ રોકાણ શોધવા જવાની ભૂલ
કોઈ પણ વ્યક્તિ ઉત્તમ રોકાણ કરવા અને એમાંથી મહત્તમ વળતર મેળવવા ઇચ્છે એ સ્વાભાવિક છે, પરંતુ વાસ્તવમાં એવું થવું મુશ્કેલ છે. લોકો જેમાં સારામાં સારું વળતર મળ્યું હોય એવી સ્કીમ શોધવાનો પ્રયાસ કરતા હોય છે અને એ જ રોકાણને ઉત્તમ માનવાની ભૂલ કરી બેસે છે.
ત્યારે એ વાત ભૂલી જાય છે કે જાહેર થયેલું વળતર ભૂતકાળનું વળતર કહેવાય અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સતત-સ્પષ્ટપણે કહે છે કે ભૂતકાળમાં મળેલું વળતર ભવિષ્યમાં પણ મળતું રહેશે એવી બાંયધરી હોતી નથી.
Also Read – મોજની ખોજ: મેં તો ધ્યાનથી લખ્યું છે.. તમે ધ્યાનથી વાંચજો !
૫) બીજાઓનું અનુકરણ કરવાની ભૂલ
લોકો બીજી એક ભૂલ કરે છે બીજાઓનું અનુકરણ કરવાની. કોઈકને અમુક શેરમાં કે રોકાણમાં ફાયદો થયો તો પોતે પણ એવું જ રોકાણ કરવું એવી વૃત્તિ રોકાણકારોમાં સામાન્ય છે.
‘હમ જહાં ખડે હો જાતે હૈ, લાઇન વહી સે શુરૂ હોતી હૈ’ એવો અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ડાયલોગ છે. આનાથી આપણે સાવ ઊંધું કરીએ છીએ: ‘લાઈન જહાં લગતી હૈ..
હમ વહી ખડે હો જાતે હે!’ અર્થાત્ બીજાનું સહેલાઈથી અનુકરણ કરવા લાગીએ છીએ. આને બિહેવિયરલ ફાઇનાન્સ વિષયમાં ‘હર્ડ મેન્ટાલિટી’ કહે છે અને આવી ‘ઘેટાંશાહી’ વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ…!