ધર્મતેજ

અલૌકિક દર્શન : ગંગાસતી કહે છે કે ગમે ત્યારે મૃત્યુ આવશે માટે ઉપલબ્ધ સમયમાં તમે મોતી પરોવી લ્યો

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
શબ્દ – ૨૪ – વીજળીને ચમકારે:
ભજન – ૨૪
વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ, નહીંતર અચાનક અંધારા થશે…

આના ત્રણ અર્થ છે: પહેલો અર્થ -વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે કે અપરંપાર જાગૃતિ રાખવી. વીજળીનો ચમકારો ક્ષણિકમાં આવે એટલી વારમાં મોતી પરોવી લ્યો, એક તો મોતી પરોવવા ઘણી એકાગ્રતા જોઈએ.

ઘણી એકાગ્રતા અને સ્થિરતા અને બીજું વીજળીને ચમકારે-અચાનક અંધકાર થશે એટલે ક્ષણમાં એ આપણું કાર્ય સિદ્ધ કરી લેવાનું છે, અત્યંત જાગૃતિ જોઈશે, અધ્યાત્મપથ પર અત્યંત સાવધાની. ખરેખર બધા માટે સામાન્ય એવું અધ્યાત્મપથ નથી, તમારા માટે કોઈ તૈયાર અધ્યાત્મ રસ્તો નથી. પક્ષીઓનો આકાશમાં જવાનો કોઈ ચોક્કસ રસ્તો ન હોય એવું આ છે. ક્ષણેક્ષણે તમારે તમારો રસ્તો કંડારતા જવાનું અને ચાલતા જવાનું, ક્ષણેક્ષણે પોતાનો પથ છે, એટલે ગંગાસતી કહે છે, સતત સાવધાની રાખવાની છે. કેવી સાવધાની? તેઓ કહે છે વીજળીના ચમકારે મોતી પરોવાય એવી સાવધાની.
બીજો અર્થ છે: જીવન બહુ થોડું છે. વીજળીના ચમકારા જેવું.

પરીક્ષિત મહારાજને સાત દિવસ હતા ભાગવત-સેવન માટે. આપણે તો સાત દિવસનોય ભરોસો નથી, ગમે ત્યારે ફટાકડો ફૂટશે એટલે ગંગાસતી કહે છે કે ગમે ત્યારે મૃત્યુ આવશે માટે ઉપલબ્ધ સમયમાં તમે મોતી પરોવી લ્યો.

ત્રીજો યૌગિક અર્થ છે: ઈડામાં શ્ર્વાસ ચાલતો હોય, પિંગળામાં શ્ર્વાસ ચાલતો હોય. બંનેમાં સમાનભાવે ચાલે એ વીજળીના ચમકારા જેવો સમય છે, તેનો ઉપયોગ કરી લો, એ વખતે ધ્યાનસમાધિ લાગી જાય તો મોતી પરોવાઈ જશે આવો એનો અર્થ છે.

શબ્દ – ૨૫ – સજાતિ-વિજાતિ:

ભજન – ૨૫
સજાતિ-વિજાતિની જુગતી બતાવું ને બીબે પાડી દઉં બીજી ભાત…

સજાતિ-વિજાતિની જુગતી એટલે શું? બીબું એટલે શું? બીબે ભાત પાડી દઉં એટલે શું? વેદાંતની પરિભાષાનો શબ્દ છે. વેદાંતમાં પહેલું સોપાન છે શ્રવણ. ઉપનિષદ આદિ ગ્રંથો. વેદાંતના ગ્રંથોનું ગુરુમુખે શ્રવણ એ પ્રથમ સોપાન છે. બીજું છે મનન. જેનું શ્રવણ કર્યું છે તેનું શાસ્ત્રને અનુકૂળ એવી રીતે ચિંતન કરવું,

Also Read – માનસ મંથન : સિંદૂરવાળા પથ્થરને આપણે ઠુકરાવતા નથી તો જીવંત માણસને કેમ ધિક્કારીએ છીએ?

શાસ્ત્રાનુકૂળ ચિંતનમ્, મનનમ્, શ્રવણતાત્પર્યનિર્ણયમ્ એવી એની વ્યાખ્યા છે. ત્રીજું સોપાન છે નિધિધ્યાસન એટલે શું? આત્માકાર વૃત્તિનો સ્વીકાર અને અનાત્માકાર વૃત્તિનો ત્યાગ. આપણા ચિત્તમાં વૃત્તિ ચાલે છે સંસારની, એ અનાત્માકાર વૃત્તિ છે, દેહનો વિચાર, ભોજનનો, સંતાનનો, વાડીનો, દુકાનનો આવા આખો દિવસ કેટલા વિચારો ચાલ્યા કરે છે એ અનાત્માકાર ચિંતન છે અને આત્મામાં ચિંતન જ્યારે સ્થિર થાય ત્યારે તેને આત્માકાર વૃત્તિ કહેવામાં આવે છે. તો સજાતીય એટલે આત્માકાર ચિંતન – આત્માકાર વૃત્તિ એટલે સજાતિ અને અનાત્મા એટલે વિજાતિ વૃત્તિ કહેવાય, તેને વેદાંતની પરિભાષામાં નિદિધ્યાસન કહે છે.

ગંગાસતી કહે છે સજાતિ-વિજાતિની જુગતી બતાવું – એટલે અનાત્માકાર વૃત્તિઓનો ત્યાગ કરીને આત્માકાર વૃત્તિમાં સ્થિર થવું, તો બીબે પાડી દઉં બીજી ભાત – બીબું એટલે અંતર, એનું રૂપાંતર કરી દઉં, એની ભાત પાડી દઉં એમ ગંગાસતી કહે છે.

શબ્દ – ૨૬ – નૂરત સૂરત:
ભજન – ૨૬
નૂરત સૂરતથી નિજનામ પકડો, જેથી થાય હરિની જાન રે…

નૂરત સૂરત શબ્દના પાંચ અર્થો આપવામાં આવે છે. પહેલો અર્થ – નૂરત એટલે શ્ર્વાસ, સૂરત એટલે ઉચ્છ્વાસ. બીજો અર્થ – નૂરત એટલે નિરતી. મૃત્યુને પાછી ખેંચી લે એવી સંસારમાંથી નિવૃત્તિ અને પરમાત્મામાં સૂરતા ધારણ કરવી, તૃતીય અર્થ – નૂર એટલે તેજ, નૂરત સૂરત એટલે તેજમાં ધ્યાન કરવું, તેજમાં સૂરતા લગાડવી તે, ચોથો અર્થ – નૂરત એટલે નિરાલંબ ધ્યાન – સૂરત એટલે સાલંબ ધ્યાન.

પાંચમો અર્થ તે સૂરત એટલે સવિકલ્પ સમાધિ અને નૂરત એટલે નિર્વિકલ્પ સમાધિ. આમ પાંચેય અર્થોમાં એક વિકાસયાત્રા જોવા મળે છે.
શબ્દ – ૨૭- મૂળ પ્રકૃતિનો નાશ:

ભજન – ૨૭
મેલ ટળે ને વાસના ગળે રે પછી કરો પૂરણનો અભ્યાસ,
ગંગાસતી એમ બોલિયા, થાય મૂળ પ્રકૃતિનો નાશ…

પ્રકૃતિના ચોવીસ તત્ત્વો છે એ વાત જોઈ ગયા. ત્રેવીસ તત્ત્વો એ મૂળ પ્રકૃતિમાંથી પ્રગટે છે, જ્યારે ગુણને સત્તવગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેય સમાન અવસ્થામાં હોય ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થતી નથી, એ સમાનતા જાય – એ ત્રેવીસ તત્ત્વ ન હોય એ મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે, ત્રેવીસ તત્ત્વમાંથી વિલીન થયા પછી પણ અવિદ્યા રહે છે, કારણ કે મૂળ પ્રકૃતિમાં અવિદ્યા છે, એટલે ગંગાસતી કહે છે મૂળ પ્રકૃતિનો નાશ થવો જોઈએ.

શબ્દ – ૨૮ – ગુપતરસ:

ગુપતરસના અનેક અર્થ છે, પણ જ્ઞાનેશ્ર્વર મહારાજે એની ભાવાર્થદીપિકા ટીકામાં ‘ગીતા’ પરની ટીકામાં ‘જ્ઞાનેશ્ર્વર ગીતા’ના છઠ્ઠા અધ્યાયમાં ગુપતરસની વાત કહી છે. કુંડલિની શક્તિનું જાગરણ થાય અને જ્યારે છઠ્ઠા ચક્રનું ભેદન થાય ત્યારે ત્યાં ચંદ્ર છે, એમાંથી અમૃત ઝરે છે એને યોગની ભાષામાં ગુપતરસ કહેવામાં આવે છે. ગંગાસતી કહે છે ગુપતરસ આ તો જાણી લેજો પાનબાઈ, એથી જાણવું રહે નહીં કાંઈ રે, ઓઘ રે આનંદના કાયમ રહે સહેજે સંશય મટી જાય. ગુરુવચનના માનની વાત આવે છે, ગંગાસતીને પાનબાઈ કહે છે, તમે છૂટા રે છૂટા બાણ ન મારો.

ત્યારે ગંગાસતી કહે છે: બાણ રે હજી નથી વાગ્યા, બાણ રે વાગ્યાને હજુ વાર. બાણ રે વાગ્યા પછી બોલાય નહીં પાનબાઈ. ‘કેનોપનિષદ’માં પ્રસંગ છે: એક શિષ્ય કહે છે ગુરુજી મને તમે કહ્યું એ સમજાઈ ગયું, ત્યારે ગુરુ કહે છે: જો તને એમ લાગે કે તને ખબર છે તો તને કાંઈ ખબર નથી.

જે કહે કે જાણું છું એ જાણતો નથી, જે બ્રહ્મને જાણતો હોય તે કહે નહીં, કારણ કે કહેનાર હું રહેતો નથી, એટલે હું કદી બ્રહ્મને જાણે નહીં. કૃષ્ણમૂર્તિ કહે છે: He hwo says he Knowsqknows not છેલ્લે આવે છે મૂક્યો મસ્તક પર હાથ. ગંગાસતી પાનબાઈના મસ્તક પર હાથ મૂકે છે. આ શક્તિપાતની ઘટના છે – ગમે તેવા સમર્થ સાધક માત્ર પોતાની શક્તિથી એને પામી શકતો નથી. આ તો ગુરુકૃપા – ભગવત્કૃપાથી અંતિમ આવરણનો ભંગ થાય એટલે ગંગાસતી એના મસ્તક પર ખોળામાં બેસાડ્યા અને મસ્તક પર મૂક્યો હાથ આ શક્તિપાતની ઘટના છે – અને આવરણભંગ થઈ જશે સૂરતા શૂન્યમાં સમાઈ જાય અને ગંગાસતી દેહ છોડે છે.

એ ઘટના કેવી રીતે ઘટી છે. કુમકુમ પત્રિકાઓ લખાય છે ગુલાલ છાંટીને. સંતો, ભક્તોને બોલાવવામાં આવે છે. તિથિ નક્કી થાય છે અને ગંગાસતી સ્વેચ્છાએ દેહનો ત્યાગ કરે છે – દેહત્યાગ એટલે આત્મહત્યા નહીં – આ તો યૌગિક પ્રાણોત્ક્રમણ છે. ‘ગીતા’ના આઠમા અધ્યાયમાં, ‘શ્રીમદ્ ભાગવત’ના બીજા અધ્યાયમાં આ રહસ્યનું અર્થઘટન છે. કેવી રીતે થાય છે આ? સાધક જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં જાય ત્યારે પાછો જાગૃત કઈ રીતે થાય? કોણ કહેનાર છે જાગો સાય થયો? એટલે સમાધિમાં જતાં પહેલાં સાધકે સંકલ્પ કરવો પડે કે હું ત્રણ ઘડી, બે ઘડી, એક દિવસ કે ત્રણ દિવસ આ આસનમાં રહીશ. એ સંકલ્પના જોરે એ પાછો આવે છે – રાત્રે આપણે ખૂબ વિચારીએ વહેલા ઊઠવું જ છે, ઘડિયાળ ન હોય તો પણ સંકલ્પના જોરે આપણે ઊઠીએ છીએ, એમ સંકલ્પના જોરથી સમાધિમાંથી પાછા અવાય છે, પણ સમાધિમાંથી પાછા નથી આવવું એવો સંકલ્પ કરે તો સમાધિમાં જ દેહનો ત્યાગ થાય એને યૌગિક પ્રાણોત્ક્રમણ કહેવાય.
અને છેલ્લે ગંગાસતી પાનબાઈને કહે છે:

પાનબાઈ, તમે પદ પામ્યા નિર્વાણ – જ્યાં સુધી ગુરુ ન કહે તમે પદ પામ્યા નિર્વાણ, ત્યાં સુધી અધ્યાત્મયાત્રા અધૂરી છે. ભગવાન વ્યાસે શુકદેવને કહેલું, તું જ્ઞાની છે, પણ ગુરુનું પ્રમાણપત્ર ક્યાં. એ કહે તમે આપો. વ્યાસ કહે, હું પિતા છું. જા, ગુરુ જનક પાસે. જનક કહે છે, રસ્તામાં શું જોયું? તો કહે, રસ્તામાં મીઠાઈની દુકાનો જોઈ. કોણ વેચતું હતું? તો કહે મીઠાઈના પૂતળા. કોણ ખરીદતું હતું? મીઠાઈના પૂતળા. રસ્તામાં કોણ છે? તો કહે મીઠાઈના પૂતળા. તમે કોણ છો, તો કહે મીઠાઈનું પૂતળું. જવાબ મળ્યો જાઓ, તમે જ્ઞાની પુરુષ છો.

નરસિંહે કહ્યું છે, ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.’ એમ શુકદેવને સમજાઈ ગયું. માટે કહ્યું: તમે પદ પામ્યા નિર્વાણ. એમ ગંગાસતી પાનબાઈને કહે છે. ‘પાનબાઈ, તમે પદ પામ્યા નિર્વાણ.’ ગુરુ જ્યારે અધિકારી શિષ્યને એમ કહે કે તમે પદ પામ્યા નિર્વાણ, એથી મોટું પ્રમાણપત્ર જગતમાં ક્યાંય નથી. આવરણ ઉપાધિ મટી ગઈ અને થયો મૂળ વિદ્યાનો નાશ. અવિદ્યા ત્રણ છે: લેશા, મૂલા અને તુલાવિદ્યા. મૂળવિદ્યા જે મૂળભૂત અવિદ્યા છે એનો નાશ થયો ને ગંગાસતીને જેમ પાનબાઈ પણ પરમપદને પામ્યા.

શબ્દ – ૨૯ – પિયાલો:
ભજન –

પી લેવો હોય તો રસ પી લેજો, પાનબાઈ! પિયાલો આવ્યો છે, તત્કાળ રે…
સમર્થ ગુરુ અધિકારી શિષ્યમાં જરૂર લાગે ત્યારે પોતાના તેજનો સંચાર કરે છે. આ ઘટનાને સંતપરંપરામાં ‘પિયાલો’ પાવાની ઘટના કહેવામાં આવે છે.

શિષ્ય સાધના દ્વારા વિકસતાં-વિકસતાં અધ્યાત્મની એક એવી ભૂમિકાએ આવે છે, જ્યાં તેની ગતિ અટકી જાય છે. કોઈક સ્વરૂપની ગ્રંથિ આવી જાય છે. આ ગ્રંથિનું ભેદન શિષ્ય પોતાની સાધનાના સામર્થ્યથી કરી શકે તેમ નથી. આ અંતિમ ગ્રંથિનું કે અંતિમ આવરણનું ભેદન કરવા માટે ગુરુ પોતાનું તેજ શિષ્યમાં મૂકે છે. આ ઘટનાને ગંગાસતી ‘પિયાલો પીવાની ઘટના’ કહે છે.

આ પિયાલો તો અધ્યાત્મરસ છલોછલ ભરેલો ગુરુકૃપાનો પિયાલો છે. આ ગુરુકૃપારૂપી અધ્યાત્મરસનો પિયાલો પામીને શિષ્યની અધ્યાત્મયાત્રા સડસડાટ આગળ ચાલે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button