ઉત્સવ

આકાશ મારી પાંખમાં: યે દિન ભી જાયેંગે…

-કલ્પના દવે

આસામના અદિતપુર ગામમાં એક ગરીબ ખેડૂતની સાડત્રીસ વર્ષની દીકરી ઉમિકા છે. બે સંતાનની માતા ઉમિકા એના દાદા-દાદી સાથે રહેતી હતી. હાલમાં ઉમિકા તેના બે સંતાનો ૧૨વર્ષનો શંકર અને ૯ વર્ષની દીયાને દાદા-દાદી પાસે રાખીને તે કામની શોધમાં મુંબઈ આવી ગઈ છે. એ મુંબઈના હાઈવે પર આવેલી કોઈ હોટલમાં કામ કરે છે.

તે દિવસે રાતના સાડા આઠ વાગે ત્રણ આધેડ વયના ખૂંખાર જણાતા પુરૂષો હોટલના કાઉન્ટર પાસે આવ્યા. શિયાળાને કારણે ઠંડીનું જોર હતું. રસ્તા પર કોઈની ખાસ અવરજવર ન હતી. કાઉન્ટર નજીકના સામેના ટેબલ પર એક માણસ સાથે બે ગભરાયેલી પંદરેક વર્ષની બે છોકરીઓ એક-બીજાને લગોલગ બેઠી હતી.

બીજા બે પુરૂષોમાંનો દાઢીવાળો ખૂબ બિહામણો લાગતો હતો, જયારે બીજો ભણેલો અને શહેરી જણાતો હતો. દાઢીવાળાએ ઉમિકાને કહ્યું-દો રૂમ- તીન દિન કે લિયે બુક કરો.
કયા નામ લિખું ? ઉમિકાએ કોમ્પયુટરમાં ડીટેલ ભરતાં પૂછયું.
લીખો રામભાઈ ઔર મંગેશ રાય
પછી પેલા બાજુમાં ઊભેલા યુવાન સામું જોઈ તુમ બાત કરો.
પેલા યુવકે કહ્યું- દેખો સબ ઈનફોર્મેશન તુમ દો.
મેરા કામ સિર્ફ પેમેન્ટ કા હે- દાઢીવાળાએ ડોળા કાઢતા કહ્યું.

ઉમિકાને શંકા ગઈ. પેલી બે કન્યા હજુ ગભરાચેલી જ હતી. ઉમિકા મનોમન વિચારવા લાગી કે આ દાઢીવાળો, આ યુવાન કે સામે બેઠેલામાંથી કોઈ રામભાઈ લાગતું ન હતું.
તે પછીની વિગતોમાં અને મોબાઈલ નંબર પણ નવ ડિજિટના જણાયા.
કિતના પેમેન્ટ કરને કા પેલા યુવકે પૂછયું.

ઉમિકાને લાગ્યું કે નક્કી આ લોકોએ આ બે દીકરીઓનું અપહરણ કર્યું છે, એને ફસાવી રહ્યા છે. મારે આ દીકરીઓનું રક્ષણ કરવું જોઈએ.
સાહબ, આપ બૈઠો, હમારે મેનેજર ૧૦-૧૫મિનિટ મેં આતે હૈ. કોણ જાણે કેમ આ દીકરીઓને જોતાં ઉમિકાને અદિતપુરમાં પોતાના માટે ઝૂરતી દિયા દીકરી નજર સામે તરવરી રહી.

ઉમિકાના નાની ઉંમરે અજોય સાથે લગ્ન થયા, અઢાર વર્ષે દીકરાનો જન્મ-નામ શંકર. ઉમિકાનો હસબન્ડ અજોય ટ્રાવેલિંગ એજન્સીમાં કામ કરે. વિદેશી સહેલાણી સંગતે દારૂની લતે ચઢ્યો. મેમના રૂપને ઝંખતા અજોયને ઉમિકા જરાય ન ગમે. દસ-પંદર દિવસે, કયારેક બે મહિને ઘરે આવે. ઘર ચલાવવા ઉમિકા ખેત મજૂરી કરતી.

તે રાત્રે ઉમિકાએ અજોયને કહ્યું- હું માતા બનવાની છું.
સાચું કહે, આ કોનું પાપ છે?
નવ મહિને આ દિયા આવી. આજે એ વાતને નવ વર્ષ થઈ ગયા. અજોય એક વાર દીકરીને જોવા આવ્યો હતો. પછી કોઈ અંગ્રેજી મેડમ સાથે કેનેડા જતો રહ્યો. આજે ભૂતકાળની સ્મૃતિ ઉમિકાને ડંખી રહી હતી. તે વખતે હું પણ આ છોકરીઓ જેવી જ ગભરૂ હતી ને ! મારે આ દીકરીઓને બચાવવી જ જોઈએ.

પેલો મૂછાળો આઘેડ વયનો માણસ અને શહેરી યુવક હોટલની રૂમ જોવા ઉપર ગયા. દીકરીઓ સાથે બેઠેલો માણસ એના મોબાઈલમાં કંઈક જોવામાં મશગુલ હતો. આ તકને ઝડપી લેતાં ઉમિકા પેલા ટેબલ નજીક ગઈ અને એક છોકરીને હળવેથી કહ્યું-

તમે આ લોકોને ઓળખો છો, શું આ લોકો તમને હેરાન કરે છે ?
હા, આ લોકોએ અમને ખૂબ માર્યા છે. એક છોકરી બોલી.
ઉમિકાએ મોઢા પર આંગળી મૂકતાં કહ્યું- તમે વોશરૂમમાં જાઓ. હું આવું છું. જરા ય ડરતા નહીં. કહેતા એ કાઉન્ટર પર ગઈ.

પેલી બે દીકરીઓમાં હિંમત આવી. મોબાઈલવાળા માણસને ડરતાં અવાજે બાથરૂમ જવા રજા માગી. મોબાઈલમાં જ માથું રાખી એણે હાથ વડે જવાનો ઈશારો કર્યો.
હોટલના સિનિયર ઉત્તમભાઈને કાઉન્ટર સોંપીને ઉમિકા વોશરૂમમાં ગઈ.
જુઓ, હવે તમે સુરક્ષિત છો, જરા ય ગભરાતા નહીં. હું તમારી સાથે જ છું. ઉમિકાએ બંનેને કહ્યું. આ લોકો કોણ છે, તમે ઓળખો છો.?

હું રાજેશ્રી અને આ માનસી અમે સૂરતની એક કોલેજની હોસ્ટેલમાં રહીને ભણીએ છીએ. બપોરે સાડાત્રણ વાગે હોસ્ટેલના ગાર્ડનમાં લટાર મારતા હતા, ત્યારે આ અજાણ્યા ત્રણે જણા અમારી નજીક આવ્યા. આ બીક લાગે તેવા માણસે પહેલાં તો કોઈ સાહેબનું નામ દઈ વાતો શરૂ કરી અને બીજા બે માણસોએ થોડા નજીક આવીને અમારા મોઢામાં ડૂચા ખોસ્યા.

અને કોઈ ઝેરી રૂમાલ વડે નાક દબાવી દીધું. બપોરનો સમય એટલે હોસ્ટેલમાં પણ કોઈની અવરજવર ન હતી. અમે છૂટવા માટે ખૂબ વલખાં માર્યા, પણ, પેલા ઘેનની અસરથી અમારામાં કોઈ હોશ નહીં હોય. એવું યાદ છે કે અમને કોઈ ઘસડતું હશે. રાજેશ્રીએ કહ્યું.

મેડમ, અમને બચાવી લો. આ લોકો અમારી લાજ લૂંટશે- કે કોઈ જગ્યાએ વેચી મારશે. માનસીએ હાથ જોડીને કહ્યું.
મેડમ, જયારે હું જરા ભાનમાં આવી ત્યારે અમે એક કારમાં હતા, કોઈ કાળા બુરખાધારી ૪૦ વર્ષની મુસ્લિમ મહિલા ફોન પર કંઈક બોલી- હાં માલ મિલ ગયા હૈ. પછી કાર ઊભી રહી. એ મહિલા જતી રહી અને એક યુવક મારી બાજુમાં ચપોચપ બેસી ગયો. મેડમ હવે શું થશે- રાજેશ્રી બોલી.

તમને હવે કંઈ નહીં થાય. આ લેડીઝ વોશરૂમમાં કોઈ આવી શકશે નહીં. અમારા હોટલની મીની બસમાં હમણાં હું તમને મારા ઘરે લઈ જઈશ.
અને પછી કાલે તમને તમારી હોસ્ટેલમાં મૂકવા આવીશ.
મેડમ, તમે અમને બચાવી લીધા. ઉમિકાએ ઉત્તમભાઈને હકીકત જણાવી. પેલા ત્રણ શખ્સ અંદરઅંદર બૂમાબૂમ કરતા હતા. પેલા યુવકે પૂછયું- મેડમ કહાં ગયે, હમે ઉપરકા રૂમ ચાહિચે.
મેડમ કા ડ્યુટી પૂરા હો ગયા. મેરે સાથ બાત કરો. ઉત્તમભાઈએ કહ્યું.
અરે, બાત બાદમેં કરેંગે, પહેલે યે બતાઓ કી લડકિયાં કહાં હૈ મૂછાળાએ બૂમ મારી.

લેડીઝ વોશરૂમની બહાર ઊભા રહીને પેલા મોબાઈલ પ્રેમીએ હોટલમાં સફાઈ કામ કરતી બાઈને અંદર જોવા માટે કહ્યું કે જો અંદર અમારી બે છોકરીઓ છે, એમને કહે કે અંકલ બોલાવે છે.
આખરે ત્રણે શખ્સો સમજી ગયા કે શિકાર છટકી ગયો, પણ કોને કહે?
હોટલથી દશ મિનિટ દૂર ઉમિકાનું ઘર હતું. પતિથી ત્યકતા થયેલી ઉમિકાના સંતાનોના ફોટો-વિડિયો જોતાં રાજશ્રી અને માનસીની આંખો ભરાઈ આવી.

બાર વર્ષનો દીકરો શંકર અને નવ વર્ષની દિયાને આસામની એક હોસ્ટેલમાં ભણાવવા આ માતાએ કેટલો બધો ત્યાગ કર્યો છે. પતિના પ્રેમથી વંચિત, અદિતપુર ગામને છોડીને મુંબઈ હાઈવે પર હોટલમાં કામ કરે છે. પોતાનાં સંતાનોના ઉજજવળ ભવિષ્ય માટે કેટલો મોટો ત્યાગ ! પોતાના વૃધ્ધ દાદા-દાદીએ આ નાના છોકરાં ઉછેરવામાં સાથ આપ્યો, તો સરકારી મદદ વડે ખેતમજૂરો રાખ્યા અને દાદા-દાદાને રાહત આપી રહી છે.
**
હમણાં હોટલમાંથી એક અઠવાડિયાની રજા મળી ત્યારે ઉમિકા ગામ ગઈ હતી. પણ તે વખતે સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોવાથી હોસ્ટેલમાંથી બંને છોકરાંઓને ઘરે આવવાની રજા ન આપી. ઉમિકાની ભલામણથી એક રાત માટે રજા આપી. તે રાત્રે દિયાએ મમ્મીને ખુશ કરવા સ્કૂલમાં શીખવેલું આસામી લોકનૃત્ય કર્યું. દીકરા શંકરે કહ્યું- મમ્મી, હું ખૂબ ભણીશ, મોટો થઈને ખૂબ કમાઈશ. તને સુખી કરીશ. મમ્મી, યે દિન ભી જાયેંગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button