મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પૂર્વે કોંગ્રેસે બંને રાજ્યમાં કરી ઓબ્ઝર્વરની નિમણૂક
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીના પરિણામો 23 નવેમ્બર એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે. મતગણતરીમાં બપોર સુધીમાં બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણીના પરિણામો પહેલા જ કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ છે. પાર્ટીએ બંને રાજ્યોમાં નિરીક્ષકોની નિમણૂક કરી છે. અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, તારિક અનવર, કૃષ્ણા અલાવુરુ સહિતના વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન?
કોને સોંપવામાં આવી જવાબદારી
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વરિષ્ઠ નેતાઓ અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને ડૉ. જી પરેશ્વરને મહારાષ્ટ્ર માટે વરિષ્ઠ નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠ નેતા તારિક અનવર, એમએલ ભાટી વિક્રમાર્કા અને કૃષ્ણા અલાવુરુને ઝારખંડ માટે વરિષ્ઠ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પાર્ટી અધ્યક્ષે તાત્કાલિક અસરથી તમામ વરિષ્ઠ નિરીક્ષકોની નિમણૂક કરી છે.
મહારાષ્ટ્રમાં જામશે જંગ
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યના 36 જિલ્લાની તમામ 288 બેઠકો પર કુલ 66.05% મતદાન નોંધાયું હતું. જ્યારે 2019માં મહારાષ્ટ્રમાં કુલ 61.44% મતદાન નોંધાયું હતું. આ વખતે મહારાષ્ટ્રમાં મુખ્ય રાજકીય સ્પર્ધા મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે માનવામાં આવી રહી છે.
ઝારખંડમાં બે તબક્કામાં થયું હતું મતદાન
ઝારખંડમાં વિધાસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. 13 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં કુલ 66.65 ટકા મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ થયું હતું. બીજા તબક્કામાં રાજ્યના 12 જિલ્લાની 38 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ 38 બેઠકો પર 68.95% મતદાન નોંધાયું છે.